જીવનના ‘રંગો’ને સજાવતી રંગોની દુનિયા

રંગોના પર્વ હોળી-ધુળેટીની ધામધૂમથી ઉજવણી થાય છે. ફાગણ માણસમાં પ્રકૃતિ પણ નવા વાઘા સર્જે છે. આ પર્વ સિવાય પણ જીવનના દરેક ક્ષેત્રે રંગોનું મહત્ત્વ રહેલું છે. વિવિધ રંગો વગરનું જીવન અશક્ય છે ત્યારે જીવનમાં રંગોનું મહત્ત્વ જાણવું જરૂરી છે.

રંગોનો અલગઅલગ ક્ષેત્રોમાં ઉપયોગ અને અસરની વાત કરીએ એ પહેલાં રંગના વિજ્ઞાનને ટૂંકમાં સમજી લઈએ. રંગ એટલે પ્રકાશ અને ઊર્જા. વાસ્તવમાં કોઈ વસ્તુમાં રંગ હોતો નથી પરંતુ વિવિધ તરંગલંબાઈનાં પ્રકાશકિરણો વિવિધ રંગો પેદા કરે છે.

દરેક વસ્તુ અલગ રીતે પ્રકાશને પરાવર્તિત કરે છે અને શોષે છે જેના પરિણામે આપણને વિવિધ રંગો દેખાય છે. દાખલા તરીકે, ટામેટું લાલ કિરણો સિવાયના બધા પ્રકાશને શોષી લે છે. ટામેટાંની સપાટી પરથી લાલ રંગ પરાવર્તિત થઈને આપણી આંખમાં આવે છે અને આપણને ટામેટું લાલ રંગનું જણાય છે. આંખની પાછળના ભાગમાં નેત્રપટલમાં રોડ્સ અને કોન્સ નામના લાઇટ સેન્સર હોય છે. જે આંખ શું જોઈ રહી છે તે સિગ્નલ મગજને મોકલે છે. જેથી આપણને ટામેટું લાલ રંગનું દેખાય છે.

કોન્સના ત્રણ પ્રાથમિક રંગો આરજીબી- લાલ, લીલો અને વાદળી જોવાની ક્ષમતા છે. આ પ્રાથમિક રંગો કોઈ અન્ય રંગના મિશ્રણથી બનતા નથી પણ બાકીના બધા રંગો આ ત્રણ રંગના મિશ્રણથી બને છે. લીલો, નારંગી અને પર્પલ દ્વિતીય શ્રેણીના રંગો છે અને તે બે પ્રાથમિક રંગોના મિશ્રણથી બને છે. પ્રાથમિક અને દ્વિતીય શ્રેણીના રંગોના મિશ્રણથી લાલ-ઓરેન્જ, પીળો-ઓરેન્જ, પીળો-લીલો, વાદળી લીલો, વાદળી-વાયૉલેટ અને લાલ-વાયૉલેટ જેવા તૃતીય શ્રેણીના રંગો બને છે.

રંગો જીવનમાં અસર કરે છે તે સમજવું આ એક સ્પષ્ટતાથી જ પૂરતું થઈ પડશે. કિરણો એટલે કે પ્રકાશની બે શ્રેણી છેઃ દૃશ્ય કિરણો અને અદૃશ્ય કિરણો. નરી આંખે જોઈ શકાય તેવા દૃશ્ય પ્રકાશની તરંગલંબાઈ ૩૯૦થી ૭૫૦ નેનોમીટર વચ્ચે હોય છે. ક્ષ-કિરણો, પારંજાબલી કિરણો જેવાં નરી આંખે ન જોઈ શકાતાં કિરણોની આપણા શરીર ઉપરની અસરને આપણે જાણીએ છીએ. એટલે માનવું રહ્યું કે દૃશ્ય કિરણો એટલે કે રંગો પણ આપણને અસર કરતા હોવા જોઈએ.

રંગો શરીરના હોર્મોન્સને સક્રિય કરે છે
સૂર્યપ્રકાશ આપણો જીવનસ્ત્રોત છે. રંગો સૂર્યપ્રકાશની જ દેણ છે એટલે સૂર્યની જેમ રંગો આપણા જીવનને ઘણા પ્રભાવિત કરે છે. ઇજિપ્ત, ગ્રીસ અને ચીને હજારો વર્ષ પહેલાં કલર થેરાપીનો ઉપયોગ શરૂ કર્યો હતો. કલર થેરાપીના ઉપયોગનાં ૨૦૦૦ વર્ષ જૂના પુરાવાઓ મોજૂદ છે. સમય જતાં ઘણાં પુસ્તકો લખાયાં. જેમાં જર્મન સાહિત્યકાર જોન વોલ્ફગેંગ ગોથે કલરની સાઇકૉલૉજિકલ અસરોનો અભ્યાસ કર્યો હતો.

થલતેજ, અમદાવાદમાં આવેલી વસંત નેચરક્યોર હોસ્પિટલમાં ફરજ બજાવતાં નેચરોપેથ ડૉ.ડિનલ પટેલ કહે છે, “કલર થેરાપીને ક્રોમોથેરાપી કે લાઇટ થેરાપી પણ કહે છે. આ થેરાપીમાં રંગોની મદદથી દર્દીનો મૂડ બદલીને તેના શરીર અને મનને સાજા કરવામાં આવે છે. સામાન્ય ધારણા પ્રમાણે પ્રકાશ આંખો દ્વારા આપણામાં પ્રવેશે છે પણ હકીકત એ છે કે તે ત્વચા દ્વારા પણ શરીરમાં પ્રવેશે છે. દરેક રંગ ચોક્કસ તરંગલંબાઈ અને વાઈબ્રેશન ધરાવે છે, વિવિધ રંગોની તરંગલંબાઈ અને વાઇબ્રેશનની મદદથી શરીરની અંદરના હોર્મોન્સને સક્રિય કરે છે, જે લાગણીઓને પ્રભાવિત કરીને શરીરને દુરસ્ત કરે છે.”

મગજ કે લાગણીતંત્રને આઘાત પહોંચ્યો હોય એવા દર્દીઓમાં રંગોની અસર થાય છે. દાખલા તરીકે, વાદળી રંગ શાંત અસર છોડે છે જેનાથી બ્લડપ્રેશર નીચું જાય છે, જ્યારે લાલ રંગની અસર વાદળીથી વિપરીત હોય છે. લીલો રંગ ઇમોશનલી અસંતુલિત હોય તેમને સ્વસ્થ કરવા માટે વપરાય છે. ડિપ્રેશનના દર્દીઓને તેમાંથી મુક્ત કરવા માટે કલર થેરાપીમાં પીળો રંગ વપરાય છે.

રંગ આધારે વ્યક્તિની પરખ
દરેક માણસની ઓરા(આભામંડળ)માં પણ તેના સ્વભાવ પ્રમાણે રંગોના અલગ અલગ વર્તુળો હોય છે અને ઓરાને જાણીને કલર થેરાપીના ઉપયોગથી માણસને સ્વસ્થ અને સંતુલિત કરી શકાય છે. આભામંડળના રંગોને આધારે વ્યક્તિ અંદરથી કેવો છે તેની પણ સ્પષ્ટ જાણકારી મળે છે અને તેને કેવી રીતે સાજો કરવો તે સમજવામાં સરળતા રહે છે. આપણી આસપાસમાં રહેલા રંગોની આપણા ઉપર વિવિધ અસરો પડે છે.

તમે પહેરેલાં કપડાંનો રંગ પણ તમે તે દિવસે કેવી લાગણી અનુભવી રહ્યા છો તે દર્શાવે છે. કોઈક દિવસે તમે આછા રંગનાં વસ્ત્રો પહેરવાનું પસંદ કરો છો તો કોઈક દિવસે લાલ કે વાદળી પસંદ કરો છો. તમારી આ પસંદ જે તે સમયની લાગણીઓ અને મૂડનો પડઘો પાડે છે. વધુમાં તમે અમુક પરિસ્થિતિઓમાં ચોક્કસ પ્રકારે પ્રતિભાવ આપો છો તેનું કારણ તમે પહેરેલાં અમુક રંગનાં કપડાં હોઈ શકે છે.

રંગો સાથેની ધારણા સંસ્કારો અને સંસ્કૃતિ પ્રમાણે અલગઅલગ હોય છે. જેમ કે, ભારતમાં કાળો રંગ ઉદાસી અને શોક વ્યક્ત કરવા માટે વપરાય છે. જ્યારે અમેરિકામાં લગ્નમાં કાળો રંગ ઉપયોગમાં લેવાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન-એનઆઈડી, અમદાવાદમાં કમ્યુનિકેશન ડિઝાઈન ડિપાર્ટમેન્ટના સિનિયર ફેકલ્ટી ડૉ.રૂપેશ વ્યાસ કહે છે, “રંગોનું પર્સેપ્શન દરેક વ્યક્તિમાં અલગઅલગ હોય છે. દરેક વ્યક્તિ પોતાની સમજ અને જાણકારીના આધારે એ રંગ સાથેનું કનેક્શન મેળવે છે.

આંખની અંદરના કોન્સ અને રોડ્સ કલરને ઓળખે છે અને દરેક વ્યક્તિમાં તેનું પ્રમાણ ઓછું-વધતું હોય છે. અમે ડિઝાઈનમાં કલરનો ઉપયોગ કરીએ ત્યારે રંગઅંધ વ્યક્તિ પણ કલરને કેવી રીતે ધારણ કરશે તે બાબત ધ્યાનમાં લઈએ છીએ. રંગઅંધ વ્યક્તિ વિરોધી રંગો ઓળખી નથી શકતા પણ તે ડાર્ક અને લાઇટ વચ્ચેનો કોન્ટ્રાસ્ટ ઓળખી શકે છે. બસ જેવી પબ્લિક સર્વિસમાં ૧૦ ટકા રંગઅંધ લોકોનું ધ્યાન રાખવા માટે આ કલર કોન્ટ્રાસ્ટને ધ્યાનમાં લેવાનો હોય છે.”

ભારતમાં ચળકતા રંગોનો ઉપયોગ થાય છે જ્યારે યુરોપમાં ગ્રે અને આછા રંગોનો ઉપયોગ થાય છે. ભારત ઉપર સૂર્યની મહેર છે એટલે આપણે ચળકતા રંગો જોઈ શકીએ છીએ. જ્યારે અમુક દેશોમાં સૂર્ય વર્ષમાં અમુક દિવસોમાં જોવા મળે છે એટલે તેમના માટે ચળકતા રંગોનો ઉપયોગ મુશ્કેલી ઊભી કરે છે. ડૉ. વ્યાસ કહે છે, “અત્યારે યુરોપમાં ડિઝાઈનમાં ચળકતા રંગોનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે, પરંતુ તે સફેદ રંગના બેકગ્રાઉન્ડમાં ચળકતા રંગનો નાનકડો પટ્ટો મૂકવો કે આછા રંગોમાં ચળકતા રંગને સહેજ સ્થાન આપવું એટલા પૂરતો જ.”

રંગો વગર જીવી ન શકાય
બેરંગી જીવન કોઈને ગમતું નથી. જ્યાં પ્રકૃતિમાં બહુ ઓછા રંગો જોવા મળે છે,
સૃષ્ટિ લગભગ બેરંગી છે તેવા કચ્છ અને રાજસ્થાન પ્રદેશના પહેરવેશમાં તેમનાં ઘરોની ડિઝાઈનમાં ભરપૂર વાઇબ્રન્ટ રંગો જોવા મળે છે. ડૉ.વ્યાસ કહે છે, “રંગો વગર જીવી ન શકાય, જીવનને ટકાવી રાખવા તેઓ ઘણા રંગોનો ઉપયોગ કરે છે. તેમના પર્યાવરણમાં અનુભવાતો રંગોનો અભાવ તેમના જીવન સાથે જોડાયેલી વસ્તુઓમાં રંગો પૂરીને દૂર કરે છે. વળી ઈશ્વરની એ મહેરબાની કે તેમની આસપાસ ઊગતી વનસ્પતિઓ બહુ કલરફુલ હોતી નથી પણ તેમાંથી સારા રંગો બને છે. બીજા પ્રદેશોમાં રંગો આટલી માત્રામાં ઉપલબ્ધ જ નથી.

પૂર્વોત્તરનાં રાજ્યોમાં ઇન્ડિગો કલર વધુ જોવા મળે છે, કેમ કે તેમની આસપાસમાં આ રંગ વધુ ઊગતો હતો. રસાયણો તો હમણાં ડેવલપ થયાં, પહેલાં તો કુદરતી રંગોથી જ કામ થતું હતું.”

રંગોના ત્રણ મુખ્ય પાસા સમાયેલા છે, ફિઝિયોલોજિકલ પાસામાં આંખ રંગોને કેવા સ્વરૂપે સ્વીકારે છે તે રંગોના કોમ્બિનેશનમાં રંગોની તકનીકી સમજ સમાયેલી છે અને ત્રીજુ છે રંગોનું મનોવૈજ્ઞાનિક પાસું. ડૉ. વ્યાસ કહે છે, “રંગોને આપણા જીવનમાં એટલા બધા ઉપયોગમાં લઈએ છીએ કે આપણે રંગો પાછળના અર્થોને ભૂલી ગયા છીએ. માત્ર આપણને ગમે છે એટલે એ રંગોને અપનાવીએ છીએ.”

ઋતુઓ પ્રમાણે રંગોમાં બદલાવ
હવે જરા, ફેશનના રંગોમાં ‘ઇન-થિંગ’ અને ‘આઉટ થિંગ’ની વાત કરીએ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી(નિફ્ટ), ગાંધીનગરમાં ફેશન ડિઝાઈન ક્ષેત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રવિ જોશી કહે છે, “પશ્ચિમી દેશના લોકો રોજિંદા જીવનમાં ગ્રે કે સફેદ કપડાં જ પહેરે છે એને બદલે આપણા દેશમાં રંગબેરંગી કપડાં પહેરવાનું ચલણ તેમને નવાઈ પમાડે છે. આપણે ત્યાં પુરુષોનાં વસ્ત્રો મોટેભાગે સફેદ રંગ આધારિત હોય છે જ્યારે સ્ત્રીનાં વસ્ત્રો રંગીન હોય છે. એટલે મારી દૃષ્ટિએ કાપડમાં રંગોની વિવિધતા સ્ત્રીઓમાં જોવા મળે છે.

રંગો સ્ત્રીનાં કપડાંમાં વધુ અનુકૂળ આવે છે. પુરુષનાં કપડાંમાં નોન-કલર એટલે કે આછા રંગો અનુકૂળ આવે છે. ભારતીય ફેશન અને ફ્રેન્ચ ફેશન કહો કે યુરોપિયન ફેશનમાં રંગોનું મહત્ત્વ અલગઅલગ છે. એ લોકોના રંગો ઋતુઓ પ્રમાણે બદલાતા હોય છે. દરેક વર્ષે ઋતુઓમાં લોકોના સ્વભાવ, વૈશ્વિક પ્રવાહો, ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને ફેશનના રંગોમાં થોડો ફેરફાર થતો રહે છે. ભારતમાં રંગો ઋતુ ઉપરાંત તહેવારો સાથે પણ જોડાયેલા હોય છે અને પરંપરા સાથે જોડાયેલા લાલ અને કેસરી અમુક રંગો ક્યારેય એ ફેશનમાં બદલાતા નથી.”

વસ્ત્રોના રંગોમાં ઘણા ફેરફારો આવી રહ્યા છે. રાસાયણિક રંગોવાળા ભડકીલા રંગો આવી રહ્યા છે. પ્રિન્ટના રંગો પણ પહેલાં કલ્ચર આધારિત હતા તે યાંત્રિક બન્યા અને ભડકીલા થયા છે, કારણ કે પહેલાં વેજિટેબલ ડાઇ વાપરતા એટલે રંગ થોડો આછો રહેતો. આ તો નકારાત્મક ફેરફારની વાત થઈ. હકારાત્મક ફેરફાર વિશે વાત કરતાં ડૉ.રવિ જોશી કહે છે, “પહેલાં શ્વેત રંગને વિધવા માટે, બેસણા માટે જ પસંદ કરાતો તેને બદલે હવે કપડાંમાં તેનો ઉપયોગ વધ્યો છે, આ ફેશનમાં આવેલો એક મહત્ત્વપૂર્ણ બદલાવ ગણાય.”

દરેક સંસ્કૃતિમાં રંગોનું અર્થઘટન જુદું
કલર માનસિક અને ભાવનાત્મક અસરો ધરાવે છે અને તે લોકોનાં જીવનના તમામ પાસાને અસર કરે છે. કલરની સાઇકોલોજીનો આધાર આ સૂત્ર છે. કલર સાઇકોલોજીને લગતી કેટલીક સબ્જેક્ટિવ બાબતો છે તો કેટલીક વધુ સ્વીકાર્ય અને સાબિત થયેલી બાબતો પણ છે. એ પણ યાદ રહે કે અલગ અલગ સંસ્કૃતિમાં વિવિધ રંગોનું અર્થઘટન અને ખયાલો જુદાંજુદાં હોય છે.

સ્થાપત્યોમાં રંગોનું મહત્ત્વ જોઈએ તો અમેરિકામાં વર્ષો કામ કર્યા પછી ભારતમાં સ્થાયી થયેલા અને કુદરતી આપદા પુનઃસ્થાપન ક્ષેત્રે સંકળાયેલી સંસ્થા નેશનલ સેન્ટર ફોર પીપલ્સ એક્શન ઇન ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ (એનસીપીડીપી)નાં જોઈન્ટ ડાયરેક્ટર આર્કિટેક્ચર રૂપલ દેસાઈ કહે છે, “લાઇટ અને ડાર્ક કલર આપણા માનસને બહુ અસર કરે છે. નાનો રૂમ હોય અને તેમાં ઘેરો રંગ કરીએ તો હંમેશાં ટેન્શનમાં રહેવાય. મોટો રૂમ હોય તો એક-બે દીવાલને ઘેરો રંગ કરી શકાય પણ નાના રૂમ માટે હળવો રંગ જ સારો.”

આજે રંગોનો પ્રેક્ટિકલ ઉપયોગ ઘણો મહત્ત્વનો છે. આજે મોટી હોસ્પિટલમાં દાખલ થતાં જ ફ્લૉર પર વિવિધ રંગની લાઇનો બનાવેલી જોવા મળે છે જે ઘણી વ્યવહારુ હોય છે. દાખલા તરીકે, લીલી રેખાને અનુસરો તો તમે કોઈને પૂછ્યા વગર એક્સ-રે રૂમમાં જઈ શકો. રૂપલબહેન કહે છે, “મેટ્રો રેલવેમાં પણ વિવિધ રંગના પટ્ટાથી સ્થાન બતાવવાના નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ધોરણો છે. વૈશ્વિક પ્રવાસીઓને કંઈ બધા દેશની ભાષા ન આવડતી હોય ત્યારે આંતરરાષ્ટ્રીય શહેરોમાં આવતા પ્રવાસીઓ કોઈની મદદ વગર રંગોના પટ્ટાની મદદથી ગંતવ્યસ્થળે પહોંચી શકે છે.”

શાળામાં રંગની અનોખી પેટર્ન
ગ્રામ્ય વિસ્તારમાં આખી શાળા ગમે તે રંગે રંગી હોય પણ પ્રાથમિક શાળામાં લીલા રંગનો અને હાઇસ્કૂલોમાં લાલ રંગનો પટ્ટો હોય છે. લીલો પટ્ટો જોઈને દૂરથી પ્રાથમિક શાળાનું મકાન ઓળખી શકાય છે. શાળામાં રંગની આ પેટર્નનો આખા ભારતમાં ઉપયોગ થાય છે. ઉત્તરાખંડમાં અમે નુકસાનીનો અંદાજ મેળવવા ગયા હતા, સ્કૂલ બોર્ડે બોલાવ્યા હતા. ત્યાં અમે સ્કૂલો શોધતા નદીને સામે કાંઠેથી જ લીલો પટ્ટો દેખાઈ જતો હતો અને એ રીતે રંગના આધારે શાળાના મકાનને ઓળખવાનું સરળ હતું.

આર્કિટેક્ટમાં રંગોના પ્રેક્ટિકલ ઉપયોગ ઉપર ભાર મૂકતાં રૂપલબહેન કહે છે, “પ્રાથમિક શાળામાં અમે રંગોમાં એવી ભલામણ કરીએ છીએ કે દીવાલ પર નીચેની ત્રણ ફૂટની દીવાલ પર કાળો રંગ કરવો જેથી બાળકો ઇચ્છા પ્રમાણે તેના પર લખી કે દોરી શકે અને સ્વતંત્રતાનો અહેસાસ કરી શકે. બાળકોને ‘અહીં નહીં લખવાનું’ ‘ત્યાં નહીં લખવાનું’ કહીને નિયંત્રિત કરવામાં આવે છે તેને બદલે બાળકોને આ રીતે લખવા-દોરવા માટેનો અલગ વિસ્તાર આપી શકાય. અમે ઘણી વાર સિમેન્ટમાં રંગો નાખીને શાળાના રૂમના ફ્લૉર પર પરમેનન્ટ ગેઇમ બનાવીએ છીએ.”

રૂપલબહેન કહે છે, “અમે અલ્જિરિયામાં એક ગામ એવું જોયું કે આખું ગામ ગેરુ રંગથી રંગેલું હતું. ત્યાં ગામમાં દરેકે આ એક જ રંગ વાપરવો એવો નિયમ હતો. કલ્ચર અને લોકોની પસંદની યુનિફોર્મિટી એમાંથી પ્રતિબિંબિત થતી હતી. શ્રીલંકામાં મકાનોમાં રંગ ગમે તે વપરાયો હોય, મકાનની બહારની બાજુએ ૩ ફૂટ વપરાયેલા ઓઇલનો કાળા રંગનો પટ્ટો લગાવે જેથી વરસાદમાં દીવાલને નુકસાન નથી થતું.”

માનસિક-શારીરિક સ્થિતિમાં રંગોનો પ્રભાવ
રંગો માણસની લાગણીઓ સાથે જોડાયેલા છે. રંગો માણસની માનસિક કે શારીરિક સ્થિતિને પ્રભાવિત કરી શકે છે. વિવિધ અભ્યાસો દ્વારા સાબિત થયું છે કે લાલ રંગ સામે જોતાં લોકોના હૃદયના ધબકારા વધી જતા હતા. લાલ રંગ વધારાનું એડ્રેનાલિન તત્ત્વ રુધિરાભિસરણમાં દાખલ કરી દેતું હતું.

સારવારમાં રંગોના ઉપયોગ વિશે વાત કરતાં સાઇકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભિમાણી કહે છે, “બે પ્રકારના રંગો છે, એક સહપ્રેરક અને બીજા શાંતિપ્રેરક રંગો. ડિપ્રેશનમાં રહેલા લોકો માટે સહપ્રેરક રંગો વધુ ઉપયોગી થાય છે, ખાસ કરીને પીળો રંગ, નારંગી વગેરે. મારા ક્લિનિક પર વેઇટિંગ લૉન્જમાં મેં પીળો ખાસ એ વાતને ધ્યાનમાં રાખીને કરાવ્યો છે. એન્ઝાયટીવાળા દર્દીને શાંત કરવા માટે વાદળી જેવા શાંતિપ્રેરક રંગો કામ લાગે છે. જોકે દરેક દર્દીમાં અમે રંગની સારવાર નથી આપતા પણ જે દર્દી સ્ટ્રેસમાં હોય પણ સમજુ અને સંવેદનશીલ હોય તેમને અમે અમુક રંગો વચ્ચે રહેવાની ભલામણ કરીએ છીએ.”

આપણી લાગણીઓ અને મગજ ઉપર આપણી આસપાસના વાતાવરણની અસર પડે છે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. તમને કેટલાંક સ્થળે શાંતિ અને શીતળતાનો અનુભવ થાય છે તો કેટલાંક સ્થળ ઇરિટેટ કરી મૂકે છે. આમ થવામાં એ વિસ્તારના રંગો ભાગ ભજવતા હોવાની પૂરી શક્યતા છે.

રંગોનો રોજિંદા જીવનમાં પણ ઉપયોગ
રંગોની સાઇકોલોજિકલ અસર પ્રમાણે રંગોની બે શ્રેણી છેઃ લાલ, પીળો અને ઓરેન્જ જેવા વૉર્મ એટલે કે ઉત્તેજક રંગો અને લીલો, વાદળી અને પર્પલ જેવા કૂલ એટલે કે શીતળ, ઠંડા રંગો. વૉર્મ રંગો આરામથી લઈને દુશ્મનાવટ અને ગુસ્સા સુધીની લાગણીઓ જન્માવી શકે છે. કૂલ રંગો શાંતિ અને ઉદાસીના ભાવો જન્માવી શકે છે. કલર થેરાપીના આધારે રંગોનો રોજિંદા જીવનમાં પણ ઉપયોગ કરી શકાય છે. જેમ કે, ઘરને ફરી પેઇન્ટ કરાવવાનું હોય કે ઘર કે રૂમનું સુશોભન કરવાનું હોય લાગણીઓ અને મૂડને અસર કરતા રંગોને ધ્યાનમાં રાખવા જેવા છે.

પ્રતિષ્ઠિત સાઇકિયાટ્રિસ્ટ અને આર્ટ થેરાપીના હિમાયતી કાર્લ જુંગ તેમના દર્દીઓને રંગોનો ઉપયોગ કરવાની ભલામણ કરતા હતા. જુંગ માનતા હતા કે દર્દીએ પસંદ કરેલા રંગ તેમના વ્યક્તિત્વના ઊંડાણને પ્રતિબિંબિત કરે છે. જેમ કે, સામાન્ય રીતે અંતર્મુખી લોકો વાદળી રંગ પસંદ કરશે જ્યારે બહિર્મુખી લોકો લાલ રંગ પસંદ કરે છે.

ફિલ્મી ટ્રીટમેન્ટમાં પણ રંગોનું મહત્ત્વ
સંજય લીલા ભણશાલી તેમની ફિલ્મોમાં બહુ નજાકતથી અને બખૂબી રંગોનો ઉપયોગ કરે છે. ભણશાલીની ફિલ્મો અતિ ભવ્ય અને નયનાકર્ષક લાગે છે એની પાછળનું કારણ તેમની રંગોના ઉપયોગની સમજ છે. કલર ટૉન, કોન્સ્ટ્રાસ્ટ, એકમાંથી બીજા કલરમાં જવામાં, ઐતિહાસિક ફિલ્મોની ડાર્કનેસ વગેરે બધી વસ્તુઓનો સુંદર સમજણ સાથે ઉપયોગ કરે છે. ફિલ્મ ડિરેક્ટર આશિષ કક્કડ ફિલ્મોમાં ઉપયોગમાં લેવાતી રંગોની ફિલસૂફીને સમજાવતાં કહે છે, હું ટ્રીટમેન્ટ આપતો હોઉં ત્યારે રંગો વિશે શું વિચારતો હોઉં તે કહું. બેકગ્રાઉન્ડ અને કોસ્ચ્યૂમ બંને એક રંગનાં ન થતાં હોય તેનું ધ્યાન રખાય છે.

સિવાય કે સબ્જેક્ટ બેકગ્રાઉન્ડ સાથે મર્જ થતો હોય તો એવું કરી શકાય. અન્યથા તે બંને જુદા પડે એ જોવું પડે. કાલ્પનિક ફિલ્મોમાં રંગો પણ આપણી વાસ્તવિક જિંદગીમાં જોવા મળે છે એ કરતાં વધુ ચળકતા રંગો વાપરવામાં આવે છે. ફિલ્મનો ઑવરઓલ મૂડ ડાઉન હોય ત્યારે રંગોને પણ ઝાંખા કરવામાં આવે. અમુક વાર ફ્લૅશબેકમાં જવા માટે, જૂની યાદ તાજી કરાવવા માટે શેપિયા કે બ્લેક એન્ડ વ્હાઇટ રંગ વાપરવામાં આવે છે. ફિલ્મ આગળ વધતી જાય અને વિષયમાં જેમજેમ સ્પષ્ટતા આવતી જાય તેમ કૉન્ટ્રાસ્ટ વધારવામાં આવે છે. ફિલ્મમાં દરેક વખતે રંગની સ્કિમનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

જેમ કે, રોમાન્સ વખતે ગુલાબી રંગ વાપરવામાં આવે છે. ફિલ્મનો ઑવરઓલ ટોન દુઃખનો હોય, પીડાનો હોય તો ત્યારે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ની જેમ બ્રાઇટનેસ ઓછી કરી, ડાર્કનેસ વધારી દેવામાં આવે છે. બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના જમાનામાં કાળા અને સફેદ વચ્ચેના ગ્રે રંગનો સત્યજિત રેથી લઈને ગુરુદત્ત સુધીના ફિલ્મકારોએ સુંદર ઉપયોગ કર્યો છે. છાયા રંગનો સરસ ઉપયોગ કર્યો છે. ઐતિહાસિક ફિલ્મો હોય તો તે વખતે વીજળી નહોતી અને કપડાંના પણ અમુક જ રંગો હતા એટલે અત્યારના મેળવણીથી થતા બધા રંગો જતા રહે અને ચાંદની અને દીવાના અજવાળાના કોમ્બિનેશન જેવા પીળા રંગનાં કપડાંનું પ્રમાણ વધી જાય.

અધ્યાત્મ કહે છે કે જગતની કોઈ પણ ચીજમાં રંગ નથી. પાણી, હવા, અંતરિક્ષ… સમગ્ર જગત રંગહીન છે. આપણને જે કંઈ વસ્તુઓ દેખાય છે તે પણ રંગહીન છે. રંગ માત્ર પ્રકાશમાં હોય છે. જે દેખાય છે તે રંગ નથી પણ જેનો તે ત્યાગ કરે છે તે તેનો રંગ છે. માણસ પણ જે રંગ વિખેરે તે તેમનો રંગ બની જશે. તમે તમારી પાસે જે રાખી લો છો તે તમારો રંગ નહીં હોય, તમે જે આપો છો તો તે તમારો રંગ ગુણ બની જાય છે.

રંગત તેરે રંગો કી
ક્રિએટિવ બનવું હોય, ચેતાતંત્રને સતેજ કરવું હોય તો જાંબુડીયો રંગનો ઉપયોગ કરવો. પર્પલમાં લાલ અને વાદળી બંને રંગ સમાયેલા હોવાથી ચંચળતા અને ગંભીરતા વચ્ચે સંતુલન જળવાય છે અને પરિણામે ક્રિએટિવિટી ખીલે છે. તણાવને દૂર કરવા માટે આછો પર્પલ રંગ વાપરવો. બિઝનેસ ઓફિસમાં આ રંગ ઉત્તમ રહેશે.

શાંત વાતાવરણ ગમતું હોય તો લીલો અને વાદળી રંગ વાપરવો. આની પાછળ વૈજ્ઞાનિક તર્ક પણ સમાયેલો છે, કેમ કે આંખોમાં લીલો રંગ સીધો નેત્રપટલ પર ફોકસ થાય છે અને તેથી આંખના સ્નાયુઓ ઓછા ખેંચાય છે. વ્યસ્ત રૂમ માટે વાદળી રંગ અનુકૂળ છે. વાદળી રંગ શાતા આપતો રંગ છે. આ રંગ શ્વસનક્રિયા ધીમી કરે છે અને બ્લડપ્રેશર નીચું લાવે છે. આરામ કરવા માટે મદદરૂપ હોવાથી આ રંગ બેડરૂમ માટે બહુ અનુકૂળ છે.

ભૂખ ન લાગતી હોય અને પાચનશક્તિ સતેજ કરવી હોય તો પીળો કે ઓરેન્જ રંગ વાપરવો. આ જાણ્યા પછી તમને નવાઈ નહીં લાગે કે શા માટે રેસ્ટોરાંમાં આ કલરનો ઉપયોગ થાય છે. થિયેટરમાં ફિલ્મો જોતાં ભૂખ લાગવાનું કારણ પણ આ જ છે. ઘરના સભ્યોમાં મેદસ્વિતાની સમસ્યા હોય તો ડાઇનિંગ રૂમ કે કિચનમાં ઓરેન્જ રંગ ન વાપરવો.

માર્કેટિંગ અને જાહેરાતમાં રંગો
ભૂખ લગાડવામાં, ભરોસો બંધાવવામાં, વ્યક્તિને પોઝિટિવ- નેગેટિવ લાગણીઓ સાથે જોડવામાં, ઊર્જા કે શાંતિની લાગણી જન્માવવામાં અને બીજાં અસંખ્ય કામોમાં રંગોને ઉપયોગમાં લેવાય છે. માર્કેટિંગ-એડવર્ટાઇઝિંગ ક્ષેત્રે રંગોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક કંપનીઓ આવાં સંશોધનો પાછળ ઘણો ખર્ચ કરે છે અને ઘણી કંપનીઓ જાહેરાતમાં તેનો બખૂબી ઉપયોગ કરે છે.

દરેક દર્દીને અમે રંગની સારવાર નથી આપતા પણ જે દર્દી સ્ટ્રેસમાં હોય પણ સમજુ અને સંવેદનશીલ હોય તેમને અમે અમુક રંગો વચ્ચે રહેવાની ભલામણ કરીએ છીએ. : ડો. પ્રશાંત ભિમાણી, જાણીતા સાઇકૉલોજિસ્ટ, અમદાવાદ

હિંમત કાતરિયા

You might also like