મોદીનાં જીવનને માફીયાઓથી જોખમ : લોકો કરે સલામતીની દુવા

નવી દિલ્હી : નોટબંધીના મુદ્દે યોગગુરૂ બાબા રામદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવને માફીયાઓથી ખતરો હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે લોકોને તેમની સલામતી માટે પ્રાર્થના કરવા માટે અપીલ કરી હતી. રામદેવે ટ્વિટ કર્યું કે આતંકવાદી, યુદ્ધ માફીયાઓ, પોલિટિકલ માફીયાઓથી મોદીનાં જીવને ખતરો છે. તમામ જનતા નોટબંધી મુદ્દે તેમનું સમર્થન કરે અને તેમની સલામતી માટે પ્રાર્થના કરે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ પણ અગાઉ ગોવાની એક જનસભામાં કોઇનું નામ લીધા વગર જ પોતાને જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. વડાપ્રધાને રેલીમાં કહ્યું કે, હું જાણું છું કે મે કેવી કેવી તાકાતો સામે મોર્ચો ખોલ્યો છે. જાણું છું કે કઇ રીતે લોકો મારી વિરુદ્ધ થઇ જશે. મને જીવતો નહી છોડે… મને બર્બાદ કરી દેશે, કારણ કે 70 વરસની તેમની લૂંટ હવે બેકાર થવા જઇ રહી છે, પરંતુ હું હાર નહી માનું.

અગાઉ બાબા રામદેવે નોટબંધી મુદ્દે એક ખાનગી ટીવી ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ભાજપમાં મોટા ભાગનાં લોકો કુંવારા છે, માટે લગ્નની સીઝન પર કોઇનું ધ્યાન નહોતું ગયુ જે એક ચુક છે. નોટબંધીનો નિર્ણય લગ્નવાળા ઘર માટે એક મોટો પડકાર છે. જો કે સરકારની તરફથી લગ્નવાળા ઘરોમાં મોટી રાહત આપતા 2.5 લાખ રૂપિયા સુધી એક જ વારમાં ઉપાડવાની છુટ આપવામાં આવી છે.

You might also like