વૈષ્ણોદેવી મંદિર પાસે ભૂસ્ખલનઃ ચાર શ્રદ્ધાળુનાં મોત, સાત ઘાયલ

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ બાદ રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી પાસે અર્ધકુમારીમાં ભૂસ્ખલન થતાં ચાર શ્રદ્ધાળુઓનાં મોત નીપજ્યાં હતાં  અને સાત શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું જણાવાય છે.

આ કરુણ ઘટનાની વિગત એવી છે કે માતા વૈષ્ણોદેવી મંદિરની નજીક પથ્થરની એક વિશાળ શીલા સરકી જતાં સર્જાયેલી દુર્ઘટનામાં ચાર યાત્રાળુઓનાં મોત નીપજ્યાં હતાં. વાસ્તવમાં કાશ્મીર ખીણમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અર્ધકુમારીની ગુફા પાસે ભૂસ્ખલન થયું હતું.

અહેવાલો અનુસાર ચાર શ્રદ્ધાળુઓનાં સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. જે જગ્યાએ આ ભૂસ્ખલન થયું હતું ત્યાંથી વૈષ્ણોદેવી મંદિર માત્ર છ કિલોમીટર દૂર છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલ શ્રદ્ધાળુઓને નારાયણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું મનાય છે. મોટા ભાગના શ્રદ્ધાળુઓના માથામાં ઊંડા જખમો પડ્યા છે.

પોલીસ પ્રવકતાના જણાવ્યા પ્રમાણે આ ભૂસ્ખલનમાં ઘાયલ થનાર શ્રદ્ધાળુઓમાં દસ વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મંદિરના ગેટ નં. ૩ નજીક પથ્થરની એક મોટી શીલા સરકીને પડી ગઇ હતી અને ચાર શ્રદ્ધાળુઓને તેનાથી ગંભીર ઇજા થતાં તેઓનાં સ્થળ જ મોત થયાં હતાં. અલીગઢ નિવાસી અભય ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને કટરાના જાહેર આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયો છે. અન્ય બે જખમીઓમાં પશ્ચિમ બંગાળના ર૦ વર્ષના સુરજિત બર્મન અને રાજસ્થાનના ૩૦ વર્ષીય રાજીવસિંહનો સમાવેશ થાય છે.

You might also like