લાલા કાકા હોલનાં કામમાં લોલંલોલઃ કોન્ટ્રાક્ટરની બેન્ક ગેરંટી-ડિઝાઇન ખોટી નીકળી!

અમદાવાદ: ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં કૌભાંડોની નવાઇ નથી રહી. છાશવારે તંત્રના એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ પ્રકાશમાં આવી રહ્યાં છે. હવે મધ્ય ઝોનના ઇજનેર વિભાગનાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઇજનેર વિભાગની અંધેરગર્દીના કારણે મહિનાઓ બાદ કોન્ટ્રાક્ટરની ડિઝાઇન અને બેન્ક ગેરંટી ખોટી હોવાની તંત્રને જાણ થઇ છે, જોકે આ સમગ્ર કાંડમાં પણ ઘીના ઠામમાં છેવટે ઘી પડીને ભીનું સકેલાઇ જશે.

કોર્પોરેશનના જે તે ઝોનના ઇજનેર વિભાગ કે રોડ-બ્રિજ કે વોટર-ડ્રેનેજ ‌પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરોડો રૂપિયાના વિભિન્ન પ્રોજેક્ટ અમલમાં મુકાય છે. આ પ્રોજેક્ટની ગુણવત્તા હરહંમેશ ચર્ચાસ્પદ રહી છે, જોકે પ્રજાના પૈસે તોતિંગ પ્રોજેકટની અમલવારી થતી હોઇ શાસકો પણ ગુણવત્તાના મામલે મહદંશે ઉદાસીન રહીને જે તે કૌભાંડી અધિકારીઓને છાવરે છે. દૂધેશ્વરના લાલા કાકા હોલના મામલે પ્રથમ દૃષ્ટિએ કોન્ટ્રાક્ટર કરતાં મધ્ય ઝોનનાે ઇજનેર વિભાગ વધુ દોષી જણાતો હોઇ શાસક પક્ષના વલણ પ્રત્યે સૌની મીટ મંડાઇ છે.

દૂધેશ્વરના લાલા કાકા હોલને જમીનદોસ્ત કરી નવેસરથી વધુ સુવિધાસભર બનાવવાનું આશરે ત્રણ કરોડ રૂપિયાનું કામ કોન્ટ્રાકટર સેપ પ્રોજેકટને સોંપાયું હતું. આ કોન્ટ્રાકટરનું ગ્રાઉન્ડ પ્લસ પ્રથમ માળનું કુલ ૧૦૦૦ બેેઠકની ક્ષમતા ધરાવતા નવા લાલા કાકા હોલનું કામ સાવ જ મંદગતિએ ચાલતું હોઇ છેક ઉચ્ચ સ્તરે કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ થઇ હતી.

સ્થાનિક લોકોની નારાજગી દૂર કરવા ઉચ્ચ સ્તરેથી કોન્ટ્રાકટરના કામકાજને તપાસવાનાે મધ્ય ઝોનના ઇજનેર વિભાગને આદેશ અપાયો હતો. જેના કારણે ઇજનેર વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. ઇજનેર વિભાગ દ્વારા કોન્ટ્રાકટરે કોર્પોરેશનમાં જમા કરાવેલા દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઇ હતી. કોન્ટ્રાકટરના દસ્તાવેજની ચકાસણીમાં મિક્સ ડિઝાઇન તથા બેન્ક ગેરંટી ખોટી અપાઇ હોવાની તંત્રને જાણ થઇ હતી! જેના કારણે ઇજનેર વિભાગના લાગતા-વળગતા અધિકારીઓની હાલત જાણે કે સાપ સુંઘી ગયો હોય તેવી કફોડી થઇ હતી.

હાલ તો મધ્ય ઝોનના ઇજનેર વિભાગે જેમ તેમ કરીને કોન્ટ્રાકટર સેપ પ્રોજેકટને કોર્પોરેશનના કોન્ટ્રાકટરોની માન્ય યાદીમાંથી રદ કરવાની દરખાસ્ત તૈયાર કરી છે. જોકે કોર્પોરેશનમાં ખોટી બેન્ક ગેરંટી જમા કરાવવાના મામલે સંબંધિત બેન્ક વિરુદ્ધ કોઇ પગલાં ભરાયાં નથી અને આ મામલાના કારણે અન્ય પ્રોજેક્ટોમાં પણ જે તે કોન્ટ્રાકટરની બેન્ક ગેરંટીની સત્યતા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. અા અંગે અાગામી તા. ૧૯ ઓગસ્ટે મળનારી સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ કેન્દ્રીય તંત્રની વિધિવત દરખાસ્ત મુકાઈ ગઈ છે.

You might also like