લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસીના બહાને છેતરપિંડી કરવા જતો શખસ ઝડપાયો

અમદાવાદ: અલગ અલગ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી તેમજ વીમાની પોલિસી માટે લોકોને ફોન કરી કરવામાં આવતી છેતરપિંડીના બનાવોમાં પોલીસના હાથ ટૂંકા પડે છે પરંતુ નારણપુરમાં રહેતા ગુજરાત હાઇકોર્ટના એક વકીલે આવી લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસીના બહાને એક શખસને પોલીસના હાથ પકડાવી દીધો હોવાની ઘટના બની છે. પોલીસે યુવકની ધરપકડ કરી અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે નારણપુરા વિસ્તારમાં આવેલી મહાગુજરાત સોસાયટીમાં નચિકેતભાઇ દવે તેમના પરિવાર સાથે રહે છે અને ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરે છે. ગઇકાલે બપોરે તેમના ઘરના લેન્ડલાઇન ફોન પર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો કે એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સમાંથી વાત કરું છું તેમ કહી એક પ્લાન સમજાવ્યો હતો. નચિકેતભાઇને આ પ્લાન અંગે શંકા જતાં તેમનો મોબાઇલ નંબર આપી તેના ઉપર ફોન કરવા કહ્યું હતું.

નચિકેતભાઇએ શંકાને લઇ એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી ફોન કરનાર વ્યક્તિએ જે પ્લાન સમજ્યો હતો તે પ્લાન સંબંધી જાણકારી માગી હતી. જો કે તેઓએ આવો કોઇ પ્લાન ન હોવાનું જણાવ્યું હતું. દરમિયાનમાં સાંજના સમયે તેમના મોબાઇલ ફોન ઉપર એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સમાંથી ફોન આવ્યો હતો અને પ્લાન સમજ્યો હતો. નચિકેતભાઇને ઇન્સ્યોરન્સના બહાને છેતરપિંડી કરતા હોવાની શંકા જતાં તેઓએ પ્લાન પસંદ આવ્યો છે તેમ કહી ડોક્યુમેન્ટ અને રૂ.૪૦ હજારનો ચેક આપવાનું જણાવ્યું હતું.

જેથી સાંજના સમયે જૈમિન સુથાર નામની વ્યક્તિ નચિકેતભાઇના ઘરે ડોક્યુમેન્ટ કલેકશન માટે આવ્યો હતો. છેતરપિંડીની શંકા જતાં તેઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસ તાત્કાલીક દોડી આવી હતી અને યુવકની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી જૈમિન સુથારની ધરપકડ કરી ફોન કરનાર વ્યક્તિઓ અને અન્ય સાગરીતોની પૂછપરછ હાથ ધરી છે.

You might also like