લલિત મોદીએ ફ્રન્ટ ફૂટ પર આવી ‍BCCIનું નાક દબાવ્યું

728_90

જયપુરઃ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આઇપીએલની ત્રણ મેચ યોજવાની રાજ્ય સરકારની જાહેરાત બાદ ઊભા થયેલા વિવાદ વચ્ચે રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ લલિત મોદી ફરી ફ્રન્ટ ફૂટ પર આવી ગયા છે. મોદીએ ગત મોડી રાતે આ મામલે પોતાની પ્રતિક્રિયા ટ્વિટર મારફત વ્યક્ત કરી છે. મોદીએ ટ્વિટ કર્યું છે કે, ”અમારી મંજૂરી વિના મેચ યોજવી ગેરકાયદે હશે.” મેચ યોજવા બાબતે બોલ હવે બીસીસીઆઇની કોર્ટમાં છે. જયપુરમાં મેચ યોજવી ક્રિકેટ ચાહકો અને રમતના હિતમાં છે, તેથી મેચ જયપુરમાં મેચ રમાવી જોઈએ તેવું રમતપ્રેમીઓ માની રહ્યા છે.

બીજી બાજુ મેચને લઈને ગઈ કાલે રાજ્ય સરકાર અને આરસીએ વચ્ચે દિવસભર મંત્રણાઓનો સિલસિલો ચાલ્યો હતો, પરંતુ હજુ સુધી એ નક્કી થઈ શક્યું નથી કે આખરે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાનારી ત્રણ મેચમાં આરસીએની ભાગીદારી કેટલી હશે.

રાજ્યના રમતગમત પ્રધાનની ભાગદોડ
આઇપીએલની મેચની યજમાની મહામુશ્કેલીએ મળવાની સાથે જ તેના આયોજનને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. આરસીએ સાથે સંકલન સાધીને આ મેચોના આયોજન માટે રાજ્યના રમતગમત પ્રધાન ગજેન્દ્રસિંહ ખીંવસરની ભાગદોડ શરૂ થઈ ગઈ છે. ખીંવસર રમત પરિષદના અધિકારીઓ અને આરસીએના પદાધિકારીઓ સાથે મેચના આયોજનને લઈને સવારથી જ મંત્રણાઓ કરી રહ્યા છે, જોકે બીસીસીઆઇ અને આઇપીએલ મેનેજમેન્ટે જયપુરમાં મુંબઈ ઇન્ડિયન્સની ત્રણ ઘરેલુ મેચના આયોજનને લીલી ઝંડી એ શરતે જ આપી છે કે આયોજનમાં આરસીએની કોઈ ભાગીદારી ના હોવી જોઈએ.

મોદીના વિરોધીઓનો તર્ક
મોદીના વિરોધીઓનો તર્ક છે કે મામલાને ઉછાળવામાં આવી રહ્યો છે. આરસીએની સાથે સરકારના એમઓયુમાં સ્પષ્ટ લખ્યું છે કે સરકાર જ્યારે ઇચ્છે ત્યારે સ્ટેડિયમનો ઉપયોગ કરી શકે છે. સમસ્યા મેચ યોજવા માટે જરૂરી સાધનોની છે. એ કાં તો આરસીએ પાસેથી લઈ શકાય છે કે પછી કોઈ અન્ય એસોસિયેશનની મદદથી લઈ શકાય છે. આરસીએના સીધા હસ્તક્ષેપની જરૂર જ નથી.

બીસીસીઆઇની ટીમ મુલાકાત લે તેવી શક્યતા
બીસીસીઆઇની ટીમ ટૂંક સમયમાં રમતગમત પ્રધાનને મળે તેવી શક્યતા છે. સોમવારે બીસીસીઆઇ તરફથી નિયુક્ત ટીમના રાજસ્થાનના કન્વીનર અમૃત માથુરે રમતગમત પ્રધાનની મુલાકાત લીધી હતી. માથુરે મેદાન, સ્ટેડિયમ તથા બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પણ મેદાન અને સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું.

You might also like
728_90