AMC વિપક્ષના નેતા માટે સુરેન્દ્ર બક્ષી,અતુલ પટેલ વચ્ચે સ્પર્ધા

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાની વરણીનો પ્રશ્ન છેલ્લાં કેટલાંક સમયથી અટવાયો છે ત્યારે એએમસીના વિપક્ષના નેતા માટે સુરેન્દ્ર બક્ષી અને અતુલ પટેલ વચ્ચે તીવ્ર સ્પર્ધા હોવાથી કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આજે વિપક્ષના નેતાનું નામ જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.

એએમસીનું ગત બીજી ડિસેમ્બરે પરિણામ જાહેર થયાના ૨૪ દિવસ બાદ પણ એએમીસીના વિપક્ષના નેતાનું નામ જાહેર થયુ નથી. ત્યારે કોંગ્રેસ તરફથી પક્ષના સિનિયર નેતા સુરેન્દ્ર બક્ષી, અતુલ પટેલ, બદરૃદીન શેખ, હસનલાલા સહિતના અન્ય અગ્રણીઓના નામ ઘણાં સમયથી ચર્ચામાં છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી બક્ષી પંચની બહુમતિ કે પટેલ સમાજની બહુમતિ ધરાવતા સમાજમાંથી કોઈ એક નામની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૦૧૦ કરતા આ વખતે કોંગ્રેસને વધુ બેઠકો મળી છે. જોકે નવી ટર્મ માટે મેયર સહિત અન્ય પદાધિકારીની વરણી થઈ ગઈ છે. પરંતુ વિપક્ષના નેતાની જાહેરાત થઈ નથી. અગાઉ વિપક્ષના નેતા તરીકે પાંચ વર્ષ સુધી લઘુમતી સમાજના બદરૃદીન શેખની વરણી થઈ હોવાથી આ વખતે ચોકકસપણે પટેલ અથવા બક્ષીપંચ બહુમતિવાળા સમાજમાંથી કોઈ એકની આ પદ પર વરણી થવાની સંભાવના છે. જોકે લઘુમતિ વર્ગમાંથી બદરૂદીન શેખને રિપીટ કરવામાં આવે તેવી રજૂઆતો થઈ હતી. પરંતુ આ વખતે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે.

આ વખતે કોંગ્રેસના સિનિયર નેતા સુરેન્દ્ર બક્ષી અને અતુલ પટેલ વચ્ચે સીધી હરિફાઈ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળે છે. જોકે આ બંનેમાંથી કોઈ એકનું નામ આજે મોડી રાતે અથવા આવતીકાલે જાહેર થાય તેવી સંભાવના છે. કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ બાદ એએમસીના વિપક્ષના નેતાનું નામ જાહેર કરવામાં આવશે.

You might also like