લાતુરની એક ફેક્ટરીમાં ઝેરી ગેસથી નવ કામદારનાં મોત

લાતુર: મહારાષ્ટ્રના લાતુર જિલ્લાની એક ઓઈલ મિલમાં ઝેરી ગેસના કારણે ગૂંગળાવાથી નવ લોકોનાં મોત થયાં છે. અહેવાલો અનુસાર આ દુર્ઘટના ઓઈલ મિલની ટેન્કની સફાઈ કરતી વખતે સર્જાઈ હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લાતુરની કીર્તિ ઓઈલ મિલમાં એક ટેન્કને સાફ કરતી વખતે ઝેરી ગેસ લીક થતાં કેટલાક કામદારો બેભાન થઈ ગયા હતા, જેમનાં પાછળથી મોત થયાં હતાં. ફાયર બ્રિગેડ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગઈ કાલે રાત્રે જ ટેન્કમાંથી બે વધુ શબ મળતાં આ દુર્ઘટનાનો આંક નવ થયો હતો.

જ્યારે કામદારો ઓઈલ મિલની ટાંકીની સફાઈ કરી રહ્યા હતા ત્યારે કેટલાક કામદારો બેહોશ થઈ ગયા હતા. જ્યારે લાંબો સમય તેઓ બહાર ન આવ્યા ત્યારે તપાસ કરતાં ખબર પડી હતી કે ટેન્કના ઝેરી ગેસથી તેમનાં મોત થયાં છે. પોલીસ અને સ્થાનિક સત્તાવાળાઓએ આ દુર્ઘટનામાં તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટનાની વિગતો એવી છે કે લાતુરના મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એસ્ટેટમાં કીર્તિ ઓઈલ કંપનીની ટેન્કની સફાઈ કરવા ચાર કામદાર ટેન્કની અંદર ઊતર્યા હતા અને તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ તેમની મદદ માટે પાંચ વધુ કર્મચારીઓ ટેન્કમાં ઊતર્યા હતા અને તેમના પણ ઝેરી ગેસને કારણે મોત થયાં હતાં.
જોકે આ ઘટના કોઈ ઝેરી ગેસ લીક થવાને કારણે થઈ છે કે વીજ કરંટના કારણે તાત્કાલિક જાણી શકાયું નથી.

આ દુર્ઘટનાની જાણ થતાં રાજ્યના શ્રમ પ્રધાન સંભાજી પાટિલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે જો મિલ માલિકો દોષિત જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે મૃતકોના પરિવારજનોને મદદ આપવાની ખાતરી આપી હતી.
http://sambhaavnews.com/

You might also like