એકલા હાથે ભાજપને ખદેડવા બદલ લાલુએ શત્રુઘ્નની પીઠ થપથપાવી

પટણા: બોલિવૂડ અભિનેતા અને ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ ખુલ્લેઆમ બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર અને તેમના સાથી રાજદના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ સાથે મુલાકાત કરી હતી. જોકે તેમણે આ મુલાકાત અલગ અલગ રીતે લીધી હતી. શત્રુઘ્ન સિંહાની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉપેક્ષા કરવામાં આવી હતી અને ત્યારથી શત્રુઘ્ન સતત પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

પટણા સાહિબના સાંસદ શત્રુઘ્નસિંહા પટણા એરપોર્ટ પર લાલુ યાદવ સાથે ઉષ્માભરી મુલાકાત કરી હતી. આ પ્રસંગે લાલુ યાદવ સાથે તેમનાં પત્ની રાબડીદેવી અને શત્રુઘ્ન સિંહા સાથે તેમના મોટા ભાઈ લખન સિંહા પણ હાજર હતા.  સૂત્રોએ જણાવ્યું હતું કે લાલુ યાદવે એકલા હાથે ભાજપના નેતૃત્વ સામે ટક્કર લેવા બદલ શત્રુઘ્ન સિંહાની પીઠ થપથપાવતાં જણાવ્યું હતું કે ખરેખર એ વાત પ્રશંસનીય છે કે તમે એકલા હાથે લાકડી વિંઝીને ભાજપના તમામ નેતાઓને ખદેડી રહ્યા છો.

દરમિયાન એક લગ્ન પ્રસંગમાં શત્રુઘ્ન સિંહાની બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર સાથે મુલાકાત થઈ હતી, પરંતુ નીતીશે તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીનો સમય સારો હતો કે જ્યારે આપણી અવારનવાર મુલાકાત થતી રહેતી હતી. પક્ષ વિરોધીઓને મળવા અંગે શત્રુઘ્નને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે એકવાર મિત્ર બની ગયા પછી હંમેશાં મિત્ર બની રહીએ છીએ. બંને એક બીજાને લાંબા સમયથી ઓળખે છે અને આ મૈત્રીને રાજકીય દૃષ્ટિકોણથી જોવી જોઈએ નહીં.

You might also like