જિંદગી હેલ્પલાઈને જિંદગી બચાવી ઉપરાંત પૈસા પણ પાછા અપાવ્યા

અમદાવાદ: શહેરમાં થતી આત્મહત્યાઓને રોકવા પોલીસે શરૂ કરેલી જિંદગી હેલ્પ લાઇને એક યુવકની જિંદગી અને પૈસા બંને બચાવી લીધા હોવાનો કિસ્સો સામે આપ્યો છે. જજ સાહેબ સાથેના ફોટા બતાવી મારે જજ સાહેબ સાથે ઓળખાણ છે. તમારા પુત્રને હત્યાના ગુનામાંથી છોડાવી દઇશ કહી શખસે રૂ.પાંચ લાખ પડાવી લીધા હતા. છળકપટથી મેળવેલા પૈસા શખસ દ્વારા પરત ન અપાતાં યુવક પોતે આપઘાત કરવા જઇ રહ્યો હતો પરંતુ શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ બહાર લાગેલા જિંદગી હેલ્પલાઇનનાં બોર્ડને જોઇ તેણે હેલ્પલાઇનની મદદ લીધી અને જિંદગી હેલ્પલાઇનમાં કાઉન્સિલિંગ દ્વારા તેની જિંદગી અને પૈસા બંને પરત મળ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિકોલ વિસ્તારમાં રહેતા અજયભાઇનો પુત્ર છેલ્લા કેટલાક સમયથી હત્યાના ગુનામાં સાબરમતી જેલમાં બંધ છે. ઇસનપુર વિસ્તારમાં રહેતાં શિવકુમાર સાથે અજયભાઇની કોઈ પરિચિત દ્વારા ઓળખાણ થઇ હતી. શિવકુમારે પોતાના ફોનમાં ફોટા બતાવી પોતાને જજ સાહેબ સાથે સારી ઓળખાણ છે. રૂ.પાંચ લાખ આપો તો તમારા પુત્રને હત્યા કેસમાંથી છોડાવી દઇશે. અજયભાઇએ વિશ્વાસમાં આવી રૂ.પાંચ લાખ શિવકુમારને આપી દીધા હતાં. પૈસા આપ્યા બાદ પુત્રને છોડાવવાનું કહેતાં શિવકુમાર ગલ્લાં તલ્લાં કરતો અને પૈસા પરત માગતા ગાળાગાળી અને ઘમકી આપતો હતો. શિવકુમારે રૂ.બે લાખ અજયભાઇને પરત આપી દીધા હતા. પરંતુ ત્રણ લાખ ન આપતાં અજયભાઇને પોતાની જિંદગી હવે કોઇ કામની નથી માની આપઘાત ના વિચાર કરતો હતો.

શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ બહાર લાગેલા જિંદગી હેલ્પ લાઇનનું બોર્ડ જોઇ તે હેલ્પ લાઇનમાં મળવા ગયા હતા.
જ્યાં તેઓએ પોતાની આપવીતી જણાવી હતી. જિંદગી હેલ્પ લાઇનના કાઉન્સેલર દ્વાર શિવકુમારનો મોબાઇલ નંબર મેળવી તેમને રૂબરૂ બોલાવ્યા હતા અને રૂ.પાંચ લાખમાંથી બાકીના ત્રણ લાખ પરત આપવા જણાવ્યું હતું. હેલ્પલાઇનના કાઉન્સેલરની સમજાવટ બાદ શિવકુમારે એક અઠવાડિયામાં અજયભાઇને તેમના બાકીના રૂ.ત્રણ લાખ પરત આપી દીધા હતા. આ રીતે જિદંગી હેલ્પલાઇને એક વ્યક્તિની જિંદગી અને પૈસા બંને બચાવ્યા હતા. (પાત્રોનાં નામ બદલ્યાં છે.)

You might also like