મેં વીડિયો જોયો નથી અને જોવા પણ માગતી નથીઃ લતા મંગેશકર

મુંબઈ: એઆઈબીના એન્કર તન્મય ભટ્ટ દ્વારા સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકર અને ક્રિકેટના ભગવાન ગણાતા સચીન તેંડુલકર પર બનાવવામાં આવેલ અભદ્ર વીડિયો સોશિયલ સાઈટ પર વાઈરલ થયા બાદ મચી ગયેલી ઊહાપોહ અંગે મહાન ગાયિકા લતા મંગેશકરે હવે પોતાનું મૌન તોડ્યું છે.

એક વેબસાઈટે જ્યારે લતા મંગેશકરને આ વીડિયો અને તન્મય ભટ્ટ અંગે પૂછ્યું તો તેમણે ખૂબ જ સીધી ભાષામાં જવાબ આપતાં જણાવ્યું કે ‘મેં આ વીડિયો જોયો નથી અને હું તેને જોવા પણ માગતી નથી. લતા મંગેશકરે જણાવ્યું હતું કે હું આ અંગે કોઈ ટિપ્પણી કરવા ઈચ્છતી નથી. તેમણે એવું પણ જણાવ્યું છે કે તન્મય ભટ્ટ કોણ છે તેની પણ મને ખબર નથી.

લતા મંગેશકરની આ પ્રતિક્રિયા પરથી એક વાત સ્પષ્ટ છે કે તેઓ આ અંગે પોતાના વિચારો વ્યક્ત કરીને આ પ્રકરણને વધુ ચગાવવા માગતા નથી. લતા મંગેશકર એક મહાન હસ્તી છે અને આ રીતે કોઈ પ્રતિક્રિયા આપીને તેઓ પોતાની પ્રતિભાને નુકસાન પહોંચાડવા માગતાં નથી, જોકે લતા મંગેશકરની નિકટનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે લતા દીદી આ વીડિયોથી નારાજ છે, પરંતુ તેઓ પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરીને વાતનું વતેસર કરવા માગતાં નથી અને તેથી તેમણે આ વિવાદથી પોતાની જાતને અલગ અને દૂર રાખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયોનું શીર્ષક ‘સચીન વર્સિસ લતા સિવિલ વોર’ રાખવામાં આવ્યું છે. આ વીડિયોને લઈને બોલિવૂડે અત્યંત તેજાબી પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોમાં સંગીત અને ક્રિકેટ જગતની બે દિગ્ગજ હસ્તીઓને અભદ્ર તરીકે ચીતરવા સામે કેટલાય કલાકારોએ સખત શબ્દોમાં તન્મય ભટ્ટની ઝાટકણી કાઢી છે.

You might also like