જીવનની વિકલ્પરહિત પસંદગી

લગ્નોન્મુખ યુવક-યુવતીઓ સમક્ષ જીવનસાથીની પસંદગીના અનેક વિકલ્પ હોઇ શકે છે. આ બધા વિકલ્પનો વિચાર કરીને એક યુવક અને યુવતી અન્યોન્યને પસંદગીની વરમાળા પહેરાવે છે ત્યારે ત્યાં વિકલ્પનો અંત આવી જાય છે, ત્યાં વિકલ્પનો અંત આવી જવો જોઇએ. આ પસંદગી પછી હવે વિકલ્પ
નથી જ એની ઊંડી સમજઅનિવાર્ય છે.

અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનનાં પત્ની કેટલાંય વર્ષ પછી લિંકનને કહે છેઃ ‘તમારા કરતાં તો હું ડગ્લાસને પરણી હોત તો ક્યારનીયે વ્હાઇટ હાઉસમાં પહોંચી ગઇ હોત!’ લિંકનનાં પત્ની જોઇ રહ્યાં હતાં કે લિંકન ગરીબ છે, તેની પાસે નાણાં નથી, તેના પોશાકનું ઠેકાણું નથી, તેના ચહેરા પર વેદનાના ચીરા ઠેર ઠેર છે.

તે પ્રમુખપદની ચૂંટણીમાં ઊભો છે, પણ અગાઉની ચૂંટણીઓના પરાજયનો અનુભવ જોતાં આ વખતે તે જીતશે તેવું કોણ કહી શકે? તેની સરખામણીમાં પોતાની સાથે ભણેલો ડગ્લાસ વધુ સારો ઉમેદવાર હતો. લિંકન કરતાં વધુ દેખાવડું વ્યક્તિત્વ પણ હતું. વ્હાઇટ હાઉસમાં પ્રમુખ તરીકે તે જ દાખલ થાય તેવી શક્યતા વધુ હતી.

પત્નીના કઠોર શબ્દોના જવાબમાં અબ્રાહમ લિંકને એવું કહ્યું હતુંઃ ‘થોડીક ધીરજ રાખ. હું જ તને વ્હાઇટ હાઉસમાં લઇ જઇશ.’

અબ્રાહમ લિંકન પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા. પત્ની કંઇક શરમાઇ. લિંકને આટલું જ કહ્યુંઃ ‘સફળતા-નિષ્ફળતા તો ઇશ્વરના હાથમાં છે, પણ જીવનમાં કેટલીક પસંદગીઓ વિકલ્પરહિત હોય છે અને વિકલ્પરહિત પસંદગી વડે જ માણસ જીતે છે, જ્યાં તે હારે છે ત્યાં પણ તે માણસ તરીકે જીતે છે.’

આપણે ત્યાં અત્યારે શિક્ષણ અને સંસ્કારની સમાન ભૂમિકાના આધારે લગ્ન થાય છે અને આવાં કેટલાંક લગ્ન તૂટી પડે છે, બીજાં કેટલાંક સ્થગિત થઇ જાય છે એવી રીતે સમાન કારકિર્દીનાં પણ લગ્ન થાય છે અને છતાં કારકિર્દીની સમાનતાના કારણે જ તે લગ્ન સફળ થતું નથી. અત્યારે લગ્ન કુંડળીઓના આધારે કે કમ્પ્યૂટરના ચુકાદા પર પણ નક્કી થાય છે. આ બધા પછી પણ લગ્ન ખરેખર જીવનની જેમ જ હંમેશાં એક રહસ્ય ખડું કરે છે, તે કોઇ નિયમોને દાદ દેતું નથી. તેની સફળતાની કોઇ બાંયધરી કે વીમો હોઇ શકતો નથી.

ઇંગ્લેન્ડના એક મશહૂર વડા પ્રધાન બેન્જા‌િમન ડિઝરાયલીની લગ્નકથા રીતસર એક રોમાંચપૂર્ણ આદર્શ પ્રેમકથા જેવી લાગે છે. ડિઝરાયલી જે સ્ત્રીના પ્રેમમાં પડ્યો હતો તે સ્ત્રી ડિઝરાયલી કરતાં ઉંમરમાં ૧ર વર્ષ મોટી હતી. ડિઝરાયલી ૩૩ વર્ષનો હતો. વિધવા બનેલી શ્રીમતી વીન્ધામ લે‌િવસ ૪પ વર્ષની હતી.

આ વિધવાને એ સમજાતું નહોતું કે પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે કોઇ યુવાન શું કામ પ્રેમમાં પડે? બેન્જા‌િમન ડિઝરાયલી ગરીબ હતો. દેવામાં ડૂબેલો હતો અને આ સ્ત્રી પૈસે ટકે સુખી હતી એટલે અે સ્ત્રીની બહેનપણીઓએ તેને સમજાવ્યું કે ડિઝરાયલી પાસે ફૂટી કોડી નથી, તેના માથા પર વાળ જેટલું દેવું છે, તે વાર્તાઓ લખે અને તેમાં પાંચ પૈસા મળે તેનાં સારાં કપડાં પહેરે છે. બોલવામાં ચતુર અને વિનોદી છે એટલે કંઇક યુવતીઓ તેના તરફ આકર્ષાય છે. તારી જોડે તે પરણવા આતુર એટલા માટે છે કે તેને તારા પૈસા મળે! તારી પાસે જે ધન છે તેના વડે પોતાનું કરજ ચૂકવી દેશે અને પછી તો થાય તે ખરું, પછી ડિઝરાયલીને તારા માટે કેટલું વહાલ રહે છે તે જોઇશું!

શ્રીમતી વીન્ધામ લે‌િવસને વાત સાચી લાગી. ડિઝરાયલીને કહ્યું કે લગભગ યૌવન ગુમાવી બેઠેલી સ્ત્રી માટે તમને આટલો બધો પ્રેમ કેમ છે તે હું સમજું છું! ડિઝરાયલીને ખરાબ લાગ્યું. તે ચકોર હતો. બધું જ સમજી ગયો.

તેણે પ્રિયતમાને લખ્યુંઃ ‘જેમને મારો પ્રેમ જોઇએ છે અને જેમને મેં દાદ નથી આપી તેવી સ્ત્રીઓની આ રમત છે. હું તને સાફ કહેવા માગું છું કે હું તને જ ચાહું છું. તારું ધન મારે જોઇતું નથી. લગ્ન પછી તારા ધનના એક પણ સિક્કાને હાથ લગાડું તો ફિટકાર આપજે. ફરી વિચાર કરજે. મારા પ્રેમમાં શ્રદ્ધા હોય તો મને બોલાવજે, નહિતર છેલ્લી સલામ!’

શ્રીમતી વીન્ધામ લે‌િવસ છેવટે ડિઝરાયલીને પરણી. હવે તે મેરી એન બની. ડિઝરાયલી અને મેરી એનની જોડી બરાબર જામી. પ્રેમ પાંગર્યો. મેરી એન પતિનું દુઃખ જોઇને વારંવાર કહે છે–મારા પૈસામાંથી તમારું કરજ ચૂકવી દો! તમને હેરાન થતા હું જોઇ શકતી નથી. અગાઉ મેં જે કંઇ કહ્યું તે ભૂલી જાઓ. તેના માટે હું શર્મિંદગી અનુભવું છું, પણ ડિઝરાયલીએ પત્નીનો આભાર માન્યો-પૈસા ન જ લીધા.

એક સ્ત્રી-પુુરુષ વચ્ચેની અતૂટ મૈત્રીની, અતૂટ પ્રેમની અને વફાદારીની આ કથા છે, એમાં યૌવન, નાણાં, રૂપનો પ્રભાવ ગેરહાજર છે!
– લેખકના પુસ્તકમાંથી

You might also like