લશ્કર-એ-તોઈબાનો ફરાર આતંકી અબ્દુલ નઈમ શેખ ઝડપાયો

લખનૌ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીને ભડકે બાળવાની સાજિશ જારી છે. વારાણસીમાં હૈદરાબાદ બ્લાસ્ટનો આરોપી અને પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાના સક્રિય આતંકી અબ્દુલ નઈમ શેખને ઝડપી લેવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે અબ્દુલ નઈમ શેખે ઉત્તર પ્રદેશને ભડકે બાળવાનું કાવતરું ઘડ્યું હતું. વર્ષ ૨૦૧૪માં તે મુંબઈ પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. આજે તેને અદાલતમાં રજૂ કરીને એનઆઈએ તેની પૂછપરછ માટે રિમાન્ડની માગણી કરશે.

આતંકી અબ્દુલ નઈમ શેખ વારાણસી અને લખનૌમાં રહીને મહત્વના સુરક્ષા સ્થળોની રેકી કરી રહ્યાે હતો તે કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ રહેતો હતો. તેના પર ગુજરાતના રમખાણો બાદ મહારાષ્ટ્રમાં લઈને ગુજરાતના મોટા નેતા અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાની હત્યા કરવાની સાજિશ કરવાનો પણ આરોપ છે.

એનઆઈએના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦૦૬માં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં લશ્કર-એ-તોઈબા દ્વારા સપ્લાય કરવામાં આવેલ મોટી સંખ્યામાં એકે-૪૭ પ્રાપ્ત થઈ હતી. આ મામલામાં ઔરંગાબાદ પોલીસે અબુ ઝંુંડાલ સહિત લશ્કરના ૨૨ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં આતંકી અબ્દુલ નઈમ શેખની પણ ધરપકડ કરવામાં આવી હતી.

મહારાષ્ટ્ર પોલીસ તેને ૨૦૧૪માં કોલકાતાથી મુંબઈ જઈ રહી હતી ત્યારે છત્તીસગઢમાં રાયપુર નજીક તે ટ્રેનમાંથી કૂદીને ફરાર થઈ ગયો હતો. એનઆઈએના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે જ્યારે તે ઝડપાઈ ગયો છે ત્યારે એટીએસ, એનઆઈએ અને લશ્કરી ઈન્ટેલિજન્સ એજન્સીઓ તેની પૂછપરછ કરશે. ગઈ કાલે કરવામાં આવેલી પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે ફરાર થઈ ગયા બાદ તે કાશ્મીર ગયો હતો અને ત્યાં લશ્કરના આતંકીઓને મળીને તેણે લશ્કરી સંસ્થાનોની જાસૂસી કરી હતી.

You might also like