કંદહાર એરપોર્ટ પર આતંકી હુમલો દસ તાલિબાની આતંકી ઠાર મરાયા

કંદહાર: અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ પર સુરક્ષાદળો અને તાલિબાની આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં દસ તાલિબાની આતંકીઓનાં મોત થયાં હતાં. આ હુમલો ર૪ કલાકમાં થયેેલો બીજો આતંકી હુમલો હતો. મીડિયા અહેવાલો અનુસાર હુમલાખોરોએ નજીકની એક સ્કૂલ બિલ્ડિંગ પર કબજો કરી લીધો હતો.

તેમણે એરપોર્ટ, અફઘાન નાટો મિલેટરી બેઝ સહિત રહેણાક વિસ્તારોમાં પણ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ દસ તાલિબાની આતંકીઓને ઠાર મારી દેવાયા હતા. આ હુમલામાં ૧પ લોકો ઘાયલ થયા હતા.

અહેવાલો અનુસાર હુમલાખોરો સ્કૂલ કેમ્પસમાં ઘૂસવા માગતા હતા, જેમાં એરપોર્ટ કર્મચારીઓનાં બાળકો અભ્યાસ કરે છે. કંદહાર એરપોર્ટના કમ્પાઉન્ડમાં સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા રહેણાકોને પણ નિશાન બનાવાયાં હતાં. તાલિબાની આતંકીઓ આર્મી યુનિફોર્મમાં આવ્યા હતા અને એરપોર્ટ કમ્પાઉન્ડના મેઇન ગેટથી અંદર ઘૂસ્યા હતા.

આ હુમલો ઘરેલુ અને વિદેશી સૈનિકો પર કરવામાં આવ્યો હતો. આ અગાઉ કંદહારના એક પોલીસ સ્ટેશન પર પણ હુમલો થયો હતો. જેમાં ત્રણ આતંકી અને બે પોલીસ માર્યા ગયા હતા. છેલ્લાં એક વર્ષથી અફઘાનિસ્તાનમાંથી નાટો દળો હટી ગયા બાદ આતંકી હુમલામાં વધારો થયો છે. કેટલાક અહેવાલોમાં આ હુમલાને હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. ઇસ્લામાબાદમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સંયુકત રીતે હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સનું આયોજન કરી રહ્યાં છે. જેમાં ભાગ લેવા ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ પણ ગયાં છે. કોન્ફરન્સમાં ભારત સહિત રપ દેશ ભાગ લઇ રહ્યા છે.

તા‌લિબાની જૂથો વચ્ચે હિંસક અથડામણઃ ૫૪નાં મોત
અફઘાનિસ્તાનના પશ્ચિમી શહેર હેરાતમાં તાલિબાની જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ૫૪નાં મોત થયાં હોવાના અહેવાલો છે અને અન્ય ૪૦ ઘાયલ થયા છે.

હેરાત શહેરના પોલીસ પ્રવકતા અહેસાન ઉલ્લાહ હયાતે જણાવ્યું હતું કે શિંદબાદ જિલ્લામાં મુલ્લા મનસૂર અને તેમના હરીફ મુલ્લા મોહમ્મદ રસૂલનાં સંગઠનોના કાર્યકરો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ૫૪નાં મોત થયાં છે, જોકે તા‌િલબાને આ અથડામણ પર હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી.

You might also like