લાઇફ પહેલાં જેવી સ્મુધ નથીઃ યામી

બોલિવૂડમાં સફળ ફિલ્મથી એન્ટ્રી થવી એ કિસ્મતની વાત ગણાય છે. યામી ગૌતમ પણ આવી જ એક નસીબદાર અભિનેત્રી છે. ‘વિક્કી ડોનર’ જેવી સફળ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટર થયા બાદ તેણે ‘બદલાપુર’ જેવી હિટ ફિલ્મ પણ આપી. પોતાની ક્યૂટનેસના કારણે લોકપ્રિય બનેલી યામી ગણીગાંઠી ફિલ્મો જ કરી રહી છે. તે કહે છે કે ‘વિક્કી ડોનર’થી લઇને ‘બદલાપુર’ સુધીની સફર બાદ જિંદગીમાં ઘણાં પરિવર્તન આવ્યાં છે. લાઇફ હવે પહેલાં જેવી સ્મુધ રહી નથી. મુંબઇથી લઇને દક્ષિણ ભારત સુધી રોજ દોડધામ કરવી પડે છે, જોકે હું દેશમાં મનોરંજનના સૌથી મોટા માધ્યમનો હિસ્સો બનીને ખુશ છું. યામી કહે છે મારું બેકગ્રાઉન્ડ ફિલ્મી નથી, છતાં પણ મને જે કામ મળી રહ્યું છે તે મારા માટે ખૂબ મહત્વનું છે. મને લાગે છે કે મારી કરિયર યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. એક કલાકાર તરીકે અમને હંમેશાં એવી ઇચ્છા રહે છે કે અમારા પર્ફોર્મન્સનાં વખાણ થાય. વધુ ને વધુ ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળે. લોકોએ મારા અભિનયનાં વખાણ કર્યાં છે. હું ઇશ્વરની સાથેસાથે મારા પ્રશંસકોની પણ આભારી છું.

બાળપણમાં યામીને અભિનેત્રી બનવાની ઇચ્છા હતી, પરંતુ કોલેજમાં આવી ત્યાં સુધી તો મસ્ત અભ્યાસમાં જોતરાઇ ગઇ હતી અને અભિનયની દુનિયાની તો કલ્પના પણ કરી ન હતી. ત્યાર બાદ સંયોગથી એક ટીવી સિરિયલ માટે તેની પસંદગી થઇ ગઇ. કેટલીક જાહેરાતોમાં કામ કરવાનો મોકો મળ્યો. આ સિલસિલો આગળ ચાલતો ગયો અને આગળ જતાં તે અભિનેત્રી બની ગઇ અને કરિયર સેટ થઇ ગઇ. હવે તે ‘સનમ રે’ ફિલ્મમાં જોવા મળશે. દિવ્યા ખોસલા કુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ એક લવસ્ટોરી છે. ફિલ્મમાં તેની સાથે પુલકિત સમ્રાટ છે.

You might also like