જમીનના મામલે પાંચ લોકો પર ટોળાનો ઘાતક હુમલો

અમદાવાદ: શહેરના ઓઢવ રિંગ રોડ પર આવેલી જમીન પર કરાયેલા બાંધકામ મુદ્દે આજે વહેલી સવારે રપથી ૩૦ લોકોના ટોળાએ પાંચ વ્યક્તિઓ પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો.  આ હુમલામાં પાંચ વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ બાપુનગર કોંગ્રેસના કોર્પોરેટર જે.ડી. પટેલ દ્વારા આ જમીન પચાવી પાડવા માટે થઇને રપથી ૩૦ માણસોનું ટોળું મોકલી હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે ઓઢવ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઠાકોર ક્રાંતિ સેનાના અગ્રણી પ્રવીણસિંહ ઠાકોર નરોડા ગામમાં રહે છે. પ્રવીણસિંહની ઓઢવ રિંગ રોડ પર આવેલી હોટલ પામગ્રીન પાસે જમીન આવેલી છે.  આ જમીનને બાપુનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જે.ડી. પટેલ જમીન પચાવી પાડવા માગે છે તેઓએ આ જમીન પર કબજો મેળવવા માટે કેટલાંક તત્વોને મોકલી કબજો મેળવી અને નાનકડું બાંધકામ કરી લીધું હતું. પોતાની જમીન પર કબજો થતાં પ્રવીણસિંહે આ બાબતે કોર્પોરેશનમાં જાણ કરી હતી જેથી કોર્પોરેશન દ્વારા આ બાંધકામને સીલ કરી દેવામાં આવ્યું હતું.

બાંધકામ સીલ કર્યું હોવા છતાં જે.ડી. પટેલ અને કેટલાક શખસો દ્વારા આ સીલ તોડી દેવામાં આવ્યું હતું. દરમિયાનમાં આજે સવારે પ્રવીણસિંહ ઠાકોર તથા તેમના ભાઇ રાજેશ ઠાકોર અન્ય ત્રણ સિક્યોરિટીના માણસ લઇ જમીન પર ગયા હતા. ત્યારે ચેલા ભરવાડ, અશોક ભરવાડ, લાભુજી દેસાઇ તેમજ અન્ય રપથી ૩૦ માણસો ઘાતક હથિયારો સાથે ત્યાં આવ્યા હતા અને પ્રવીણસિંહ સહિત પાંચેયને ઢોર માર મારી ફરાર થઇ ગયા હતા.

પાંચેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ઓઢવ પોલીસે ગુનોં નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

You might also like