જિંદગીના ત્રાજવે અહેસાનનું પલ્લું ભારે જ રહેવાનું…

અહેસાનનો પંજો તમારા ખભા ઉપર ભારરૃપ લાગતો હોય

  • ભૂપત વડોદરિયા

જૂના જમાનાના માણસો કહેતા હતા કે માણસને શેરીની ચપટી ધૂળનો પણ ખપ પડે. આપણને કદી કોઈની જરૂર પડે જ નહીં, આપણે કદી કોઈની પાસે કશું માગવું જ ન પડે તેવું અભિમાન કરવું નહીં જોઈએ. માણસની જિંદગી માણસ માણસ વચ્ચેની નાની-મોટી આપ-લેથી ચાલતી હોય છે. સમાજમાં તદ્દન ‘આત્મનિર્ભર’, તદ્દન ‘સ્વતંત્ર’ હોય એવો કોઈ માણસ નથી. માણસો એકબીજાના સાથ-સહકારથી જ જીવી શકે છે. છતાં કેટલાક માણસો કાં તો પૈસેટકે રાચતા હોય અગર તો સ્વમાન-સ્વાવલંબનના ખોટા ખ્યાલથી એવી ખુમારી કેળવે છે કે આપણે તો કોઈનું અહેસાન ના લઈએ, આપણે કદી ક્યાંય હાથ લાંબો કરતાં જ નથી. આપણો સિદ્ધાંત એવો છે કે કોઈનું લેવું પણ નહીં ને આપવું પણ નહીં છતાં અભિમાન પોષવા માટે આવા લોકો ક્યારેક આપે ખરા, પણ લે તો નહીં જ!

કેટલાક લોકો આટલી સાદી વાત સમજી જ શકતા નથી કે જરૂર પડે તો પ્રેમથી માગો અને પ્રેમથી પાછું વાળો. માણસ માણસ વચ્ચેનો આ વહેવાર છે. આવા વહેવારમાં માત્ર ચીજ-વસ્તુઓની જ આપ-લે થતી નથી. પ્રેમની આપ-લે પણ થતી હોય છે, પણ કેટલાંક માણસોને આ વાત ગળે જ નહીં ઊતરે. જરૂર પડે તો તેઓ અહેસાન લેશે, પણ એવી રીતે એ અહેસાન ઉતારી નાખવા તલપાપડ બની જશે કે તમને એમ જ લાગે કે, જાણે આભડછેટમાં માનનારો માણસ સ્નાન કરવા અધીર બન્યો ના હોય! અહેસાનની આ આભડછેટ શા માટે? તમે પ્રેમથી કંઈક માંગો. આપનારની ગૃહસ્થીનું અને તેના વ્યક્તિત્વનું એ સન્માન છે. તમે એક અહેસાન લીધું તો તે અહેસાન પાછું વાળવાનું મન થાય તે સારી વાત છે. તે એમ બતાવે છે કે, તમે માત્ર લઈને જ રાજી થાઓ તેવા સંકુચિત કે સ્વાર્થી નથી. તમને પણ આપવું ગમે છે. કમ-સે-કમ તમે કંઈ લીધું હોય તો તે પાછું વાળવાની ખેવના તો તમે રાખો જ છો, પણ અહેસાન એવી રીતે પાછું ના વાળો કે તેની મીઠાશ જ મરી જાય. અહેસાનથી તમારો હાથ ખરડાઈ ગયો હતો ને તરત તમે તમારો હાથ ધોઈ નાખ્યો એવી રીતે અહેસાનનો બદલો ન આપો. કોઈકનું અહેસાન અનાયાસે તમારે માથે ચઢ્યું હોય તો એ અહેસાનનો પંજો તમારા ખભા ઉપર ભારરૃપ લાગતો હોય તેમ તેને હટાવો નહીં. જાણે તમને ભાર લાગતો હોય અને એ હાથને હડસેલી રહ્યા હો તેવી રીતે અહેસાનનો બદલો ના વાળો.

પરસ્પર આપ-લેની આ મીઠાશ કેટલાક લોકો સમજતા નથી. સવારે તમે ચા પાઈ હોય તો બપોરે ને બપોરે તમને ચા પાયા પછી જ એ જંપવાના! તદ્દન બાલિશ લાગે તેવો આ વહેવાર બની જાય છે. અહેસાન કરવામાં સ્વાભાવિકતા હોવી જોઈએ અને અહેસાન પાછું વાળવામાં તો એથીયે વધુ સહજતા હોવી જોઈએ. અહેસાનથી આપ-લે સામસામા દડા ઉછાળવાની રમત બની જવી ન જોઈએ. તેને પ્રેમ કે માણસાઈના વિવેકયુક્ત વિનિમય જેવી બનાવવી જોઈએ.

માણસ ગમે તેટલો શક્તિશાળી હોય, શ્રીમંત હોય, વગદાર હોય છતાં ક્યારેક અને ક્યાંક તો એને શિરે કોઈનું ઋણ ચઢતું જ હોય છે. આવા ઋણથી ગભરાવાની જરૂર નથી. તમારે કોઈનું કામ પડ્યું તો તેમાં કશી નાનપ અનુભવવાની જરૂર નથી. માણસને માણસનો ખપ પડે છે. એકલો માણસ જિંદગીનો આનંદ લૂંટી શકતો નથી. તમે ખૂબ ધનવાન છો, સુખી છો, કશાની કમી નથી અને છતાં તમારે દીકરા-દીકરીનાં ધામધૂમથી લગ્ન કરવા હશે, આ મંગળ પ્રસંગને આનંદનો ઉત્સવ બનાવવો હશે, આ સમારંભની શોભા વધારવી હશે તો બીજા માણસોની પણ જરૂર પડવાની! બીજાઓની હાજરી વિના, બીજાઓના સાથ-સહકાર વિના જિંદગીની કોઈ મજા માણી શકાતી જ નથી. સારેમાઠે પ્રસંગે કોઈ તમારે ત્યાં આવે છે તેમાં પણ તે તમારી ઉપર એક નાનકડું અહેસાન કરે છે. તમે તેવા જ પ્રસંગે તેને ત્યાં ઉપસ્થિત થઈને એ હિસાબ પૂરો કરો છો, પણ કોઈ માણસ એકલો એકલો ઉજાણી કરી શકતો નથી કે એકલો એકલો શોક પણ પી શકતો નથી.

તમે ધનવાન હશો, સુખી હશો, બુદ્ધિમાન હશો, પણ આખરે માણસ તો છો જ અને એક માણસ તરીકે તમારે માણસોની વચ્ચે જ રહેવાનું છે. તમે બીજાના દુખને પ્રસંગે તમારી હવેલી ભલે ના છોડો, પણ તમારા દુઃખના પ્રસંગે તમારે હવેલીનાં પગથિયાં ઊતરીને સમાજના ચોકમાં આવવું જ પડશે. આ ચોકમાં બધા જ માણસો સરખા છે. જિંદગીમાં એવા પ્રસંગો આવે છે, જે માણસ માણસ વચ્ચેની બહારની અસમાનતાઓ મિટાવી દે છે. તમારે માત્ર માણસ તરીકે ઊભા રહેવું પડે છે. દષ્ટાંત તરીકે – ઘેર માતા, પત્ની કે સંતાનનું મૃત્યુ થયું છે અને તમારે સ્મશાનયાત્રા કાઢવાની છે. તમારે બીજાઓને સાથે લેવા જ પડશે. અરે, તમે ખુદ જ્યારે આ નશ્વર દેહ છોડશો ત્યારે બીજાની કાંધે ચઢીને જવાનું જ આવશે. તમારી મોટર કે તમારું વિમાન તમને સીધું ત્યાં ઉતારી નહીં શકે. તમે તમારી જાતે ત્યાં પહોંચી નથી જ શકવાના. દુનિયામાં જેમણે સામ્રાજ્યો રચ્યાં, ક્રાન્તિઓ કરી, કરોડો લોકોની આગેવાની લીધી એવા માણસોને પણ આ સંસારમાં આવવા માટે તો એક ગરીબ દાયણનું અહેસાન લેવું જ પડ્યું છે. રાજાનો કુંવર કે સત્તાધીશનો સહેજાદો આ સંસારમાં સીધો જ હનુમાન કૂદકો મારી શકતો નથી. જન્મ તો તેની જનેતા તેને આપે છે, પણ મળમૂત્રથી ખરડાયેલા તેના દેહને કોઈક સ્નાન કરાવે છે, તે પહેલાં માતાથી તેને અલગ કરવા કોઈકે ડૂંટીની નાળ કાપવી પડે.

માણસની જિંદગીના આકાશમાં ગણ્યા ગણાય નહીં એટલાં અહેસાનોના તારલા ઊગ્યા કરે છે. અસંખ્ય તારલામાં થોડાક જ આપણને દેખાય છે તેમ, અહેસાનોમાં પણ થોડાક આપણી આંખે ચઢતા નથી, છતાં પણ તેમની હસ્તી મુકરર છે. અહેસાનોની ઝીણવટભરી યાદી કરીએ તો ઘણા ચોપડા ચીતરવા પડે. આ બધાં અહેસાનોને માથા પર ઉઠાવવા જઈએ તો ચાલી જ ના શકીએ. પણ આ અહેસાનોને આકાશના તારાની જેમ માથાની શોભા જેવા બનાવવાં અને નિર્જીવ બોજ ન બનવા દેવા તે આપણું કામ છે. અહેસાન માથે ચઢાવો અને અહેસાનનો બદલો વાળો, બદલો જરૂર વાળો, પણ વેપારીના ત્રાજવાનો જોખ કરીને ના વાળો. અહેસાનોની આપ-લેને સામૂહિક જીવનના રંગીન તાણાવાણાની જેમ ગૂંથો અને સહજીવનનું સુંદર વસ્ત્ર તેનાથી વણી કાઢો. જે સમાજ અને સંસ્કૃતિ માટે આપણને નાઝ છે, તેના પાયામાં નામી-અનામી નાના-મોટા અસંખ્ય માનવીઓના અહેસાનો દટાયેલાં પડ્યાં છે.

———————–.

You might also like