બોર્ડની પરીક્ષાનું ફોર્મ મોડું ભરનાર વિદ્યાર્થીઓને આ તો કેવી સજા?

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦-૧૨ની પરીક્ષા માટે જેટલા વિદ્યાર્થી હવે છેલ્લે છેલ્લે લેટ ફી સાથે ફોર્મ ભરશે તે વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા ફરજિયાત ગાંધીનગર અથવા અમદાવાદ ખાતે આપવાની રહેશે. મોડું ફોર્મ ભરવાની સજા વિદ્યાર્થીને માધ્યમિક શિક્ષણ બોર્ડ આ રીતે ફટકારવાનું છે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧૨ની પરીક્ષા માટેનાં ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ ચૂકી છે.

વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા માટે આધારકાર્ડ હોવું ફરજિયાત બનાવાયા બાદ આ મુદત વધારવામાં આવી હતી છતાં અંદાજે ૩૦૦થી ૪૦૦ વિદ્યાર્થી કોઇ કારણસર પરીક્ષા ફોર્મ ભરવામાં બાકી રહી ગયા હોય તેમના માટે બોર્ડ દ્વારા ફરી એક વાર મુદત વધારવામાં આવી છે. ૨૬ ડિસેમ્બરથી ૧૩ જાન્યુઆરી સુધી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને ધો. ૧૦ના વિદ્યાર્થીઓ બોર્ડની ગાંધીનગરની કચેરીએ રૂ. ૧૦૦૦ પેનલ્ટી અને રૂ. ૩૦૦ લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે, પરંતુ છેલ્લે આ સમયગાળા દરમિયાન ફોર્મ ભરનાર તમામ વિદ્યાર્થી કે જેઓ રાજ્યોમાં કોઇ પણ સ્થળે રહેતા હશે તેઓએ પરીક્ષા આપવા ગાંધીનગર કે અમદાવાદ આવવું પડશે.

અગાઉ પરીક્ષાનાં ફોર્મ ભરવાની મુદત ૩૦ નવેમ્બર કરાઇ હતી. જે તે વિદ્યાર્થીએ પરીક્ષા આપવા માટે ગાંધીનગર કે અમદાવાદ એક સપ્તાહ જેટલું રહેવું પડશે, જેનો રહેવા જમવાનો ખર્ચ પણ તેણે જાતે જ ભોગવવો પડશે. બોર્ડનાં સૂત્રોના જણાવ્યા મુજબ આવા ૩૦૦થી ૪૦૦ વિદ્યાર્થી લેટ ફોર્મ ભરશે. આ અંગે પરીક્ષા સચિવ બી.એસ. કૈઇલાએ જણાવ્યું હતું કે પરીક્ષા ફોર્મ ભરવાની મુદત એક વખત વધી ચૂકી છે. છતાં કેટલાક વિદ્યાર્થીઓ રહી ગયા હોવાને કારણે તેમનાં ભવિષ્યનાં હિતમાં વર્ષ ન બગડે તે માટે ૧૩ જાન્યુઆરી સુધીનો સમય અપાયો છે.

ખાસ કરીને આ વિદ્યાર્થીઓ જો છેલ્લે ફોર્મ ભરે તો આગળ ભરાયેલા ફોર્મની વહીવટી પ્રક્રિયા અને વ્યવસ્થા પૂર્ણતાના આરે હોઇ આ સંજોગોના છેલ્લે ફોર્મ ભરનાર વિદ્યાર્થીનો નંબર ચોક્કસ સ્થળે, ચોક્કસ જગ્યાએ આવી શકે તેનું સ્પેશિયલ આઇડેન્ટિફિકેશન થાય તેવો અંદાજ લાવી શકાય, જેમાં પરીક્ષામાં ગેરરીતિ થવાની સંભાવના રહે છે.

તેમણે વધુમાં જણાવ્યા મુજબ લેટ ફોર્મ ભરનાર વિદ્યાર્થી તેની ભાષા મરાઠી-ઉર્દૂ, હિંદી કે કોઇ પણ રાખે તો પણ ફોર્મ સ્વીકારવું પડે, પરંતુ તેવા એક કે પાંચ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવાનું શક્ય નથી.જોકે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનું કહેવું છે કે પરીક્ષાને હજુ ત્રણ મહિના જેટલો સમય છે. બોર્ડ લેટ ફી ભરનાર વિદ્યાર્થીઓને તેમના રહેઠાણના શહેર કે ટાઉનમાં આસાનીથી સેન્ટર ફાળવી શકે છે.
http://sambhaavnews.com/

You might also like