કર્ણાટકની ઘટના ૨૦૧૯ની ચૂંટણી માટેનો બોધપાઠઃ ભાજપે નીતિ રીતિ બદલવાં પડશે

કર્ણાટકમાં જે કંઈ બન્યું એ ભાજપે અપનાવેલ આ બદલાયેલી માનસિકતાની હાર છે. કર્ણાટકમાં ભાજપને સ્પષ્ટ જનાદેશ નથી મળ્યો. આ વાત ભાજપે ખેલદિલીથી સ્વીકારી લેવાની જરૂર હતી પણ ભાજપ એમ ના કરી શક્યો તેમાં તે બેઆબરૂ થયો. ભાજપે તેમાંથી બોધપાઠ લેવો જોઈએ.

આ દેશનાં લોકો કોંગ્રેસથી કંટાળેલાં છે ને ભાજપમાં તેમને સારો વિકલ્પ દેખાયેલો. હવે કોંગ્રેસના રસ્તે ચાલીને ભાજપ પણ એ જ ધંધા કરવાનો હોય તો પછી લોકોને ભાજપમાં શું કરવા રસ પડે ? ત્યારે કર્ણાટકની ઘટના ભાજપ માટે ૨૦૧૯ની ચૂંટણી માટે બોધપાઠ સમાન હોવાથી પક્ષે પોતાની નીતિ-રીતિ બદલવાં પડશે એમ લાગી રહ્યું છે.

અટલ બિહારી વાજપેયીએ પણ લોકશાહીની પરંપરાને અનુસરીને બહુમતી સાબિત કરવા પ્રયત્ન કરેલા પણ એ પ્રયત્નો ફળ્યા નહીં તેથી તેમણે રાજીનામું ધરી દીધું હતું. યેદિ આણિ મંડળીએ બહુમતી માટે રીતસર ધમપછાડા કર્યા અને એમાં ફાવ્યા નહીં એટલે છૂટકો નહોતો તેથી રાજીનામું ધરી દીધું. યેદિયુરપ્પા સાથે વાજપેયીની સરખામણીનો તો સવાલ જ પેદા નથી થતો પણ લોકશાહી વિશેની ભાજપની માન્યતાઓમાં છેલ્લા બે દાયકામાં જે પરિવર્તન આવ્યું છે એ ફરક આ બંને ઘટનામાં દેખાય છે.

યેદિયુરપ્પાએ વિશ્વાસનો મત લેતાં પહેલાં જ હથિયાર હેઠાં મૂકી દીધાં એ ઘટનાને મીડિયાના એક વર્ગે ૧૯૯૬ની અટલબિહારી વાજપેયી સરકારના વિશ્વાસના મત સાથે સરખાવી. ૧૯૯૬માં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહોતી મળી ને કોંગ્રેસ અવઢવમાં હતી એટલે રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માએ સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપેલું.

વાજપેયીએ એ નિમંત્રણને માન આપીને સરકાર રચીને રાષ્ટ્રપતિએ આપેલા આદેશ પ્રમાણે ૧૫ દિવસમાં બહુમતી સાબિત કરવાની મથામણ શરૂ કરી. ભાજપ પાસે ૧૬૧ બેઠકો હતી. સમતા પાર્ટી, શિવસેના ને હરિયાણા વિકાસ પાર્ટી એ ત્રણ સહયોગી પક્ષોએ ૨૬ બેઠકો જીતેલી. આમ ભાજપનો આંકડો માંડ માંડ ૧૮૭ બેઠકો પર પહોંચતો હતો ને બહુમતી માટે બીજી ૮૫ બેઠકો જોઈતી હતી.

કોંગ્રેસે ૧૪૦ બેઠકો જીતેલી ને જનતા દળ ૪૬ બેઠકો સાથે ત્રીજા નંબરે હતો. જનતા દળ એ વખતે નેશનલ ફ્રન્ટનો ભાગ હતો. મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટી અને ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી નેશનલ ફ્રન્ટમાં હતો. આ બંને પક્ષોમા સપાએ ૧૭ ને ટીડીપીએ ૧૬ મળીને ૩૩ બેઠકો જીતેલી એટલે નેશનલ ફ્રન્ટનો આંકડો ૭૬ પર પહોંચતો હતો.

એ વખતે બિહારના લાલુ પ્રસાદ યાદવ જનતા દળના પ્રમુખ હતા પણ અસલી કર્તાહર્તા વિશ્ર્વનાથ પ્રતાપસિંહ હતા. ડાબેરીઓએ પણ એ વખતે જોરમાં હતા ને ૫૨ બેઠકો જીતી ગયેલા. આ બધા ઘોર ભાજપ વિરોધી પક્ષો હતા ને ભાજપ સાથે કોઈ કાળે બેસવા તૈયાર નહોતા.

બહુ બહુ તો ટીડીપી ભાજપ સાથે આવે ને ૧૯૯૮ની ચૂંટણી પછી એવું બનેલું. એ સંજોગોમાં ભાજપને બીજા છૂટપૂટિયા પક્ષો, મૂપનાર-ચિદમ્બરમ્ની તમિલ મનિલા કોંગ્રેસ, ડીએમકે, માયાવતીની બહુજન સમાજ પાર્ટીનો આશરો હતો. આ બધાંની મળીને ૭૬ બેઠક હતી.

૯ અપક્ષ ચૂંટાયેલા અને એ બધાં ભાજપ સાથે જોડાય તો ભાજપ કટોકટ બહુમતી પર એટલે કે ૨૭૨ બેઠક પર આવીને ઊભો રહે એમ હતો. ભાજપે એ મથામણ શરૂ કરી પણ અકાલી દળ સિવાય બીજો કોઈ મોટો પક્ષ ભાજપની પંગતમાં બેસવા તૈયાર નહોતો તેમાં ભાજપનું ઘોડું દશેરાએ નહીં દોડે એ નક્કી હતું.

વાજપેયી મહાન વક્તા હતા. ૨૮ મે, ૧૯૯૬ના દિવસે લોકસભામાં જે પ્રવચન આપ્યું એ દેશના સંસદીય ઈતિહાસનાં શ્રેષ્ઠ પ્રવચનોમાં એક છે. એ વખતે ટીવી ચેનલો નહોતી આવી અને દૂરદર્શન જ હતું. વાજપેયીના એ પ્રવચનને એ દિવસે કરોડો લોકોએ લાઈવ જોયેલું.

દોઢ કલાક સુધી વાજપેયી બોલ્યા ને એ સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયેલા. યુ ટ્યૂબ પર એ પ્રવચનનો વીડિયો છે જ. ના જોયો હોય તો જોજો. વાજપેયી પાસે કેવી જબરદસ્ત વક્તૃત્વ શક્તિ હતી તેનો અહેસાસ થઈ જશે. કોઈ છીછરાપણું નહીં, કોઈ વ્યકિતગત આક્ષેપો નહીં ને દેશના વડા પ્રધાનને છાજે એવું પ્રવચન એ દિવસે વાજપેયીએ આપેલું. પ્રવચન પછી વાજપેયીએ ખેલદિલીથી સ્વીકાર્યું કે, પોતે બહુમતી માટે જરૂરી સાંસદોનો ટેકો નથી મેળવી શક્યા એટલે રાજીનામું આપવા જાય છે.

You might also like