AMTSને છેલ્લાં પાંચ વર્ષમાં કોર્પોરેશનની રૂ.૧૨૩૫.૩૬ કરોડની ‘આર્થિક કાખઘોડી’

અમદાવાદ: ૧ એપ્રિલ, ૧૯૪૭થી સમગ્ર દેશમાં પ્રથમ વખત અમદાવાદમાં જાહેર પરિવહન સેવા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનો પ્રારંભ થયો હતો. શહેરી પરિવહન સેવામાં ‘લાલ બસ’ની ગૌરવગાથા હતી. પરંતુ એએમટીએસને રાજકારણનો એરૂ આભરી જતા તેનો વહીવટ એટલી હદે કથળી ચૂક્યો કે એક સમયે કોર્પોરેશન આ સંસ્થાને ખંભાતી તાળા મારી દેવાનું હતું. સિત્તેર વર્ષનો જાહેર પરિવહનનો વિશાળ અનુભવ પણ સત્તાધીશોને આપસી ટાંટિયાખેંચથી ઉતારુઓને સારી બસ સેવા અપાવી શક્યો નથી. કોર્પોરેશને છેલ્લા પાંચ વર્ષમાં એએમટીએસને રૂ.૧૨૩૫.૩૬ કરોડની આર્થિક લોનની કાખઘોડી આપતા એએમટીએસ બસના પૈડાં રસ્તા પર દોડી રહ્યા છે.

એએમટીએસ સંસ્થામાં કરકસરયુક્ત અભિગમનો અભાવ છે તેમાં પણ ઉચ્ચ અધિકારીઓની ફોજમાં કોઈ સક્ષમ વહીવટી અધિકારી જ નથી. વર્ષોથી કોર્પોરેશનમાંથી ફાળવાયેલા ડેપ્યુટી કમિશનર ટ્રાન્સપોર્ટ મેનેજરનો હવાલો સંભાળે છે. હજુ સુધી કે.સી. પટેલ બાદ કોઈ પૂર્ણકાલીન ટ્રાન્સપોર્ટ મેનેજર ન હોઈ સંસ્થાની નાણાકીય સ્થિતિ ખૂબ જ કફોડી રહે છે. સંસ્થાના પગાર, પેન્શન અન્ય એસ્ટાબ્લીશમેન્ટ સહિતના ખર્ચ ચૂકવવા માટે દર મહિને કોર્પોરેશન દ્વારા લોન પેટે કરોડો રૂપિયાની સહાય ચૂકવાય છે.

ભૂતકાળની નાણાકીય લોનને ભૂલી જઈએ, કેમ કે આવકના અભાવે એએમટીએસ કોર્પોરેશનની લોનનું વ્યાજ પણ ભરી શકતું નથી. પરંતુ છેલ્લા પાંચ વર્ષની લોનની વિગત પણ ચોંકાવનારી છે. ખુદ સંસ્થાના વર્ષ ૨૦૧૭-૧૮ના વાર્ષિક અહેવાલમાં જણાવાયા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેશને એએટીએસને કુલ રૂ.૧૨૩૫.૩૬ કરોડ લોન પેટે આપ્યા છે! પ્રતિવર્ષ એએમટીએસની ખોટ વધતી જાય છે, આની સાથે સાથે કોર્પોરેશનની નાણાકીય લોનની રકમ વધતી જાય છે! ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં મ્યુનિસિપલ તિજોરીમાંથી રૂ.૩૨૫ કરોડ એએમટીએસની બસ રોડ પર દોડાવવા અપાશે!

મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ, વી.એસ. હોસ્પિટલ, એમ.જે. લાઇબ્રેરીની જેમ એએમટીએસ પણ કોર્પોરેશનની સંલગ્ન સંસ્થા છે પરંતુ આમાં આઘાતજનક બાબત એ છે કે મ્યુનિસિપલ સત્તાવાળાઓ સ્કૂલબોર્ડ, વી.એસ. હોસ્પિટલ અને એમ.જે. લાઇબ્રેરીને દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ એએમટીએસ સાથે અન્યાય કરીને ગ્રાન્ટને બદલે લોનની કાખઘોડી આપે છે. જેના કારણે એએમટીએસ કોર્પોરેશનના ચોપડે વધુ ને વધુ ‘દેવાદાર’ બનતું જાય છે. એ વાત આશ્ચર્યજનક પણ છે કે કોર્પોરેશનની જૂની કરોડો રૂપિયાની લોનને ગ્રાન્ટમાં પરિવર્તિત કરવાના મામલે ભાજપના સત્તાધીશો ઉદાસીન છે.

http://sambhaavnews.com/

You might also like