જનમટીપની સજા ઘટી દસ વર્ષની થઈ, પરંતુ અગાઉ કાપેલી સજા બાદ નહીં મળે

અમદાવાદ: ઉદ્યોગપતિ કરસનભાઇ પટેલના ‌િનમા ફાર્મ હાઉસમાં લૂંટનું કાવતરું ઘડનાર મહાલિંગમ ઉર્ફે શિવાએ ર૦૦૧માં અમરાઇવાડીમાં કરેલી એક હત્યા કેસમાં હાઇકોર્ટે તેની સામે ૩૦રના બદલે સાઅપરાધ મનુષ્યવધની કલમ લગાવી છે. સેશન્સ કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા આપી હતી તે ઘટાડીને ૧૦ વર્ષની કેદ ફટકારી છે.

જોકે હાઇકોર્ટે શિવાને કાપેલી સજા બાદ કરીને અપાતો લાભ નહીં આપી સજા નવેસરથી ભોગવવા આદેશ કર્યો છે.અમરાઇવાડી વિસ્તારમાં ૧ ફેબ્રુઆરી, ર૦૦૧ના રોજ મહાલિંગમ ઉર્ફે શિવા અને તેના પાંચ સાગરીતોએ જૂની અદાવતમાં કાંતિલાલ પટેલ નામના વ્યકિતની તલવારોના ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ કેસમાં અમરાઇવાડી પોલીસે શિવા સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી. અમરાઇવાડી પોલીસે શિવા ઉપર નાર્કોટિક્સનો ગુનો પણ દાખલ કર્યો હતો.

ર૦૦રમાં નાર્કોટિક્સના કેસમાં સેશન્સ કોર્ટે દસ વર્ષની સજા ફટકારી હતી. ર૦૦૩માં કાંતિલાલ પટેલની હત્યાના કેસમાં શિવા સહિત અન્ય આરોપીઓને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ર૦૦૮માં શિવાને હાઇકોર્ટે હત્યા કેસમાં જામીન આપ્યા હતા, જોકે નાર્કોટિક્સના કેસમાં તે જેલમાં જ હતો. શિવા વિરુદ્ધમાં હથિયારોની લે-વેચના તથા પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ જવાના અને જેલ તોડીને ફરાર થવાના ગુના પણ નોંધાયા હતા.

જેલમાં બેઠાં બેઠાં તેણે એસજી હાઇવે ઉપર આવેલા ઉદ્યોગપતિ કરસનભાઇ પટેલના ફાર્મ હાઉસમાં લૂંટનું આયોજન કર્યું હતું. ૧૪ વર્ષ પછી નાર્કોટિક્સમાં દસ વર્ષની સજા તથા હથિયારની લે-વેચના ગુનામાં ત્રણ વર્ષની સજા અને જેલમાંથી મોબાઇલ મળવાના ગુનામાં છ મહિનાની સજા ભોગવીને શિવો બહાર આવ્યો છે.

કાંતિલાલની હત્યામાં આરોપીઓએ ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી, જેમાં હાઇકોર્ટે કાંતિલાલ પટેલની હત્યા કેસમાં હત્યાની કલમ
(આઇપીસી ૩૦ર) રદ કરીને સાઅપરાધ મનુષ્યવધની (આઇપીસી ૩૦૪-૧) કલમનો ઉમેરો કર્યો અને મહાલિંગમ ઉર્ફે શિવાને દસ વર્ષની સજા તથા અન્ય આરોપીઓને પાંચ-પાંચ વર્ષની સજા ફટકારી છે.

કોર્ટે ચુકાદામાં ટાંક્યું છે કે આરોપી શિવા ગુનાઇત ઇતિહાસ ધરાવે છે, માટે તેમને સીઆરપીસી ૪ર૮ (કોઇ પણ આરોપી અન્ય કેસમાં સજા કાપતો હોય તો તે આરોપીને તે સજા બાદ મળે છે) હક આપવો નહીં. એટલે શિવાને નવેસરથી હત્યાના કેસમાં નહીં પણ સાઅપરાધ મનુષ્યવધની ફરિયાદમાં દસ વર્ષની સજા કાપવાનો આદેશ કર્યો છે ત્યારે અન્ય આરોપીઓને સજા બાદ આપી છે. હાઇકોર્ટે આરોપીઓને જેલ તંત્ર સમક્ષ ચાર અઠવાડિયાંમાં હાજર થવા આદેશ કર્યો છે.

You might also like