એલજી અંધાપાકાંડઃ તપાસ કમિટી આજે વચગાળાનો રિપોર્ટ આપશે

અમદાવાદ: મ્યુનિ. સંચાલિત એલજી હોસ્પિટલના અંધાપાકાંડે શહેરભરમાં સનસનાટી મચાવી દીધી છે. નગરી હોસ્પિટલના અંધાપાકાંડની હજુ શાહી સુકાઈ ન હતી ત્યાં એલજી હોસ્પિટલમાં સત્તાવાળાઓની ગુનાહિત બેદરકારી પ્રકાશમાં આવી છે. અંધાપાકાંડ સંદર્ભમાં આજે તપાસ કમિટી કમિશનર ડી. થારાને વચગાળાનો રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટના આધારે કમસેકમ નર્સોની ભૂમિકા અંગે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કમિશનર ડી. થારાના આદેશથી ત્રણ સભ્યની નિમાયેલી તપાસ કમિટી આજે ફરીથી એલ.જી. હોસ્પિટલની મુલાકાત લેશે. ડો. શશાંક પટેલ (સિવિલ), ડો. ભરત ઘોડાદરા (જીસીએસ હોસ્પિટલ) અને ડો. મરિયમ મનસૂરી (સિવિલ) એમ ત્રણ સભ્યોની તપાસ કમિટીના રિપોર્ટ પર સૌની મીટ મંડાઈ છે.

હોસ્પિટલનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર આઈ.કે. પટેલ કહે છે, “આજે તપાસ કમિટી કમિશનરને વચગાળાનો રિપોર્ટ સોંપે એવી શક્યતા છે. આ વચગાળાના રિપોર્ટના આધારે સસ્પેન્ડેડ નર્સિસ અંગે નિર્ણય લઈ શકાશે. એલ.જી. હોસ્પિટલમાં મોટા ઓપરેશનના આંકડા અંગે નર્સોના આક્ષેપ અંગે પૂછવામાં આવતા ડેપ્યુટી કમિશનર પટેલ કહે છે. ”તંત્ર દ્વારા તપાસ કમિટીને કમસેકમ ચાલુ વર્ષના ઓપરેશનના આંકડા તપાસવાની સૂચના તો અપાશે.”

જ્યારે એલ.જી. હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. યોગેન્દ્ર મોદી કહે છે, નવી બિલ્ડિંગના દશમા માળના ઓ.ટી. કોમ્પ્લેક્સમાં ત્રણ વિભાગના ત્રણ ઓપરેશનનાં કુલ દશ થિયેટર છે. જૂની બિલ્ડિંગમાં બે ઓ.ટી. છે. નવી બિલ્ડિંગમાં છેલ્લા દોઢ વર્ષથી ઓ.ટી. ચાલે છે. મોટાં ઓપરેશન અંગેના આક્ષેપની તપાસ હાયર ઓથોરિટી તપાસશે એટલે આપોઆપ સત્ય બહાર આવશે.” દરમિયાન એલ.જી. હોસ્પિટલમાં ખોટાં ઓપરેશનના આંકડાના મામલે સત્તાધીશો પાછલાં વર્ષોના આંકડાને તપાસવાના ન હોઈ આ બાબત ચર્ચાસ્પદ બની છે.

You might also like