આળસુ અધ્યાપકો પર યુજીસીની તવાઈ?

રાજ્યની શાળાઓમાં ફિક્સ પગાર પર ફરજ બજાવતા શિક્ષકોને સરકારે રાહતના સમાચાર આપ્યા છે તો બીજી તરફ કૉલેજ અને યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા તેમજ સંશોધનકાર્ય કરી રહેલા અધ્યાપકો માટે કઠિન સાબિત થઈ શકે એવો એક નિર્ણય યુજીસી(યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)એ લીધો છે.

શું છે એપીઆઈ સ્કોર ?

કૉલેજ, યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અધ્યાપકો અને સંશોધનકાર્ય કરતી વ્યક્તિની લાયકાત એપીઆઈ(એકેડેમિક પર્ફોર્મન્સ ઈન્ડેક્સ) સ્કોર દ્વારા નક્કી કરવામાં આવે છે. અધ્યાપકની શૈક્ષણિક લાયકાત અને તેના અનુભવના અમુક એપીઆઈ પોઈન્ટ મળે છે અને જો કોઈને તેનાથી વધારે એપીઆઈ પોઈન્ટ મેળવવા હોય તો કોઈ જર્નલમાં તેણે રિસર્ચ પેપર પ્રકાશિત કરવાનું રહે છે. જર્નલની માન્યતાના આધારે અધ્યાપકને એપીઆઈ પોઈન્ટ મળે છે.

જેમાં આંતરરાષ્ટ્રીય પ્રકાશન દ્વારા પ્રકાશિત થતા પુસ્તકમાં રિસર્ચ પેપર પ્રકાશિત થાય તો ૩૦ પોઈન્ટ, રાષ્ટ્રીય સ્તરના પ્રકાશક દ્વારા પ્રકાશિત થતા પુસ્તકમાં રિસર્ચ પેપર પ્રકાશિત થાય તો ૨૦ પોઈન્ટ, રેફર્ડ જર્નલમાં પ્રકાશિત થાય તો ૧૫ પોઈન્ટ અને અન્ય જર્નલમાં પ્રકાશિત થાય તો ૧૦ પોઈન્ટ મળે છે.

વર્ષ ૨૦૧૦માં યુજીસીએ એપીઆઈ પદ્ધતિ દાખલ કરી હતી, જેથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ફરજ બજાવતા અધ્યાપકો સંશોધનમાં વધુ રસ લે અને કાર્યરત રહે. આ અધ્યાપકો રિચર્સ પેપર બનાવે અને પ્રકાશિત કરે જેથી તેમને મળેલા પોઈન્ટ્સના આધારે તેમને પ્રમોશન મળે. યુજીસીની આ જાહેરાત પછી લેભાગુ જર્નલનો રાફડો ફાટી નીકળ્યો હતો. ભારતમાં અમુક વિષયો અને યુનિવર્સિટીઓને બાદ કરતા બાકીનાં ક્ષેત્રોમાં ખાસ કોઈ સંશોધનકાર્ય થતું નહોતું તેથી યુજીસીએ એપીઆઈના આકર્ષણ દ્વારા અધ્યાપકોને સંશોધન કાર્ય કરવાની પ્રેરણા આપી હતી, આ તમામ જાહેરાત પાછળ યુજીસીનું ધ્યેય એ હતું કે ભારતની શૈક્ષણિક સંસ્થાઓમાં સંશોધન કાર્ય ધબકતું રહે.

બારડોલીની ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર, તરીકે ફરજ બજાવતા ડૉ. ગોપાલ જી કહે છે કે, “યુજીસીનો આ નિર્ણય ખરેખર આવકારદાયક છે. સાચા અર્થમાં સંશોધન કરી રહેલા લોકોને આ નિર્ણયથી હવે પ્રોત્સાહન અને મદદ મળી રહેશે. ભારતમાં શિક્ષણ અને સંશોધનની ગુણવત્તા જળવાઈ રહે તે માટે આ નિર્ણય જરૂરી હતો. અમુક અધ્યાપકો ભલે આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હોય પણ એવા પણ ઘણાં અધ્યાપકો છે જે આ નિર્ણયની તરફેણમાં છે.”

કેટલાંક લેભાગુ જર્નલના પ્રતાપે ઘણા આળસુ અધ્યાપકોએ થોકબંધ રિસર્ચ પેપર પ્રકાશિત કરાવી સારા એવા એપીઆઈ પોઈન્ટ મેળવી લીધા હતા, જ્યારે જે અધ્યાપકો હકીકતમાં મહેનત કરી સંશોધન કરી રહ્યા હતા તે આવા અધ્યાપકો કરતાં એપીઆઈ પોઈન્ટમાં ઘણાં પાછળ હતા. જેથી તકનિકી રીતે તો પેલા આળસુ અધ્યાપકો જ કોઈ નોકરી કે પ્રમોશન માટે યોગ્ય ગણાવા લાગ્યા હતા. કેટલાંક નિમ્ન કક્ષાનાં અને માત્ર પોઈન્ટ માટેનો સહારો બનતાં જર્નલ પણ શરૂ થયાં હતાં. આ બાબતે યુજીસીને છેલ્લાં છ વર્ષમાં સંખ્યાબંધ ફરિયાદો પણ મળી હતી.

આ તમામ કારણસર યુજીસીએ ગત વર્ષે મે મહિનાના અંતમાં યુજીસીના જ એક સભ્ય વી.એસ. ચૌહાણના અધ્યક્ષસ્થાને એક સમિતિની રચના કરી અને તમામ યુનિવર્સિટીઓને વિવિધ ક્ષેત્રના યોગ્ય અને સારું કામ કરી રહેલાં જર્નલની યાદી મોકલવા કહ્યું. તમામ યુનિવર્સિટીઓએ વિવિધ જર્નલની યાદીની ભલામણ કરી, જેમાંથી ૩૮,૬૫૩ જર્નલનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ હવે યોગ્યતા ધરાવતા જર્નલનો ધીમેધીમે સમાવેશ કરવામાં આવશે.

વલ્લભ વિદ્યાનગરની એક કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ભરત વાઢિયા કહે છે કે, “યુજીસીનો આ નિર્ણય આવકારદાયક છે, પરંતુ હાલ જે લોકો એમ.ફિલ અને પીએચ.ડીનો અભ્યાસ કરી રહ્યા છે તેમને એપીઆઈ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી શકે તેમ છે, કારણ કે અમુક જર્નલમાં રિસર્ચ પેપર પ્રકાશિત કરવા માટે ઊંચી ફી પણ વસૂલવામાં આવે છે.”

ભરત વાઢિયા ઈએલટી વાઈબ્સ નામનું એક જર્નલ પણ ચલાવતા હતા જેને યુજીસીની યાદીમાં સ્થાન મળ્યું નથી. આ વિશે તેઓ કહે છે કે, “સારું એવું કામ કર્યું હોવા છતાં અમારા જર્નલને તે યાદીમાંં સ્થાન મળ્યું નથી. શરૂઆતમાં અમે કોઈ પણ સંશોધકનાં રિસર્ચ પેપર વિનામૂલ્યે પ્રકાશિત કરતા હતા. બાદમાં જર્નલની ગુણવત્તા જળવાઈ રહે તે માટે અને એક રિસર્ચ પેપર પ્રકાશિત કરવા માટે ભારતીય સંશોધક પાસેથી ૮૦૦ રૂપિયા અને વિદેશી સંશોધક પાસેથી ૨૫ ડૉલર ફી તરીકે વસૂલતા હતા. અત્યારે જે જર્નલનો તે યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં એક રિસર્ચ પેપર પ્રકાશિત કરવાના ત્રણથી ચાર હજાર રૂપિયા ફી વસૂલવામાં આવે છે. આ યાદીમાં અમુક એવાં જર્નલનો પણ સમાવેશ થાય છે જેમાં ગુણવત્તા જાળવવા માટે રિવ્યૂ કમિટી કે પીયર કમિટી હોય. દિલ્હીસ્થિત મિત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે ત્યાં અમુક એજન્સીના માધ્યમથી જો ભલામણ કરાવવામાં આવે તો રૂપિયા ૬૦૦૦૦ આપી તમારા જર્નલને તે યાદીમાં સમાવિષ્ટ કરાવી શકો છો.”

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી ગવર્નમેન્ટ આટ્ર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. નિસર્ગ આહિર કહે છે કે, “આ નિર્ણયની ખરેખર જરૂર હતી, કારણ કે એપીઆઈ સ્કોરને લોકો નોકરી અને પ્રમોશન મેળવવાનું માધ્યમ ગણાવા લાગ્યા હતા. રિસર્ચ પેપરની ગુણવત્તાની જગ્યાએ તેના સ્કોરને જ મહત્ત્વ આપવામાં આવતું હતું.”

કેટલાક અધ્યાપકો યુજીસીના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક તેને આવકારી રહ્યા છે. અમુક જગ્યાએ તો આ નિર્ણયને રદ કરવા અથવા અન્ય જર્નલનો સમાવેશ કરવા યુજીસીને અરજી પણ કરવામાં આવી રહી છે. જો કે સર્વગ્રાહી રીતે તો યુજીસીના આ નિર્ણયને સીમાચિહ્ન સમાન ગણાવવામાં આવી રહ્યો છે.
http://sambhaavnews.com/

You might also like