કરોડો રૂપિયાની જમીન તકરારમાં બિલ્ડર પર ફાયરિંગ કરાયું હતું

અમદાવાદ: શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા પ્રમુખ બંગલોઝ નજીક ખુલ્લા પ્લોટમાં ઓફિસમાં બેઠેલા બિલ્ડર પર ગત રાત્રે બાઈક પર આવેલા ત્રણ હેલ્મેટધારી શખસો એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા, જોકે આ બનાવમાં કોઈને ઈજા થવા પામી ન હતી. કરોડો રૂપિયાની જમીન બાબતે ફાયરિંગ કરાયું હોવાની શંકા ફરિયાદીએ વ્યક્ત કરી છે. કાળી ગામના રબારી યુવક દ્વારા ધમકી તેમજ બિલ્ડરને અગાઉ અન્ય ત્રણ વ્યક્તિ સાથે થયેલી જમીન તકરારનો કેસ કરનાર દ્વારા ફાયરિંગ કરાયાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ રાણીપના ગાયત્રી મંદિર રોડ પર આવેલી ‌પ્રગટ પુરુષોત્તમ સોસાયટીમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા રાજેન્દ્રભાઈ પટેલ તેમના મિત્ર વિજય ઠાકુર અને સર્વેશ યાદવ સાથે ન્યૂ રાણીપના પ્રમુખ બંગલોઝ નજીક પોતાની જમીન પર આવેલી ઓફિસમાં ગત રાત્રે મેચ જોઈ રહ્યા હતા. દરમિયાનમાં બાઈક પર આવેલા બે હેલ્મેટધારી ઈસમોએ ઓફિસ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ તેઓ ફરાર થઈ ગયા હતા.

ફાયરિંગ થતાં રાજેન્દ્રભાઈ બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં ડીસીપી, એસીપી ક્રાઈમ બ્રાન્ચ અને સાબરમતી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

એલ ડિવિઝન એસીપી અર્પિતા પટેલે જણાવ્યું હતું કે બે અજાણ્યા શખસો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. કાળી ગામના લાલજી દેસાઈ નામના યુવક સાથે અગાઉ ઝઘડો થયો હતો તેમજ મહેશ વાણિયા, કમલેશ પટેલ સાથે જમીન તકરારનો કેસ ચાલે છે. તેથી દરેક દિશામાં હાલ તપાસ ચાલુ છે. લાલજી દેસાઈનો મોબાઈલ નંબર બંધ આવે છે. તેથી તે શંકાના દાયરામાં છે. બે દિવસ અગાઉ પણ કેટલાક શખસો બપોરના સમયે રાજેન્દ્રભાઇની ઓફિસે આવી બહારથી બારણું બંધ કરી બારીમાંથી રિવોલ્વર તાકી ધમકાવી ફરાર થઈ ગયા હતા. આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે.

http://sambhaavnews.com/

You might also like