લાલન કૉલેજની કસોટી પેપરલેસ બનશે!

ડિજિટલ યુગમાં પેપરલેસ વર્ક વધી રહ્યું છે ત્યારે ફેબ્રુઆરીથી કૉલેજમાં યોજાનારી ઇન્ટર્નલ પરીક્ષા ઓનલાઈન લેવાની તૈયારી ભૂજની લાલન કૉલેજે કરી છે. પરીક્ષાઓ આમ તો વિદ્યાર્થીઓ માટે ટેન્શનરૂપ જ હોય છે, પરંતુ નવી પદ્ધતિથી લેવાનારી આ પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓ તો રાહત અનુભવશે જ સાથે પ્રોફેસરો પણ પેપર ચેક કરવાની કડાકૂટમાંથી બચી જતાં રાહત અનુભવશે. ઈન્ટર્નલ પરીક્ષાનું પણ ઓનલાઈન આયોજન કરીને લાલન કોલેજ કચ્છની પ્રથમ સરકારી ડિજિટલ કોલેજ બની છે.

લાલન કૉલેજમાં ગત સેમેસ્ટરમાં જ નવા સોફ્ટવેરની મદદથી પરીક્ષા આપવાનું શરૂ કરી દેવાયું હતું. હવે ફેબ્રુઆરીમાં યોજાનારી પરીક્ષામાં આર્ટ્સ અને કોમર્સનાં તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ ઈન્ટર્નલ પરીક્ષા ઓનલાઇન આપશે. આ અંગે પ્રિન્સિપાલ પરેશ રાવલ માહિતી આપતાં કહે છે, “અત્યાર સુધી ઇન્ટર્નલ પરીક્ષાઓ માટે આખો ફેબ્રુઆરી મહિનો શિક્ષણકાર્ય અટકાવવું પડતું, પરંતુ હવે પરીક્ષા કમ્પ્યૂટરની લેબમાં બેચ મુજબ લેવાશે. જેથી શિક્ષણકાર્યને કોઈ અસર નહીં પડે. તેમજ સમય ઉપરાંત સ્ટેશનરીની મોટી બચત થશે.”

કૉલેજમાં ૩૫ કમ્પ્યૂટર હોઈ હાલમાં ૩૦-૩૦ની બેચમાં પરીક્ષા યોજાશે. દરેકને અલગ પ્રશ્નપત્ર અપાશે અને પરીક્ષા પૂર્ણ થતાં જ રિઝલ્ટ પણ તૈયાર થઈ જશે. આમ, લાલન કૉલેજ ઇન્ટર્નલ પરીક્ષા મુદ્દે પેપરલેસ બનીને ડિઝિટલાઇઝેશનની દિશામાં આગળ વધી રહી છે.

You might also like