કાશ્મીરમાં ર૦૧૮નું વર્ષ સુરક્ષા દળોને ભારે પડશેઃ લશ્કર-એ-તોઇબાની ધમકી

નવી દિલ્હી: એક બાજુ ભારતીય સેના કાશ્મીર ખીણમાં આતંકીઓનો સફાયો કરવા ઓપરેશન ઓલ આઉટ મોટા પાયે હાથ ધરી રહી છે તો બીજી બાજુ મુંબઇ હુમલાને અંજામ આપનાર આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબાએ સુરક્ષા દળોને પડકાર ફેંકયો છે. સુરક્ષા દળોને લલકારતાં લશ્કર-એ-તોઇબાના પ્રવકતા ડો.અબ્દુલ્લા ગઝનવીએ જણાવ્યું હતું કે ર૦૧૮નું વર્ષ કાશ્મીર ખીણમાં ભારતીય સુરક્ષા દળો માટે ઘણું જ મુશ્કેલ રહેશે.

લશ્કર-એ-તોયબાના કાશ્મીર આધારિત ઓનલાઇન મેગેઝિન વયેથમાં તેના પ્રવકતા ડો.અબ્દુલ્લા ગઝનવીનો ઇન્ટર્વ્યૂ પ્રસિદ્ધ થયો છે. આ ઇન્ટર્વ્યૂમાં ગઝનવીએ એવો દાવો કર્યો છે કે લશ્કર-એ-તોઇબા આમ આદમીના સંઘર્ષ તેમજ જમ્મુ-કાશ્મીરની પ્રજાની વિચારસરણીનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઇન્ટર્વ્યૂમાં ગઝનવીએ સુરક્ષા દળોને ધમકી આપતાં જણાવ્યું છે કે ર૦૧૮નું વર્ષ કાશ્મીર ખીણમાં સુરક્ષા દળોને ભારે પડશે.

લશ્કર-એ-તોઇબાના પ્રવકતા ગઝનવીએ ફરી એક વાર કાશ્મીરની સ્થિતિને પોતાનું સમર્થન આપ્યું છે. તેણે જણાવ્યું છે કે પાકિસ્તાનમાં કાશ્મીરના સંઘર્ષનું સમર્થન કરવુું એ લશ્કર-એ-તોઇબાની નૈતિક અને કાનૂની જવાબદારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૧૭માં સુરક્ષા દળોએ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ હાથ ધરેલા ઓપરેશન ઓલ આઉટમાં મોટી સંખ્યામાં આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.

You might also like