ફાંસીએ લટકી જઈશ, પણ મોદી- શાહનો ઘમંડ ઉતારી દઈશઃ લાલુ

પટણા: સીબીઆઈએ ગઈ કાલે આરજેડીના પ્રમુખ લાલુ યાદવના પરિવારના 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા તે ઘટના અંગે લાલુએ પત્રકાર પરિષદમાં ખુલ્લેઆમ મોદી અને અમિત શાહને પડકાર ફેંકતાં જણાવ્યું હતુું કે તેમના ઈશારે જ તેઓના પરિવારને પરેશાન કરવામા આવી રહ્યા છે. તેથી આ કેસમાં ભલે મને ફાંસીએ લટકાવી દેવામાં આવે પરંતુ હું મોદી અને અમિત શાહનો ઘમંડ ઉતારી નાખીશ.

લાલુએ વધુમાં જણાવ્યું હતું કે મારા પરિવારને પરેશાન કરવા મોદી અને અમિત શાહ સીબીઆઈનો ઉપયોગ કરી રહ્યા છે.તેમાં સીબીઆઈનો દોષ નથી. લાલુએ જણાવ્યું કે હું જ્યારે ચારા કેસની સુનાવણી માટે રાંચી હતો ત્યારે મને જાણવા મળ્યું હતું કે સીબીઆઈના ૧૭ અધિકારી મારા ઘેર દરોડા માટે આવ્યા છે. સીબીઆઈએ આ અંગે તેમને ઉપરથી આદેશ હોવાનું જણાવ્યું હતું તેથી મેં મારા પરિવારજનોને તેમને સહકાર આપવા જણાવ્યું હતું.

હવે જ્યારે સીબીઆઈએ દરોડા પાડયા છે ત્યારે તેમને મારા ઘરમાંથી શું મળ્યું છે તેનો ખુલાસો કરે. લાલુએ વધુમાં જણાવ્યું હતું કે કથિત કૌભાંડ વખતે તો તેજસ્વી સગીર હતો તો તેની સામે કેસ કેવી રીતે દાખલ થઈ શકે. તેમણે જણાવ્યુ‌ં કે ૩૧ મે ર૦૦૪માં હું રેલવે પ્રધાન બન્યો હતો જ્યારે હોટલની લીઝ ર૦૦૩માં મળી હતી. આ ઉપરાંત વાજપેયીની સરકાર વખતે લેવાયેલા નિર્ણય મુજબ ર૦૦૬માં ટેન્ડર આપવામાં આવ્યું હતું. તે વખતે તેની કિંમત રૂ.૧.૧પ કરોડ હતી અને તે વખતે વધુ બોલીના હિસાબે ટેન્ડર આપવામાં આવ્યું હતું. અને હવે એવું કહેવાય છે કે હોટલના બદલે જમીન મળી ગઈ હતી.

લાલુએ મોદીને નિશાન બનાવતાં જણાવ્યું હતું કે સીબીઆઈ વડા પ્રધાનને આધીન છે. હાલ સત્તા તેમની છે સીબીઆઈ તેમની છે. તેથી મોદી મને અને મારા પરિવારને પરેશાન કરવા માગે છે. પણ અમે તેનાથી ગભરાતા નથી. ર૭ ઓગસ્ટે યોજાનારી ભાજપ ભગાવો દેશ બચાવો રેલીને નિષ્ફળ બનાવવા અને મને ડરાવવા આવી કાર્યવાહી કરાવી રહ્યા છે. મોદી મને ખતમ કરી નાખવા માગે છે. પણ મારી તેમને ખુલ્લી ચેલેન્જ છે કે હું ફાંસીના માંચડે લટકી જઈશ પણ મોદી અને અમિત શાહના ઘમંડને ઉતારીને જ જંપીશ.લાલુએ એમ પણ જણાવ્યું હતું કે મોદી અને શાહની જુગલબંધી મહાગઠબંધનને તોડાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હું તેમની દવા ચોકકસ કરીશ તેવી ચીમકી આપી હતી.
http://sambhaavnews.com/

You might also like