બાંદીપુરામાં અથડામણ: એક આતંકી ઠારઃ જવાનને ઈજા

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના બાંદીપુરા વિસ્તારમાં આજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકી ઠાર થયો છે.જ્યારે સેનાના અેક જવાનને ઈજા થઈ છે. જોકે હાલ પણ આ વિસ્તારમાં ઓપરેશન ચાલુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હજુ પણ આંતકીઓ છુપાયા હોવાની શંકાથી સેના દ્વારા આ વિસ્તારમાં ઓપરેશન ચલાવવામાં આ‍વી રહયું છે. અથડામણમાં જે આતંકી ઠાર થયો છે તે વિદેશી હોવાનું બહાર આવ્યું છે. તે લશ્કર એ તોઇબા સાથે સંકળાયેલો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ગુપ્ત માહિતીના આધારે હાજિન વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળોએ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સમગ્ર વિસ્તારને નાકાબંધી કરી સુરક્ષા દળોએ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ફાયરિંગ કરવામાં આવતા એક આતંકી ઠાર થયો હતો. આ અગાઉ પણ ગઈ કાલે અખનૂર સેકટરમાં એલઓસી પાસેના બટાલદ ગામમાં જનરલ રિઝર્વ એન્જિનિયરિંગ ફોર્સના કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. તેમાં ત્રણનાં મોત થયાં હતાં.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈ કાલે મોડી રાતે બટાલ ગામમાં ફાયરિંગનો અવાજ સાંભળવા મળ્યો હતો. અને ગામના લોકોએ ૨ કે ૩ આંતકીને જોયા હોવાનો દાવો કર્યો હતો. જેમાં આંતકીઓની પીઠ પર બેગ પણ જોવા મળી હતી. આવા હુમલા વધતા એલઓસી સાથે સંકળાયેલા વિસ્તારોમાં ખાસ વોચ રાખવામાં આવી રહી છે.આ માટે ગામના લોકોની સુરક્ષા માટે ડિફેન્સ કમિટીઓ બનાવી તેને હાઈએલર્ટ પર ગોઠવી દીધી છે.

જમ્મુ શહેરમાં પણ સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવી દેવામાં આવી છે. હાલ આ રાજયમાં વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી આવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વિસ્તારમાં વધુ આતંકી હુમલા ન થાય તે માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને હાલ બાંદીપુરામાં વધુ આંતકીઓ છુપાયા હોવાની આશંકાથી સેના દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
http://sambhaavnews.com/

You might also like