ગુડગાંવમાં રિવોલ્વર બતાવીને લાલુ યાદવના જમાઇની કાર લૂંટી લેવાઈ

ગુડગાંવ: રાષ્ટ્રીય જનતા દળના (રાજદ) પ્રમુખ લાલુ યાદવના જમાઇ વિનીત યાદવની ફોર્ચ્યુનર કારને ગુડગાંવના સિકંદરપુર મેટ્રો સ્ટેશન નજીક અજાણ્યા લોકોએ ધોળા દિવસે બંદૂક બતાવીને લૂંટી લીધી હતી. આ ઘટના ઘટી ત્યારે વિનીત યાદવનો ડ્રાઇવર તેના કોઇ સંબંધીને ફોર્ચ્યુનર કાર લઇને સિકંદરપુર મેટ્રો સ્ટેશન પર મૂકવા ગયો હતો. વિનીત યાદવનો ડ્રાઇવર જ્યારે સિકંદરપુર મેટ્રો સ્ટેશન પર ગયો ત્યારે તેણે સર્વિસ રોડ પર કાર ઊભી રાખી હતી. આ દરમિયાન બે યુવાન આવ્યા હતા અને ડ્રાઇવરને કાચ ખોલવા કહ્યું હતું અને ત્યાર બાદ રિવોલ્વરની અણીએ વૈભવી કાર લૂંટીને ચાલ્યા ગયા હતા.

કારના લૂંટારા કયાંના હતા તે અંગે હજુ સુધી કોઇ સુરાગ મળી શકયા નથી. પોલીસને આપવામાં આવેલી ફરિયાદ અનુસાર કારનો નંબર ડીએલ-૧૪ સીસી ૧૩૪૩ છે. ડીએલએફ ફેઝ ર પોલીસ સ્ટેશન દ્વારા આ ઘટનામાં આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. લાલુ યાદવના બિઝનેસમેન જમાઇ વિનીત યાદવ આમ તો રેવાડીના વતની છે, પરંતુ હાલ તેઓ દિલ્હીમાં રહે છે. તેઓ બુધવારે હરિયાણાના પૂર્વ પ્રધાન કેપ્ટન અજય યાદવના પુત્રને મળવા પરિવાર સાથે ગુડગાંવ આવ્યા હતા.

You might also like