બોપલ ગામમાં મોડી રાત્રે જાહેરમાં જુગાર રમતા નવ લોકો ઝડપાયા

અમદાવાદ: બોપલ ગામમાં આવેલાં ઠાકોરવાસમાં મોડી રાત્રે જાહેરમાં જુગાર રમતા નવ શખસની અમદાવાદ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કવોડે ધરપકડ કરી છે. પોલીસે રૂ.ર લાખ રોકડા, ચાર વાહન, નવ મોબાઇલ મળી કુલ રૂ.૧૩.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ જાહેરમાં જુુગાર રમી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અમદાવાદ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કવોડ ગત મોડી રાત્રે નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમ્યાનમાં સ્કવોડના કર્મીને બાતમી મળી હતી કે બોપલના હોળી ચકલા પાસે ઠાકોરવાસમાં કેટલાક શખસ જાહેરમાં જુગાર રમી રહ્યા છે. તે માહિતીના આધારે પોલીસે ઠાકોરવાસમાં રેડ કરતા નવ જેટલા લોકો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસને જગ્યા પરથી રોકડા રૂ. ર લાખ, એક આઇ-ર૦, એક પલ્સર, એક એક્ટિવા અને અન્ય કાર, તેમજ નવ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧૩.૩૪ લાખનો મુદામાલ મળી આવ્યો હતો.

પેરોલ ફર્લો સ્કવોડના અધિકારીએ જણાવ્યું હતું કે ઠાકોરવાસમાં મોડી રાત્રે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પોલીસે કાર્યવાહી કરી નવ જેટલા લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ કેટલા સમયથી જુગાર રમતા હતા તેમજ મુખ્ય આરોપી કોણ છે. તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like