૧૮ ત્રાસવાદીઓ ભારતમાં એન્ટ્રી, મોદી અને સંસદ નિશાના ઉપર

નવી દિલ્હી: પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન લશ્કરે તૈયબા (એલઈટી) દ્વારા નવા વર્ષની ઉજવણી દરમિયાન દેશનાં વિવિધ સ્થળોએ આતંકવાદી હુમલા કરવાનું કાવતરું ઘડી કાઢવામાં આવ્યું હોવાના ગુપ્તચરએજન્સીઓના અહેવાલને પગલે તંત્ર સાબદું થઈ ગયું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ લાહોરમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફની મહેમાનગતિ માણી બંને દેશ વચ્ચે સંબંધોનો નવો અધ્યાય શરૂ કરીને તેમની સાથે આતંકવાદ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. એની પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠનો પર કોઈ શેહશરમ ન હોવાનું ગુપ્તચર તંત્રોના અહેવાલોથી પુરવાર થયું છે. આ અહેવાલોથી એ દેશમાં સક્રિય ઉદ્દામવાદી સંગઠનો પર સરકારનો કોઈ અંકુશ ન હોવાનું પણ પ્રતિત થાય છે.

એક ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ ગુપ્તચર એજન્સીઓએ એવી ચેતવણી આપી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંસદભવન ત્રાસવાદી હુમલાનું મુખ્ય લક્ષ્ય બની શકે છે. આ સાથે જ એલઈટી દેશનાં અણુમથકો અને લશ્કરના વડામથકને પણ હુમલાનું લક્ષ્ય બનાવે એવી સંભાવના દર્શાવીને ચેતવણી આપવામાં આવી છે.

ગુપ્તચર એજન્સીઓના વર્તુળોને ટાંકીને અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે લગભગ ૨૦ ત્રાસવાદી હુમલા કરવાના લક્ષ્ય સાથે સરહદ પાર કરીને દેશમાં લગભગ ઘૂસી ગયા છે. સોમવારે જ કેન્દ્ર સરકારે તમામ રાજયોને ત્રાસવાદીઓના આવા કોઈપણ અમંગળ પ્રયાસને વિફળ બનાવવા માટે વધારાની તકેદારીરાખવા આદેશ આપ્યો હતો.

નવા વર્ષની ઉજવણી વખતે જ ત્રાસવાદીઓ અને ભાંગફોડિયાં તત્ત્વો દેશના લોકપ્રિય ટૂરિસ્ટ કેન્દ્રોને પોતાની મેલીમુરાદ બર લાવવા નિશાન બનાવી હુમલા કરીને દેશની શાંતિ ન ડહોળી નાખે એ માટે રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગુપ્તચર એજન્સીઓએ દેશવ્યાપી એડવાયઝરી જારી કરી છે અને રાજયોને તાકીદ કરી છે કે રેલવે સ્ટેશનો, બસ ટર્મિનસો, માર્કેટો અને ધાર્મિક સ્થળો જેવા ભરચક વિસ્તારોમાં વધારાનાં સુરક્ષાદળો તહેનાત કરી દેવામાં આવે, જેથી ત્રાસવાદીઓ અને દેશદ્રોહીઓના આવા કોઈ પણ વિનાશકારી પ્રયાસને ડામી શકાય.

મુંબઈ, દિલ્હી, કોલકતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને ગોવામાં આગામી નવા વર્ષની ઉજવણી દરમિયાન વધુ ચોકસાઈ રાખી સજાગ રહેવાની સત્તાવાળાઓને તાકીદ કરવામાં આવી છે.

You might also like