લાલુની મહારેલી પર ITની નોટિસઃ આટલાં જંગી નાણાં ક્યાંથી આવ્યાં?

પટણા: પટણાના ગાંધી મેદાનમાં રવિવારે રાજદના વડા લાલુપ્રસાદ યાદવ દ્વારા આયોજિત એક વિશાળ રેલીમાં આડેધડ અને બેફામ ખર્ચ કરવાના મામલે હવે ઈન્કમટેક્સ વિભાગે ગાળિયો વધુ મજબૂત રીતે કસવાની શરૂઆત કરી દીધી છે. ઈન્કમટેક્સ વિભાગે આ મહારેલી યોજવા પાછળ નાણાં ક્યાંથી આવ્યાં હતાં અને તેમાં કેટલો ખર્ચ થયો છે તે અંગે ખુલાસો માગતી એક નોટિસ લાલુ યાદવના પક્ષ રાજદને ફટકારી છે.

ઈન્કમટેક્સ વિભાગે રાજદને નોટિસ જારી કરીને ખુલાસો માગ્યો છે કે રવિવારે આયોજિત રાજદની મહારેલી માટે નાણાં ક્યાંથી આવ્યાં હતાં અને આ રેલીનાં આયોજન પાછળ કુલ કેટલો ખર્ચ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે રાજદના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાન પર ‘દેશ બચાવો, ભાજપ ભગાવો’ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં લાલુ યાદવે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર પર તેજાબી પ્રહારો કર્યા હતા.

આ મહારેલીમાં લાલુ યાદવ અને તેમના પરિવાર ઉપરાંત શરદ યાદવ, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, ગુલામનબી આઝાદ, સીપીઆઈ નેતા ડી. રાજા, કોંગ્રેસના હનુમંત રાવ, ડીએમકેના એલાંગોવન, એનસીપીના તારિક અનવર સહિત વિવિધ પક્ષોના નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા.

You might also like