લાલુના પુત્ર તેજપ્રતાપની જીભ લપસી, કહ્યું, ‘સુશીલ મોદીને ઘરમાં ઘૂસીને મારીશું’

બિહાર સરકારના પૂર્વ સ્વાસ્થય મંત્રી અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવના એક વિવાદિત પર રાજકારણમાં ફરીથી ગરમાવો આવી ગયો છે. ઘટનાની હકીકત એવી છે કે, તેજપ્રતાપ યાદવે રવિવારે બિહારના ઔરંગાબાદમાં જનસભાને સંબોધિત કરતાં બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીના ઘરમાં ઘૂસીને મારવાની ધમકી આપી હતી.

તેજપ્રતાપે સુશીલ મોદીના ઘરમાં ઘૂસીને મારવાની ધમકી આપતાં કહ્યું હતું કે, ‘અમે તેમના પુત્ર ઉત્કર્ષના લગ્નમાં જઈશું તો ત્યાં પ્રજાની વચ્ચે જ તેમને ઉઘાડા પાડી દઈશું. લડાઈ ચાલી રહી છે અને અમે માનવાના નથી. અમે લગ્નમાં પણ રાજકારણ કરીશું.’

ઉલ્લેખનીય છે કે સુશીલ મોદીના પુત્રના લગ્ન 3 ડિસેમ્બરે પટણામાં થનાર છે. તેજ પ્રતાપ યાદવના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપતાં સુશીલ કુમાર મોદીએ જણાવ્યું હતું કે, ‘પહેલેથી જ RJDના કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય અને સભા પર હુમલો કરતા આવ્યા છે અને હવે ધમકી પણ આપવા લાગ્યા છે કે પુત્રના લગ્નમાં આવીને બબાલ કરીશું.’

સુશીલકુમાર મોદીએ લાલુ પ્રસાદ યાદવ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, ‘લાલુજી, તમે તમારા પુત્રને કયા પ્રકારના સંસ્કાર આપી રહ્યા છો. હવે તે ઘરમાં ઘુસીને મારવાની વાત કરી રહ્યો છે. લાગે છે કે લાલુજી અને તેમનો પરિવાર નિરાશામાં ગરકાવ થઈ ગયો છે.’

You might also like