કેજરીવાલે રચેલું પંચ ગેરકાયદે અને ગેરબંધારણીયઃ નજીબ જંગ

નવી દિલ્હી: દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગે ડીડીસીએમાં નાણાકીય ગોટાળાની તપાસ માટે દિલ્હી સરકાર દ્વારા રચવામાં આવેલ તપાસપંચને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવ્યું છે. એવું માનવામાં આવે છે કે નજીબ જંગે કેન્દ્ર સરકારને કરેલી ભલામણમાં કેજરીવાલ સરકાર તરફથી રચવામાં આવેલ ગોપાલ સુબ્રમણ્યમ પંચ કાનૂની દષ્ટિએ ગેરબંધારણીય હોવાનું જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નજીબ જંગે ગૃહ મંત્રાલયને જણાવ્યું છે કે કેજરીવાલ ગઠિત તપાસપંચ ગેરકાયદેસર છે. નજીબ જંગે કમિશન ઓફ ઇન્કવાયરી એકટ ૧૯પરને ટાંકીને જણાવ્યું છે કે આ કાયદો માત્ર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને જ તપાસપંચ રચવાની સત્તા અને અધિકાર આપે છે. જ્યારે દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને તેને હજુ સંપૂર્ણ કક્ષાના રાજ્યનો દરજજો મળ્યો નથી.

આ ઉપરાંત કોઇ પણ પંચની રચના રાજ્યપાલ દ્વારા કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ જ કરી શકાય છે. આ જ દલીલના આધારે સીએનજી ફિટનેસ ‌િકટ સ્કેમની તપાસ માટે કેજરીવાલ દ્વારા ગઠિત પંચને પણ ઉપરાજ્યપાલ નજીક જંગે રદબાતલ ઠરાવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર આજે નજીબ જંગ તરફથી આ પંચને રદ કરવા માટે કરવામાં આવેલી ભલામણ પર વિચારણા કરી શકે છે. કેન્દ્ર સરકાર જંગની ભલામણ પર ગુરુવારે જ વિચારણા કરવાની હતી, પરંતુ ઇદે મિલાદને લઇને સત્તાવાર રજાના કારણે આ નિર્ણય લઇ શકાયો નહોતો. કેન્દ્ર સરકારનાં સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે જે રીતે કેજરીવાલ સરકારે ગોપાલ સુબ્રમણ્યમ પંચની રચના કરી છે તે સંપૂર્ણપણે અસ્પષ્ટ છે અને કેજરીવાલે આ માટે ઇન્કવાયરી એકટની જોગવાઇઓનો પણ અમલ કર્યો નથી.

એકટમાં જણાવ્યા અનુસાર કોઇ પણ પંચની જનહિત માટે મહત્ત્વપૂર્ણ અને ચોક્કસ મામલાની તપાસ માટે રચના કરી શકાય છે. કેન્દ્ર સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા રચવામાં આવેલ આ પંચ આ શરતો અને જોગવાઇઓની પૂર્તતા કરતું નથી.

You might also like