લલિતનું ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનને ગુડ બાય

નવી દિલ્હી: આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીએ આજે ક્રિકેટને ગુડબાય કહી દીધી છે. લંડનમાં રહેતા લલિત મોદીએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે કે તેઓ હવે ક્રિકેટ પ્રશાસનને અલવિદા કહેવા ઈચ્છે છે. લલિત મોદીએ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જૌહરીને લખેલા પત્રને ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

લલિત મોદીએ પોતાના પત્રમાં લખ્યું છે કે હવે નવી પેઢીને તક મળવી જોઈએ. તેમણે આઈપીએલની સફળતા અને રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશનની પ્રગતિનો ઉલ્લેખ કર્યો છે. તાજેતરમાં નવ નિયુક્ત રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશનની પ્રથમ બેઠકમાં અધ્યક્ષ સી.પી. જોશીએ નાગૌર જિલ્લા ક્રિકેટ એસોસિયેશનને સસ્પેન્ડ કરી દીધું હતું. આ સંઘના અધ્યક્ષ લલિત મોદી અને સચિવ આર.સી. નાંદુ હતા. હવે જ્યારે આર.સી.એના અધ્યક્ષ રહેલા લલિત મોદીએ ગઈ કાલે મોડી રાત્રે નાગૌર ક્રિકેટ સંઘના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે રાજસ્થાન ક્રિકેટ સંઘના અચ્છે દિન આવવાની આશા બંધાય છે.

મોદીએ પોતાના પત્રમાં લખ્યું છે કે હવે આઈપીએલ ક્રિકેટ માટે એક નવો પ્લેટફોર્મ બનીને ઉભરી આવ્યો છે. મોદીએ લખ્યું છે કે મેં રાજસ્થાન ક્રિકેટ સાથે ઘણું બધું કર્યું હતું અને એ પણ ત્યારે કે જ્યારે બીસીસીઆઈ કોઈ નાણાકીય સહાય કરતું ન હતું. તેમ છતાં રાજસ્થાન ક્રિકેટનો આટલો વિકાસ થયો હતો. હવે હું ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનથી દૂર થઈ રહ્યો છું.

અત્રે ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી લલિત મોદીને રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશનમાંથી બહાર કાઢવામાં નહીં આવે ત્યાં સુધી સસ્પેન્સન જારી છે. હવે આશા ઉભી થઈ છે કે રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશન પરથી સસ્પેન્સન હટી જશે. લલિત મોદી હાલ લંડનમાં છે અને બીસીસીઆઈ દ્વારા તેમના પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મોદી પર ૨૦૦૯માં ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઓવરસીઝ ટેલિકાસ્ટ રાઈટ્સ આપવામાં છેતરપિંડી અને ઉચાપત કર્યાનો આરોપ છે.

You might also like