સરકાર અનામત મુદ્દે વલણ સ્પષ્ટ કરે ત્યાર બાદ જ ચર્ચા : લાલજી પટેલ

મહેસાણા : 17મીએ મહેસાણામાં યોજાનારા જેલભરો આંદોલન બાદ પાટીદાર અનામત આંદોલન ફરી બેઠું થાય અને આક્રમક બને તેવા આઇપી ઇનપુટ પ્રાપ્ત થઇ રહ્યા છે. જેનાં પગલે સરકાર કોઇ પણ ભોગે આંદોલનને થાળે પાડવા માટે ધમપછાડા કરી રહી છે. સોમવારે અનામત માટે રચાયેલી સમિતી સાથે બેઠક બાદ પાસ અને એસપીજીનાં આગેવાનોને બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે લાલજી પટેલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

લાલજી પટેલે જણાવ્યું હતું કે પાટીદાર યુવાનો છુટ્યા પહેલા સરકાર સાથે કોઇ ચર્ચા કરવામાં નહી આવે. 17મીએ મહેસાણામાં જેલભરો આંદોલન કોઇ પણ સંજોગોમાં યોજાઇને જ રહેશે. લાલજી પટેલે કહ્યું કે સરકાર સમક્ષ 29 મુદ્દા મુકાયા હતા. આ મુદ્દાઓ અંગે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે. મંત્રીઓ સાથેની ચર્ચા બાદ સરકારનું જે વલણ સ્પષ્ટ થયું તેનાં પરથી લાગે છે કે સરકાર હજી પણ અમારી માંગણીઓને ગંભીરતા પુર્વક નથી લઇ રહી.

અમારી મુખ્ય ચાર માંગણીઓ છે. જેમાં હાર્દિક સહિતનાં યુવાનોને બહાર કાઢવા, પાટીદારો સામેનાં તમામ કેસ પાછા ખેંચવા, પાટીદારો પર દમન ગુજારનાર પોલીસ સામે કડક પગલા લેવા અને પાટીદારોને અનામત આપવી. આ ચાર માંગણીઓ અંગે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે ત્યાર બાદ જ કોઇ ચર્ચા આગળ વધી શકશે. હાલ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલી પાસ અને એસપીજી બંન્ને આક્રમક મુડમાં આવી ચુકી છે. અગાઉ બંન્ને વચ્ચે મતભેદ પણ જોવા મળ્યા હતા. જો કે હવે બંન્ને આક્રમક અંદાજમાં હોઇ સરકાર કોઇ પણ ભોગે આંદોલનને ડામવા માટે ધમપછાડા કરી રહી છે.

You might also like