હસાવતી-રડાવતી જિંદગી

એક મિત્રે બીજા મિત્રને કહ્યુંઃ “ગઈકાલે એ સુંદરી મારા હાથ પર ઝૂલતી હતી, આજે એ તારા હાથ પર ઝૂલે છે, આવતી કાલે તે કોઈ ત્રીજા જુવાનના હાથ પર ઝૂલતી હશે!”
એક મિત્ર બીજા મિત્રને કહે છેઃ “ગઈ કાલે એ મારી નજીક મને વળગીને બેઠી હતી. મને ખૂબ પ્યાર કરતી હતી. આજે તે તને પ્યાર કરે છે, આવતી કાલે તે કોઈ ત્રીજી વ્યક્તિને પ્યાર કરશે!”
“આજે એ તને ચુંબન કરે છે. ગઈ કાલે તે મને ચુંબન કરતી હતી અને આવતી કાલે તે કોઈ ત્રીજાને ચુંબન કરશે!”
પ્રશ્નઃ “પણ આવી અજીબ વિચિત્ર સુંદરી છે કોણ?”
જવાબઃ “એ અજબ નારીનું નામ છે જિંદગી!”

મહાન કવિ-ચિંતક-નવલકથાકાર-ફિલસૂફ ખલીલ જિબ્રાનની આ વાણી છે. જિબ્રાનની મૂળ વાતના શબ્દો બરાબર યાદ નથી, વિગતો પણ યાદ નથી પણ જિબ્રાને જે કહ્યું હતું તેનો મર્મ તો આ જ છે. જિબ્રાને જે સત્ય પારખ્યું તે દરેક માણસના અનુભવની વાત છે પણ એ વાતને આટલી માર્મિક રીતે કહેવાની ‘દૃષ્ટિ’ કે તેને આટલા સચોટ શબ્દોમાં ઢાળવાની આપણી ત્રેવડ ક્યાં? દરેકનો આ અનુભવ છે. જિંદગી ક્યારેક મારી ઉપર મહેરબાન બને છે તો ક્યારેક તમારી ઉપર. ક્યારેક તેની વફાદારી તમને આનંદવિભોર કરી મૂકે છે, ક્યારેક તમને તે ‘બેવફા’ લાગે છે. તમને રડાવ્યા જ કરે છે. તમે એને ખૂબ ચાહો છો અને તે જાણે એટલે જ તમને ખૂબ દુઃખી કરતી હોય તેવું લાગે છે. ઘડીક તમને એ ‘સખ્ત’ જેવી લાગે છે તો કોઈ કોઈ વાર તે તમારી ‘નિર્દોષ’ માલિકણ બનીને ઊભી રહે છે. કોઈ વાર અત્યંત સ્વરૂપવાન યુવતી બનીને તમને તે પોતાના બાહુપાશમાં જકડે છે અને ક્યારેક તે કર્કશા બનીને તમારું જીવવું ઝેર કરી નાખે છે.

એક મિત્રે કહ્યુંઃ “બાળપણના દિવસો યાદ કરું છું ત્યારે લાગે છે કે એ જ સાચું સ્વર્ગ હતું. માણસ માટે સ્વર્ગ મૃત્યુ પછીની કોઈ મંઝિલ નથી. સ્વર્ગ તો જન્મ પછીનો પહેલો પ્રદેશ છે. મને હવે મારું બાળપણ ગુમાવેલા સ્વર્ગ જેવું લાગે છે. માતાપિતા, ભાઈ-બહેન, કાકા-કાકી, નોકર-ચાકર અનેક લોકોની સ્નેહનિતરતી આંખોની છાયામાં હું ઉછર્યો. પછી જાણે સ્વર્ગમાંથી હું એકદમ જમીન પર જ પટકાયો.

એક બીજા મિત્ર તેથી ઊલટો અનુભવ આગળ કરે છેઃ “તમે જેને નરક કહો છો તે મૃત્યુ પછીનો કોઈ મુલક નથી. મેં જન્મ પછી તરત નરક જોયું છે. મારો જન્મ થયો – માતા પ્રસૂતિની વેદનામાં પીડાતી હતી. અને આ બાજુ હું જન્મ્યો અને બીજી બાજુ મારા પિતાને લાંબી માંદગીની પાટ ઉપરથી ઉતારીને ભૂમિ ઉપર સુવાડ્યા. જાણે અમારી જિદગી એક બેવકૂફ-બેડોળ યુવતીની સૂરત ધારણ કરીને બેઠી હતી.

આમ, ખલીલ જિબ્રાનની વાત તો એક અર્થમાં સાચી છે. જિંદગી ઘડીક અહીં વરસે છે અને હરિયાળી રચે છે. જિદગી ઘડીક ક્યાંક બીજે વરસે છે અને ત્યાં બધું જ લીલુંછમ બનાવી દે છે. જિંદગી માણસોની સામે જાતજાતનાં લટકા કરે છે. ઘડીક હસે છે ને હસાવે છે. ઘડીક રડે છે ને રડાવે છે. ઘડીક નાચે છે અને નચાવે છે. ક્યારેક તે પીડાનો ચિત્કાર કરે છે અને તમને ચીસ પડાવે છે. જિંદગીને શું કહીશું? વરદાન કે શાપ? વરદાન ક્યારેક શાપ બનતું જોવામાં આવે છે તો ક્યારેક શાપ વરદાન બની જાય છે. એટલે કે ક્યારેક જિંદગી એકદમ વહાલી લાગે છે તો ક્યારેક એકદમ અકારી લાગે છે.

જિંદગી ખરેખર શું છે? એવું લાગે છે કે ખરેખર જિંદગી પરમાત્માને ચાહવાની અને તેનામાં સમાઈ જવાની પ્રેમની શક્તિ પ્રાપ્ત કરવાની એક અદ્‌ભુત તાલીમશાળા જ નથી? માણસ જ્યારે સાંસારિક રીતે કોઈ વ્યક્તિને ચાહે છે ત્યારે તે વ્યક્તિને જ નહીં, તે વ્યક્તિનાં બધાં સુખ-દુઃખ, આનંદ અને પીડા બધું જ પોતાનું નથી બનાવી દેતી? જિંદગીને તેના બધા જ આનંદો અને પીડાઓ સાથે જ ચાહવી પડે છે. કમાઉ દીકરો પણ વહાલો અને અણકમાઉ આળસુના પીર જેવો દીકરો પણ વહાલો જ ગણવો પડે. પ્રેમની પિછાન મળે પછી પીડા પણ માત્ર પીડા મટી જાય છે અને પ્રેમની ભાગીદારી નથી બની જતી?

http://sambhaavnews.com/

You might also like