લલિત મોદીએ કર્યો નવો ધડાકોઃ IPL જેવી હશે RPL

લંડનઃ આઇપીએલને વિશ્વક્રિકેટમાં લાવીને હોબાળો મચાવી દેનારા લલિત મોદી હવે એક વધુ ધડાકો કરવા જઈ રહ્યા છે. જે અંદાજમાં લલિત મોદી વિદેશમાં રહીને રાજસ્થાન ક્રિકેટ એસો.ના અધ્યક્ષ બન્યા હતા એવી જ રીતે હવે તેઓ લંડનમાં બેઠાં બેઠાં રાજસ્થાન પ્રીમિયર લીગ એટલે કે આરપીએલ યોજવા જઈ રહ્યા છે. બે મહિના પહેલાં દુબઈમાં લલિત મોદીએ આરસીએના સચિવ સોમેન્દ્ર તિવારી સાથે બેઠક કરીને આરપીએલની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લીધી હતી, જેને હવે અમલમાં મૂકવાની તૈયારીઓ થઈ રહી છે.

મોદીએ લંડનથી નિષ્ણાતોની એક ટીમ મોકલી છે, જે સતત આના પર કામ કરી રહી છે. લલિત મોદી આરપીએલનું આયોજન જયપુરમાં કરવા ઇચ્છે છે, જેમાં આઠ ટીમને સામેલ કરવાની યોજના છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આઇએમજીની જેમ એક મોટી ઇવેન્ટ કંપનીને ટૂર્નામેન્ટની જવાબદારી સોંપી દેવામાં આવશે. તાજેતરમાં નિવૃત્ત થયેલા કેટલાક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પણ લીગનો હિસ્સો બનાવવામાં આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ આઇપીએલ ગોટાળાના આરોપી લલિત મોદી સેન્ટ લૂસિયામાં વસવાટ કરવાને લઈને ચર્ચામાં આવ્યા હતા. મીડિયા અહેવાલો પ્રમાણે હજુ લંડનમાં રહેતા લલિત મોદીએ સેન્ટ લૂસિયાનું નાગરિકત્વ હાંસલ કરવા આવેદન કર્યું છે. સેન્ટ લૂસિયા એક કેરેબિયન દેશ છે.

You might also like