લિબિયાના યોદ્ધાઓએ ISના હેડ ક્વાર્ટર પર કબજો જમાવ્યો

કાહિરા: અમેરિકાની મદદથી લિબિયાના સૈનિકોએ ખોફનાક આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના સિર્તે સ્થિત વડા મથક પર કબજો જમાવી દીધો છે. આઈએસનો આ અંતિમ ગઢ હતો. લિબિયાના યોદ્ધાઓએ આ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે તેમણે આઈએસના કન્વેન્શન સેન્ટર પર કબજો કરી લીધો છે, જેનો ઉપયોગ આ આતંકી સંગઠન પોતાનાં હેડક્વાર્ટર તરીકે કરતું હતું.
લિબિયાના આ યોદ્ધાઓ મિશ્રાતા શહેરના રહેવાસી છે અને તેમણે આઈએસ વિરુદ્ધ જૂનમાં મોરચો ખોલ્યો હતા. તેમણે ફેસબુક પેજ પર લખ્યું છે કે શિર્તે સ્થિત આઈએસના વડા મથક પર કબજો જમાવીને હવે તેઓ આઈએસની ચુંગાલમાંથી મુક્ત થઈ ગયા છે.

અમેરિકન લડાયક વિમાનોએ આ શહેરમાં આઈએસના અડ્ડાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. હવાઈ હુમલા કરવા માટે લિબિયાની સરકારે પણ અમેરિકાને વિનંતી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આતંકી સંગઠને શિર્તે પર ગઈ સાલ કબજો જમાવ્યો હતો. શિર્તે પૂર્વ સરમુખત્યાર કર્નલ ગદ્દાફીનું વતન હતું. લિબિયા સરકાર દ્વારા જારી કરવામાં આવેલાં નિવેદનમાં જણાવાયું છે કે હવે આઈએસના હેડકવાર્ટર પર કબજો કરવાથી તેની કમર તૂટી જશે. તેનાથી આઈએસ વિરુદ્ધ આખરી જંગ લડવામાં મદદરૂપ થશે.

અમેરિકન વાયુ દળ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ૧લી ઓગસ્ટથી અમેરિકન ડ્રોન અને લડાયક વિમાનોએ આઈએસના અડ્ડાઓને નિશાન બનાવીને ૨૯ હુમલા કર્યા હતા. લિબિયા સરકાર દ્વારા જારી કરવામાં આવેલ એક નિવેદનમાં જણાવાયું છે કે આ લડાઈમાં સરકાર સમર્થક ત્રણ યોદ્ધાઓ માર્યા ગયા છે અને ૧૧ ઘાયલ થયા હતા. આ અગાઉ આઈએસએ લિબિયાનાં વાયુદળના એક વિમાનને પણ ફૂંકી માર્યું હતું.

You might also like