વાર્ષિક ભવિષ્યફળ : તુલા (ર.ત.)

વિક્રમ સંવત ર૦૭૩ના નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ શુક્ર વૃશ્ચિક રાશિ અને બીજા ભાવેથી ભ્રમણ શરૂ કરી આગળ વધતાં વર્ષના અંતે કન્યા રાશિ અને બારમા ભાવે જોવા મળે છે. જ્યારે ધનેશ મંગળ નવા વર્ષના આરંભમાં ધન રાશિ અને ત્રીજા ભાવેથી પોતાની મુસાફરી આગળ વધારે છે અને પોતાની આગવી ગતિથી આગળ વધતા વર્ષાંતે કન્યા રાશિમાં બારમા ભાવે જોવા મળે છે. જ્યારે પરાક્રમેશ ગુરુ વર્ષારંભે કન્યા રાશિથી અને બારમા ભાવેથી પોતાનું ભ્રમણ શરૂ કરી આગળ વધતાં એક ભાવ બદલીને તુલા રાશિ ને દેહભાવે જોવા મળે છે. જ્યારે ભાગ્યેશ બુધ કર્મેશ ચંદ્ર અને લાભેશ સૂર્ય વર્ષના આરંભે તુલા રાશિ અને દેહભાવેથી પોતાની ગતિ અનુસાર ભ્રમણ શરૂ કરે છે અને આગળ વધતા સૂર્ય અને બુધ સમગ્ર રાશિચક્ર પૂર્ણ કરી ફરી તે જ રાશિ અને તે જ ભાવે જોવા મળે છે જ્યારે ચંદ્ર રાશિચક્રનાં અનેક ચક્કરો કાપી વર્ષના અંતે તુલા રાશિને દેહભાવે જોવા મળે છે.

જ્યારે વર્ષના આરંભે લાભ ભાવે સિંહ રાશિમાં રહેલો રાહુ અને પંચમ ભાવે કુંભ રાશિમાં રહેલો કેતુ પોતાનું ભ્રમણ શરૂ કરી વક્ર ગતિથી આગળ વધી વર્ષાંતે ચોથાભાવે કર્ક રાશિમાં જોવા મળે છે.

આ વર્ષ આવક અને જાવકની દૃષ્ટિએ સરખું રહેશે. આવક તો મળશે પરંતુ નાણાં ક્યાં ખર્ચાશે તેની ખબર જ નહીં પડે.

વર્ષના આરંભમાં કામ મળતું રહેશે તેથી આવક મળતી રહેવાનો યોગ છે. ૧૬ નવેમ્બરથી ૧૬ ડિસેમ્બર સુધી સમય કઠિન જણાય છે. મિલકતોની લે-વેચ માટે આ વર્ષ લાભદાયી જણાય છે. પૈતૃક સંપત્તિના પ્રશ્નો ડિસેમ્બર બાદ ઉકેલી શકાશે. સપ્ટેમ્બર બાદ સંતાનો અને જીવનસાથી તરફથી પણ પૂરતો આર્થિક સહકાર મળતો દેખાય છે.

નોકરિયાત વર્ગ માટે બદલી, પ્રમોશનના પૂર્ણ યોગ ર૬ જાન્યુઆરી બાદ જોવા મળે છે. વિદેશ નોકરી કરવા માટે સમય સારો રહેશે. નોકરીની શોધવાળાએ સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે.

ખર્ચની દૃષ્ટિએ વર્ષના આરંભે ઘરમાં નાણાકીય ખર્ચ વધુ થતો જોવા મળે છે. જીવનસાથી તરફથી નાણાકીય માગ વધશે. ફેબ્રુઆરી માર્ચમાં સટ્ટાકીય નુકસાન થવાનો પણ યોગ વધુ થશે. ધાર્મિક, સામાજિક, માંગલિક કાર્યો-મિલકતો પાછળ ખર્ચ થવાનો યોગ છે.

આરોગ્યની દૃષ્ટિએ નાનીનાની તકલીફ ઊભી થવાનો યોગ છે. તેમાંય બીમાર રહેવાનો યોગ છે. જાન્યુઆરી બાદ વર્કલોડ વધવાથી શરીરના દુખાવાની ફરિયાદ ઊભી થશે.

વિવાહ લગ્નયોગની દૃષ્ટિએ આ વર્ષ લાભદાયી જણાય છે. મનોરથ પૂર્ણ  થશે. સગાઈ થઈ ગઈ છે અને લગ્નબંધનમાં બંધાવા માગતા હશો તો સારા મુહૂર્તમાં લગ્ન કરી શકશો. સંતાનો વિવાહ, લગ્ન યોગ્ય હશે તે તથા જે જાતકો પ્રેમવિવાહ કરવા માગતા હશે તેમના માટે સપ્ટેમ્બર બાદનો સમય યોગ્ય જણાય છે.

You might also like