બાંદિપુરામાં સુરક્ષા દળોએ ટોચના LeT કમાન્ડર અબુને ઢાળી દીધો

શ્રીનગર: ઉત્તર કાશ્મીરના બાંદિપુરા વિસ્તારમાં આજે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં લશ્કર-એ-તોઈબાનો એક ટોચનો કમાન્ડર માર્યો ગયો છે. આ અથડામણમાં કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપનો એક જવાન પણ ઘાયલ થયો છે.

બાંદિપુરા વિસ્તારના હાજી ગામમાં આવેલા ખોસા મહોલ્લામાં આતંકીઓ છુપાયા હોવાની પાકી બાતમી મળી હતી. આ બાતમીના આધારે ૧૩ રાષ્ટ્રીય રાઇફલ્સ અને રાજ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના જવાનોએ એક સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યારે આ ઓપરેશનમાં સુરક્ષા દળો છુપાયેલા આતંકીઓ નજીક પહોંચ્યા ત્યારે આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દેતાં લાંબો સમય સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

આતંકીઓએ સતત ફાયરિંગ જારી રાખ્યું હતું. જોકે સુરક્ષા દળોએ આખરે આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાના એક આતંકીને ઠાર માર્યો હતો. ઠાર મારવામાં આવેલ આતંકી લશ્કર-એ-તોઈબાના ઉત્તર કાશ્મીરનો ટોચનો કમાન્ડર અબુ માસીબ હોવાનું જાણવા મળ્યું છે. માર્યા ગયેલા આતંકી પાસેથી એક એકે ૪૭ રાઈફલ અને અન્ય શસ્ત્રો તેમજ વિસ્ફોટકનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like