નૂતન વર્ષમાં ગુજરાતની પ્રગતિની વૈશ્વિક પ્રતિષ્ઠા આગળ ધપાવીએ

અમદાવાદ: આનંદીબહેન પટેલે વિક્રમ સંવત ૨૦૭૨નું આજથી શરૂ થતું નવું વર્ષ રાજયની સર્વાંગી ગતિ-પ્રગતિ અને વિકાસ યાત્રાને વધુ ઉન્નત બનાવે તેવી મંગલકામનાઓ ગુજરાતના સૌ નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા વ્યક્ત કરી છે. આનંદીબહેન પટેલે રાજયના સૌ નાગરિકોના સહયોગ અને યોગદાનથી ગુજરાતે ગત વર્ષે સ્વચ્છતા-સફાઈ અભિયાન, સર્વગ્રાહી વિકાસના પરિમાણોમાં ઉત્કૃષ્ટતા તથા ”ઈઝ ઓફ ડુઈંગ બીઝનેશ” અને ઔદ્યોગિક મૂડી રોકાણોમાં જે અગ્રેસરતા મેળવી છે. તેનાથી રોજગાર સર્જનના પણ વૃદ્ધિ થઈ છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. ”આપણે સૌ સાથે મળીને આપણા ગુજરાતની એ જ તીવ્ર વિકાસ રફતાર વિક્રમ સંવંત ૨૦૭૨ના આ નવા વર્ષમાં પણ વધુ તેજોમય બનાવીએ” એમ મુખ્ય મંત્રીએ સૌ નાગરિકોના રાજયના વિકાસમાં યોગદાનની અપેક્ષા વ્યક્ત કરતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવી મંદિરના વહેલી સવારે દર્શન પૂજનથી કર્યો હતો. તેમણે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં અને બહેરામપુરાના પ્રસિધ્ધ બહુચર માતાના મંદિરમાં ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કર્યાં હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મંત્રી મંડળ નિવાસ સંકુલમાં કોમ્યુનિટી સેન્ટર ખાતે તથા અમદાવાદમાં સરકિટ હાઉસ એનેક્સી ખાતેે પ્રજાજનો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી.

આ પ્રસંગે મંત્રી રમણભાઈ વોરા, રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મંત્રી રજનીભાઈ પટેલ, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ અને મુખ્ય સચિવ જી.આર. અલોરિયા તથા પોલીસ મહાનિર્દેશક પી.સી. ઠાકુર અન વરિષ્ઠ સચિવોએ પણ ઉપસ્થિત રહી શુભેચ્છા આદાન-પ્રદાન કર્યું હતું.

You might also like