હેમિલ્ટનનો ૫૦મો ખિતાબ

ઓસ્ટિન (ટેક્સાસ): વર્તમાન ચેમ્પિયન મર્સિડિઝના બ્રિટિશ ડ્રાઇવર લૂઇસ હેમિલ્ટને પોતાની ટીમના સાથી જર્મનીના નિકો રોસબર્ગને પછાડીને ફોર્મ્યુલા-૧ રેસ અમેરિકન ગ્રાં પ્રી જીતી લીધી છે. આ હેમિલ્ટનની કરિયરની ૫૦મી અને વર્તમાન સિઝનની સાતમી જીત છે, જ્યારે ટેક્સાસ સર્કિટમાં તેણે સતત ત્રીજી વાર જીત હાંસલ કરી છે. પાછલાં પાંચ વર્ષમાં હેમિલ્ટન અહીં ચોથો ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહ્યો છે. આ જીતની સાથે હેમિલ્ટનને ડ્રાઇવર્સ લીડરબોર્ડમાં સાત પોઇન્ટનો ફાયદો થયો છે. જોકે રોસબર્ગે હજુ પણ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

પોલ પોઝિશનથી શરૂઆત કરનારા હેમિલ્ટને એક કલાક, ૩૮ મિનિટ, ૧૨.૬૧૮ સેકન્ડની સાથે રેસ પોતાના નામે કરીહતી. રેડ બુલનાે ડેનિયલ રિકાર્ડો ત્રીજા, ફેરારીનો સેબેસ્ટિયન વીટલ ચોથા, સ્પેનનો ફર્નાડો અલોન્સો પાંચમા સ્થાને રહ્યો હતો. હેમિલ્ટન દિગ્ગજ ડ્રાઇવર માઇકલ શુમાકર અને એલન પ્રોસ્ટની સાથે ૫૦થી વધુ રેસ જીતનારાની ક્લબમાં સામેલ થઈ ગયો છે. શુમાકરે ૯૧ રેસ પોતાના નામે કરી છે, જ્યારે પ્રોસ્ટે ૫૧ રેસ જીતી હતી. ફોર્સ ઇન્ડિયાનો સર્જિયો પેરેઝે આઠમા સ્થાને રહીને ચાર પોઇન્ટ હાંસલ કર્યા હતા.

You might also like