એલસીબીના કર્મચારીઓ માટે ઉપર શેડ અને નીચે જમીન

અમદાવાદ: ક્રાઈમ ડિટેકશન વધુ અસરકારક બનાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ હાઇટેક બની રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)માં આજે પણ સુવિધાનો અભાવ છે. ધોધમાર વરસાદ, ગરમી અને ઠંડીમાં પણ એલસીબીના પોલીસકર્મીઓને સુવિધાના અભાવને કારણે ઓફિસની બહાર બનાવેલ શેડની નીચે બેસી રહેવું પડે છે. આવનારા દિવસમાં એલસીબીની ઓફિસને બોપલ પોલીસ સ્ટેશનના બિલ્ડિંગમાં ખસેડવામાં આવે તેવી શક્યતાઓ છે.

અમદાવાદ જિલ્લામાં 8 તાલુકા અને 446 ગામો આવેલા છે જેમાં કોઇપણ ઘટના બને તેની માટે 20 પોલીસ સ્ટેશનોને ત્રણ ડિવિઝનમાં વહેંચી દેવામાં આવ્યા છે. સરખેજ ડિવિઝનમાં 5 પોલીસ સ્ટેશન છે ધોળકા ડિવિઝનમાં 6 પોલીસ સ્ટેશન અને વીરમગામ ડિવિઝનમાં 6 પોલીસ સ્ટેશન આવેલાં છે. તેમજ મહિલા પોલીસ સ્ટેશન પણ છે. 20 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપીઓને પકડવા માટે તેમજ ગુનાખોરીને રોકવા માટે અઢી દાયકા પહેલાં લોકલ ક્રાઇમ બ્રાંચની સ્થાપના કરવામાં આવી હતી.

સરખેજ પોલીસ સ્ટેશનના કેમ્પસમાં એલસીબી વર્ષોથી કાર્યરત છે. રાત દિવસ ફરજ બજાવતા એલસીબીના પોલીસકર્મીઓને સુવિધાના અભાવના કારણે બહાર બાંકડા પર બેસી રહેવું પડે છે. એલસીબીમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર, બે પોલીસ સબ ઇન્સ્પકેટર અને 40 પોલીસકર્મીઓ કામ કરે છે. એલસીબીની કચેરીમાં દસ બાય દસના ચાર રૂમ છે. જેમાં એક રૂમ પોલીસ ઇન્સ્પેક્ટરને ફાળવવામાં આવ્યો છે ત્યારે બીજા રૂમમાં આરોપીઓની બેસાડવામાં આવે છે. ત્રીજા રૂમમાં પીએસઆઇ તેમજ પીઆઇના રાઇટર અને કમ્પ્યૂટરની કામગીરી થાય છે. ત્યારે ચોથા રૂમમાં ગુનાખોરીમાં લેવાયેલો મુદ્દામાલ પડ્યો છે.

પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પીએસઆઇ તથા અન્ય ત્રણ ચાર પોલીસકર્મીઓ એલસીબીની ઓફિસમાં બેસે છે બાકીના તમામ કર્મચારીઓ બહાર બાંકડા પર બેસી રહે છે. જ્યારે કોઇ આરોપીઓની પૂછપરછ કરવી હોય ત્યારે પોલીસ કર્મચારીઓ બહાર બેસવું પડે છે. થોડાક સમય પહેલાં જ પોલીસકર્મીઓ માટે શેડ બનાવવામાં આવ્યો છે. સરખેજ પોલીસ સ્ટેશન અને એલસીબીએ પકડેલાં વાહનો જ્યાં મુદ્દામાલ તરીકે મૂકવામાં આવ્યાં છે ત્યાં તેઓને બાંકડા પર બેસી રહેવું પડે છે.

આ સિવાય એલસીબી પાસે સાયબર ક્રાઇમને અટકાવવા માટે પણ કોઇ એકસપર્ટ નથી અને કોઇ અધ્યતન સાધનો પણ નથી. ઉલ્લેખનીય છે કે એક દાયકા પહેલાં જાહેર રોડ પર ચોરી અને ધાડ પાડીને રાહદારીઓને લૂંટતા રાજુ નામના ડફેરનું એન્કાઉન્ટર એલસીબીએ કર્યું હતું ત્યારે અનેક ચકચારી કિસ્સાઓના ભેદ ઉકેલવામાં પણ એલસીબી મોખરે રહી છે. અમદાવાદ જિલ્લાના એસપી આર.વી.અસારીએ જણાવ્યું છેકે એલસીબીની ઓફિસને બોપલ પોલીસ સ્ટેશનમાં ખસેડવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.
http://sambhaavnews.com/

You might also like