ટેસ્ટ-વન ડેને ભૂલી જાઓ, આવતી કાલથી વિન્ડીઝ સામે ‘દે ધનાધન’ ક્રિકેટનો પ્રારંભ

કોલકાતાઃ ભારત અને વિન્ડીઝ વચ્ચેની ટેસ્ટ અને વન ડે શ્રેણી પૂરી થઈ ગઈ છે. આ બંને શ્રેણી ભારતે જીતી લીધી છે. હવે આવતી કાલથી અહીંના ઈડન ગાર્ડન્સ ખાતે સાંજે ૭.૦૦ વાગ્યા ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. ટી-૨૦ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ રોહિત શર્મા સંભાળી રહ્યો છે.

રોહિત શર્મા પાસે ટી-૨૦ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો અને સૌથી વધુ છગ્ગા ફટકારવાનો નવો રેકોર્ડ સર્જવાની તક રહેશે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીને આ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. બીજી ટી-૨૦ મેચ તા. ૬ નવેમ્બરને લખનૌમાં અને ત્રીજી ટી-૨૦ મેચ ૧૧ નવેમ્બરે ચેન્નઈમાં રમાશે.

ભારત સામે આઠમાંથી પાંચ મેચ જીતી ચૂક્યું છે વિન્ડીઝ
ભારત અને વિન્ડીઝ વચ્ચે અત્યાર સુધી કુલ આઠ ટી-૨૦ મેચ રમાઈ છે, જેમાંથી વિન્ડીઝે પાંચ મેચ જીતી છે, જ્યારે બે મેચ ભારતના નામે રહી છે, એક મેચ રદ થઈ હતી. ઓવરઓલ રેકોર્ડની વાત કરવામાં આવે તો ભારતે અત્યાર સુધીમાં ૧૦૪ ટી-૨૦ મેચ રમી ચૂક્યું છે.

જેમાંથી ભારતનો ૬૫ મેચમાં વિજય થયો છે અને ૩૬ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતથી વધુ મેચ ફક્ત પાકિસ્તાન (૧૩૭માંથી ૮૭)એ મેચ જીતી છે. વિન્ડીઝની ટીમને ૧૦૧ મેચમાંથી ૪૭ મેચમાં જીત હાંસલ થઈ છે અને ૪૭ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.

માર્ટિન ગપ્ટિલનો રેકોર્ડ રોહિત શર્મા તોડી શકશે ખરો?
ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ ૨૨૭૧ રન બનાવવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલના નામે છે. રોહિત શર્મા ૨૦૮૬ રન સાથે હાલ પાંચમા ક્રમે છે. જો તે વિન્ડીઝ સામેની ત્રણ ટી-૨૦ મેચમાં વધુ ૧૯૬ રન બનાવી લેશે તો તે ગપ્ટિલનો રેકોર્ડ તોડી નાખશે.

ભારતીય ક્રિકેટ ચાહકો રોહિતનું ફોર્મ જોતાં તેની પાસેથી ગપ્ટિલનો રેકોર્ડ તોડવાની આશા રાખી રહ્યા છે, જોકે પાકિસ્તાનનો શોએબ મલિક પાસે રોહિતથી પહેલાં આ રેકોર્ડ તોડવાની તક હશે. મલિક ૨૧૭૧ રન બનાવી ચૂક્યો છે. પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ટી-૨૦ શ્રેણી રમાઈ રહી છે. ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે નિવૃત્તિ લઈ ચૂકેલો બ્રેન્ડન મેક્કુલમ (૨૧૪૦ રન) ત્રીજા અને વિરાટ કોહલી (૨૧૦૨) ચોથા સ્થાન પર છે.

સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ પણ રોહિતના નિશાન પર
રોહિત શર્મા ટી-૨૦ ક્રિકેટમાં ૮૪ મેચમાં ૮૯ છગ્ગા ફટકારી ચૂક્યો છે. તે સૌથી વધુ છગ્ગાના મામલે ક્રિસ ગેલ, માર્ટિન ગપ્ટિલ, બ્રેન્ડન મેક્કુલમ બાદ ચોથા ક્રમે છે. ક્રિસ ગેલ અને ગપ્ટિલના નામે સૌથી વધુ ૧૦૩-૧૦૩ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. આ બંને ક્રિકેટર હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. આ સ્થિતિમાં રોહિત પાસે ગેલ-ગપ્ટિલનો રેકોર્ડ તોડવાની તક છે, પરંતુ આના માટે રોહિતે વિન્ડીઝ સામેની ત્રણ ટી-૨૦ મેચમાં ૧૫ છગ્ગા ફટકારવા પડશે.

સૌથી ઝડપી સદીનો રેકોર્ડ રોહિતના નામે
ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સંયુક્તરૂપે રોહિત શર્મા અને ડેવિડ મિલરના નામે છે. આ બંને ખેલાડી ૩૫-૩૫ બોલમાં સદી ફટકારી ચૂક્યા છે. દક્ષિણ આફ્રિકાના મિલરે ૨૦૧૭માં બાંગ્લાદેશ સામે અને રોહિત શર્માએ પણ ૨૦૧૭માં જ શ્રીલંકા સામે આ રેકોર્ડ બનાવ્યો હતો.

જસપ્રીત બૂમરાહ-યુઝવેન્દ્ર ૫૦ વિકેટ પૂરી કરી શકશે?
ટી-૨૦ શ્રેણી દરમિયાન ભારતીય બોલરો જસપ્રીત બૂમરાહ અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે ૫૦ વિકેટ પૂરી કરવાની રેસ જામશે. બૂમરાહે અત્યાર સુધીમાં ૪૩ અને યુઝવેન્દ્રએ ૪૨ વિકેટ ઝડપી છે. આર. અશ્વિન (૫૨) એકમાત્ર ભારતીય બોલર છે, જેણે ૫૦થી વધુ વિકેટ ઝડપી છે. સૌથી વધુ ૯૮ વિકેટ ઝડપવાનો વર્લ્ડ રેકોર્ડ શાહિદ આફ્રિદીના નામે છે.

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, કે. એલ. રાહુલ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, શ્રેયસ ઐયર, ઋષભ પંત, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વરકુમાર, જસપ્રીત બૂમરાહ, ખલિલ અહમદ, ઉમેશ યાદવ, શાહબાઝ નદીમ.

You might also like