લો ગાર્ડન પાસે હોટલ માલિક પર ત્રણ શખ્સો હુમલો કરી ફરાર

અમદાવાદ: અમદાવાદના એલિસબ્રિજ પાસે આવેલી હોટલના માલિક અને તેના સાગરીતોએ લો ગાર્ડન પાસે આવેલી હોટલના માલિક પર બુકિંગના રૂપિયાની ઉઘરાણી કરીને હોટલમાં ઘૂસી હુમલો કર્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતાં હુમલાખોરો કારમાં બેસી ફરાર થઇ ગયા હતા. નવરંગપુરા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ઘોડાસરના ચંદ્રલોક બંગલોઝમાં પંકજભાઈ અંકલેશ્વ‌િરયા તેમના પરિવાર સાથે રહે છે. તેઓ લો ગાર્ડન પાસે લા-૩૬પ રેસિડન્સી નામની હોટલ ધરાવે છે.  ગઈ કાલે બપોરે ૧ર.૩૦ની આસપાસ પંકજભાઈ હોટલ પર બેઠા હતા ત્યારે મુંબઈના વસઈ ખાતે રહેતા અને એલિસબ્રિજ પાસે નામી રેસિડન્સી નામની ભાડાથી હોટલ ધરાવતા અભિજિત દેશમુખ તેમના બે માણસો સાથે ત્યાં આવ્યા હતા અને બુકિંગના રૂપિયાની ઉઘરાણી કરી હતી. પંકજભાઈએ સોમવારે આવજો કહેતાં અભિજિતે ઉશ્કેરાઈ જઇને બોલાચાલી કરી હતી. તેના સાગરીતોએ ભેગા મળી તેમને માર માર્યો હતો.

હોટલના રિસેપ્સ‌િનસ્ટ તેમને વચ્ચે છોડાવવા આવતાં તેમને પણ માર માર્યો હતો. કોઈએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતાં તેઓ કારમાં બેસી ફરાર થઇ ગયા હતા. નવરંગપુરા પોલીસે પંકજભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અખબારનગર ખાતે રહેતા અને ગુજરાત હાઇકોર્ટના વકીલ સ્વપ્નિલ ચૌહાણ ગઈ કાલે નવરંગપુરા જૂની હાઇકોર્ટ પાસે આવેલા કાલિન્દી કોમ્પ્લેક્સ પાસે કાર પાર્ક કરીને ઝેરોક્સ કરાવવા ગયા ત્યારે કોમ્પ્લેક્સના સિક્યોરિટી ગાર્ડ અને કોમ્પ્લેક્સના માણસોએ કાર પાર્કિંગ કરવા બાબતે તેઓ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી, જે મામલે પણ નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like