પત્ની, બાળકો અને પરિચિતોના ઉધાર પર જિંદગી ચાલી રહી છે: વિજય માલ્યા

(એજન્સી) લંડન: પોતાનાં બેન્ક એકાઉન્ટ પર ભારતીય બેન્કોનો કબજો રોકવા માટે કૌભાંડી વિજય માલ્યાએ પોતાની બદહાલ જિંદગીની કહાણી કોર્ટમાં રજૂ કરી છે. પોતાની વૈભવી અને રાજવી જિંદગી માટે પ્રખ્યાત લિકર કિંગ વિજય માલ્યાએ જણાવ્યું છે કે, તે પોતાની પત્ની (પાર્ટનર), પર્સનલ આસિસ્ટન્ટ, પરિચિત બિઝનેસમેન અને બાળકો પર નિર્ભર જિંદગી જીવવા મજબૂર છે. ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યાએ જ ગત ૨૬ માર્ચના રોજ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, મારી પાસેથી પૈસા લઈ લો પણ જેટ એરવેઝને બચાવી લો.

હકીકતમાં જે ૧૩ બેન્કોના ૧૧ હજાર કરોડ રૂપિયા વિજય માલ્યા પાસે ફસાયા છે, તેમણે ગયા વર્ષે ૧૧ સપ્ટેમ્બરે માલ્યા વિરુદ્ધ બેન્કરપ્સીની પિટિશન દાખલ કરી હતી, જેના પર આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સુનાવણી હાથ ધરાવાની છે. બેન્કોની આ અરજી પર પૂછવામાં આવેલા સવાલના જવાબમાં વિજય માલ્યાએ જણાવ્યું કે, તેની વ્યક્તિગત સંપત્તિ ઘટીને ફક્ત ૨૯૫૬ કરોડ રૂપિયાની થઈ ગઈ છે અને આ તમામ સંપત્તિ તેણે બેન્કો સાથેના સેટલમેન્ટ માટે કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી દીધી છે. બેન્કોએ માલ્યા પાસેથી મળેલી આ માહિતી યુકેની કોર્ટને મોકલી આપી છે.

બેન્કોએ કોર્ટને જણાવ્યું છે કે, વિજય માલ્યાની પાર્ટનર (પત્ની) પિંકી લલવાની વર્ષમાં અંદાજે ૧.૩૫ કરોડ રૂપિયા કમાય છે. એ પ્રમાણે માલ્યાએ પોતાની પર્સનલ આસિસ્ટન્ટ મહલ અને એક ઓળખીતા બિઝનેસમેન બેદી પાસેથી અનુક્રમે ૭૫.૭ લાખ અને ૧.૧૫ કરોડ રૂપિયા ઉધાર લીધા છે. નિજેલ તોજી માલ્યાને લોન આપનારી ૧૩ બેન્કો તરફથી યુકેની કોર્ટમાં કેસ લડી રહ્યા છે.

તેમણે કોર્ટને જાણકારી આપી હતી કે, માલ્યાએ બેન્કોને જણાવ્યું છે કે, તેમની જિંદગી અને ગુજરાન ચલાવવા માટે તેણે આ પૈસા ઉધાર લીધા છે. લંડન કોર્ટને તોજી તરફથી આપવામાં આવેલી લેખિત જાણકારીથી જાણવા મળે છે કે, વિજય માલ્યા પર બ્રિટિશ સરકારનો લગભગ ૨.૪૦ કરોડ રૂપિયાનો ટેક્સ ઉપરાંત તેના પૂર્વ વકીલ મેકફલેન્સના કેટલાક રૂપિયા પણ બાકી નીકળે છે. આ ઉપરાંત માલ્યાએ ભારતીય બેન્કોના ૩.૩૭ કરોડ રૂપિયાના કાયદાકીય ખર્ચમાંથી ૧.૫૭ કરોડ રૂપિયા પણ હજુ ચૂકવ્યા નથી.

વિજય માલ્યાના વકીલ જોન બ્રિસબીએ બુધવારે કોર્ટને જણાવ્યું હતું કે, માલ્યા હાલ ગુજરાન માટે દર સપ્તાહે ૧૬.૨૧ લાખ રૂપિયા ખર્ચ કરવાના બદલે દર મહિને ૨૬.૫૭ લાખ રૂપિયામાં ગુજરાન ચલાવવા પણ તૈયાર છે. કેમ કે હવે તેણે હાયર પર્ચેઝ એગ્રીમેન્ટ હેઠળ ૧૪.૪૦ લાખ રૂપિયાની માસિક ચૂકવણી કરવાની નથી.

ઉલ્લેખનીય છે કે, કોર્ટે માલ્યાને ગુજરાન ચલાવવા માટે દર અઠવાડિયે ૧૬.૫૧લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની મંજૂરી આપી છે. કોર્ટને એવું પણ જણાવવામાં આવ્યું છે કે, માલ્યા પર સાઉથ આફ્રિકન બેન્કના પણ ૩૦.૬ કરોડ રૂપિયા ઉધાર છે, જે ભારતીય બેન્કોની બેન્કરપ્સી પિટિશનમાં સામેલ થઈ ચૂકી છે. બુધવારે લંડન કોર્ટમાં ભારતીય બેન્કોની એ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં બેન્કોએ યુકે સ્થિત આઈસીઆઈસીઆઈ બેન્કમાં વિજય માલ્યાના કરન્ટ એકાઉન્ટ પર કબજો આપવાની અપીલ કરી હતી.

You might also like