શત્રુઘ્ન વિરુદ્ધ ‘કોંગ્રેસીઓ’નું પ્રદર્શનઃ લાલુ યાદવના ‘એજન્ટ’ ગણાવ્યા

ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસનો હાથ પકડનારા શત્રુઘ્ન સિંહા માટે આગળનો રસ્તો થોડો મુશ્કેલ લાગી રહ્યો છે. શત્રુઘ્ન સિંહાને પોતાના મતદાન ક્ષેત્ર પટનાસાહિબમાં પોતાની પાર્ટીના કાર્યકર્તાઓનો વિરોધ સહન કરવો પડ્યો હતો.
કોંગ્રેસ કાર્યકર્તાઓનાં એક ગ્રૂપે શત્રુઘ્ન સિંહાને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદના દલાલની સંજ્ઞા આપતા તેની ઉમેદવારી રદ કરવાની માગ કરતાં પટના સ્થિત પાર્ટી મુખ્યાલયની બહાર ધરણાં પ્રદર્શન કર્યું હતું.

બિહાર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રવકતા એચ. કે. વર્માએ આશંકા વ્યક્ત કરી હતી કે કાર્યકર્તાઓને ‘વિપક્ષી દળો’ દ્વારા તેમના પાર્ટી મુખ્યાલય સદાકત આશ્રમ મોકલવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે શત્રુઘ્ન સિંહાને આરજેડીના ઈશારે કોંગ્રેસ ઉમેદવાર બનાવાયા અને બીપીસીસી અધ્યક્ષ મદનમોહન ઝા, પાર્ટી નેતા શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસની ચૂંટણી અભિયાન સમિતિના પ્રદેશ અધ્યક્ષ અખિલેશપ્રસાદ સિંહ દ્વારા આ સીટને ‘વેચી દેવામાં આવી’.

અગાઉ શત્રુઘ્ન સિંહાએ કોંગ્રેસના પ્રદેશ મુખ્યાલયમાં ઘેરી લેવાયા હતા. શત્રુઘ્ન સિંહાએ એક બેઠકને સંબોધિત કરવા દરમિયાન કહ્યું હતું કે જ્યારે હું કોઈની સાથે દોસ્તી કરું છું તો હું મારી વફાદારી બદલતો નથી.

You might also like