અપાર વૈભવ મેળવવા આટલું જ કરો

જગતનો પ્રત્યેક મનુષ્ય નાણાં પાછળ ઘેલો છે. કોઇનેય તેના વગર ચેન પડતું નથી. ઘણાં મનુષ્ય રાત દિવસ જોયા વગર ખૂબ કામ કરે છે. સુખ કે નાણાં મેળવવાની ઘેલછામાં તે હયાત સુખ પણ ભોગવી શકતો નથી. લક્ષ્મીનો પ્રભાવ એટલો બધો છે કે તે મનુષ્યને સંપૂર્ણ જગત ભુલાવી દે છે. પતિ, પત્ની, ભાઇ, બહેન, માતા, પિતા આ કોઇનાય સંબંધમાં વચ્ચે નાણાં કે લક્ષ્મી આવે તો ખેલ ખતમ, સંબંધ ખતમ, દૂધના કટોરામાં વિષ ઘોળાઇ જાય. ગમે તેટલો ગાઢ સંબંધ પણ ઘડીના છઠ્ઠા ભાગમાં તૂટી પડે છે. લક્ષ્મી હોય તો ભગવાન પણ યાદ આવતા નથી. જગત આખાનો વ્યવહાર લક્ષ્મીથી ચાલે છે.

શું લક્ષ્મી મહેનતથી આવે ખરી? તેનો જવાબ અહીં છે ‘ના’. જો ફક્ત અને ફક્ત મહેનતથી જ લક્ષ્મી આવતી હોય તો જગતમાં રાત દિવસ જોયા વગર મહેનત કરનારની કમી નથી.

લક્ષ્મી શું અક્કલથી આવે છે? તેનો જવાબ પણ અહીં છે. ‘ના’. જો લક્ષ્મી અક્કલથી જ આવી હોય તો અભણ શેઠને ત્યાં બુદ્ધિશાળી ગુમાસ્તા ધનવાન બન્યા વગર કેવા કામ કરતા હોય છે? શું તે બધા પૈસાદાર ન બન જાય? હવે આટલી પ્રસ્તાવના કર્યા પછી એટલું તો સ્પષ્ટ થઇ જ જાય છે કે લક્ષ્મી આવે છે માણસના નસીબથી. લક્ષ્મી આવે છે માણસે કરેલાં પુણ્યોથી. મહેનતું તથા બુદ્ધિશાળી ભલે મહેનત કર્યા કરે કે પોતાની બુદ્ધિ દોડાવ્યા કરે, પરંતુ તે લક્ષ્મીવાન બની જ શકતા નથી. મહેનત મજૂરીથી તો બહુ બહુ બે ટાઇમના દાળ રોટલા નીકળે. જો બે પૈસા બચાવ્યા હોય તો છોકરા છોકરીનાં લગ્ન સુખેથી થઇ શકે, પરંતુ ધનવાન બની શકાતું નથી. શું આ પ્રારબ્ધવાદ છે? ના આ પ્રારબ્ધવાદ તો નથી જ.

તમે તમારી મેળે કામ કરો. નથી તમારું માન ઘરમાં કે નથી તમારું માન બહાર. તો બીજે શું કામ તરફડિયાં મારો છો? બીજે શું કામ ફાંફાં મારો છો? જ્યાં જાવ ત્યાં તમને જોઇને લોકો આવો, બેસો કહેતા હોય તો જ તમે મોટામાં મોટા પુણ્યાત્મા. તો જ તમારી પાસે લક્ષ્મી આવે. તો જ તમે ધનપતિ બની શકો. હવે તમે જો નાસ્તિક હો તો પાછું તમને થાય છે કે આ વળી પુણ્ય એટલે શું? તે વળી ક્યાં લેવા જવું? તેનો જવાબ બહુ સરળ છે. માણસ ખૂબ મહેનત કરે છે છતાં તેને ઓછામાં ઓછું મળે. એ બહુ થોડું પુણ્ય કહેવાય. શારીરિક મહેનત ઓછી અને વાણીની મહેનત વધુ હોય તો વકીલ કે ડોક્ટર બની શકાય તો તમારું પુણ્ય પેલા કરતાં વધારે કહેવાય.

જો તમારે વાણી કે શારીરિક મહેનત પણ ન હોય તો તે મનુષ્ય ખૂબ પુણ્યશાળી કહેવાય. આવા લોકો પાસે ધનના ઢગલા હાજર હોય છે. આમ પુણ્યશાળી મનુષ્ય પાસે જ ધન હોય છે. અર્થાત્ પુણ્યબળથી જ લક્ષ્મી આવે છે. આપણાં શાસ્ત્રો તથા ધર્મગ્રંથો આપણને ઢોલ ટીપી ટીપીને કહે છે કે પુણ્યશાળી બનો. પુણ્યશાળી બનવા ધન હોવું જરૂરી નથી. હા, ધનને બદલે તમારામાં ભારોભાર કરુણા કે ભારોભાર પ્રેમ દયા હોવાં જોઇએ. આ બધું હોય તો તમે પુણ્યશાળી બની શકો. તો જ તમને અપાર વૈભવ પ્રાપ્ત થાય.•

You might also like