ફિલ્મ નિર્માતા-નિર્દેશક લેખ ટંડનનું નિધન

મુંબઇ: પ્રોફેસર, આમ્રપાલિ, ઝૂક ગયા આસમાન, દો રાહેં, દુલ્હન વહી જો પિયા મન ભાયે જેવી ફિલ્મોના ડાયરેકટર અને અભિનેતા લેખ ટંડનનું આજે ૮૮ વર્ષની વયે નિધન થયું હતું. લેખ ટંડન ખાસ કરીને શાહરુખ ખાનને પ્રથમ બ્રેક આપવા માટે જાણીતા હતા. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પૃથ્વીરાજ કપૂરથી પ્રેરણા પામીને બોલિવૂડમાં એન્ટ્રી મારનાર લેખ ફકીરચંદ ટંડને કેટલીયે ફિલ્મો ઉપરાંત દિલ દરિયા, ફિર વહી તલાશ અને ફરમાન જેવી ટીવી સિરિયલનું પણ દિગ્દર્શન કર્યું હતું. તેમણે શાહરુખ ખાનની ફિલ્મ ચેન્નઇ એકસપ્રેસ, સ્વદેશ અને પહેલી, આમીરખાનની રંગ દે બસંતી અને અજય દેવગણની હલ્લાબોલ સહિત કેટલીયે ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે ૧૯૬રમાં ફિલ્મ પ્રોફેસરના ડાયરેકશન સાથે બોલિવૂૂડમાં એન્ટ્રી કરી હતી. તેમની અગર તુમ ન હોતે અને આંદોલન જેવી ફિલ્મો પણ લોકોને ખૂબ જ પસંદ પડી હતી.

લેખ ટંડનને હિંદી સિનેમાના એક સુપર સ્ટારને બોલિવૂડમાં લાવવાનો યશ જાય છે જેનું નામ શાહરુખ ખાન છે. લેેખ ટંડને શાહરુખ ખાનને પોતાની સિરિયલ દિલ દરિયા માટે કાસ્ટ કર્યો હતો અને ૧૯૮૮માં સિરિયલનું શૂટિંગ શરૂ થયું, પરંતુ કોઇ કારણસર શૂટિંગ પૂરું થઇ શકયું નહોતું અને દિલ દરિયાના પ્રસારણમાં વિલંબ થયો હતો ત્યાં સુધીમાં શાહરુખને ફૌજી નામની ‌બીજી ‌સિરિયલ મળી ચૂકી હતી. જે ૧૯૮૯માં નાના પરદે આવી હતી. એટલા માટે ફૌજી સિરિયલને શાહરુખનું ટીવી ડેબ્યૂ માનવામાં આવે છે.

You might also like